સંવત ૧૯૬૩ના વૈશાખ સુદ-૫ને રોજ સવારે સભામાં પ્રથમ પ્રકરણનું ૧૦મું વચનામૃત વંચાતું હતું. તેમાં સેવકરામની વાત આવી.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “શ્રીજીમહારાજને વનમાં સેવકરામ મળ્યો હતો તેની સેવા મહારાજે કરી હતી. તે તો વાત સાચી છે, પણ તેનો અધ્યાત્મ ઉત્તર હોય તો કૃપા કરીને સમજાવો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સેવકરામ નામે સાધુ તે મોક્ષાર્થી જીવ જાણવો. શ્રીજીમહારાજની ને જીવની વચ્ચે જે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્ત્વ, પ્રધાનપુરુષ, પ્રકૃતિપુરુષ, વાસુદેવ-બ્રહ્મ તથા મૂળઅક્ષર એ સર્વે આવરણ છે તે વેંકટાદ્રિ જાણવો. સેતુબંધ એટલે ધર્મમર્યાદારૂપી પાળ જાણવી, રામેશ્વર એટલે ભગવાન જાણવા, માર્ગ એટલે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જાણવું, વૈરાગ્યહીન તે મંદવાડ જાણવો. ચાકરી કરનાર એટલે જ્ઞાન આપનાર સત્પુરુષ જાણવા. ત્યાગીને દેહે કરીને અને ગૃહસ્થને દ્રવ્યે કરીને સેવા કરવાની સામર્થી તે સોનામહોરો જાણવી. સત્પુરુષને ખોળવા તે રોવું જાણવું. ગામ એટલે કુસંગ જાણવો અને ફૂલવાડી તે સત્સંગ જાણવો. વૃક્ષ એટલે દેહ જાણવો. ભૂત એટલે અંતરશત્રુ જાણવા. સત્સંગમાં સન્માન મળે તે પથારી જાણવી. આયુષ્યનો ક્ષય થતો જાય તે લોહીખંડ પેટબેસણું જાણવું. આત્માનું તથા શ્રીજીમહારાજના સ્વરૂપનું જ્ઞાન આપવું તે ચાકરી જાણવી. જ્ઞાન આપનાર સત્પુરુષની સેવા ન કરવી તે ખાવા ન આપ્યું કહેવાય.”

“શ્રીજીમહારાજના સ્વરૂપનું જ્ઞાન આપનાર સત્પુરુષને બીજા કોઈ પાસે સેવા કરાવવી પડે તે વસ્તીમાં જમી આવ્યા કહેવાય. કોઈક વખતે સેવા કરનાર ન મળે તે ઉપવાસ જાણવો. વૈરાગ્યવાન કરવો તે સાજો કર્યો કહેવાય. ત્રણ દેહ, ત્રણ અવસ્થાઓ, ત્રણ ગુણ, ચાર અંતઃકરણ, પંચભૂત, પંચવિષય, દશ ઇંદ્રિયો, દશ પ્રાણ, ચૌદ દેવતા એ સર્વેથી જુદો આત્મારૂપે વર્તી શકે તથા પંચ વર્તમાનરૂપી ધર્મમર્યાદા પાળી શકે એવો સમર્થ કરવો તે ઘી પચાવી શકે એવો જાણવો. એવી સામર્થી આપ્યા છતાં પણ એ પ્રમાણે વર્તશે કે નહિ એવી સત્પુરુષને ચિંતા રાખવી પડે તે ભાર ઉપડાવ્યો કહેવાય. જો ક્યારેક દેહાદિક ભેળો ભળીને હાણ-વૃદ્ધિ, માન-અપમાન, સુખ-દુઃખ, હર્ષ-શોક પામે અથવા પંચ વર્તમાનરૂપી ધર્મમર્યાદામાં ફેર પાડે તો તેનું કલ્યાણ સત્પુરુષ ન કરે તે ત્યાગ કર્યો કહેવાય.” ।।૪૯।।