સંવત ૧૯૮૩ના કારતક વદ-૭ને રોજ સવારે નારાયણપુરના મંદિરમાં વચનામૃતની કથા વંચાતી હતી, એવામાં ઝીણાભાઈ વૃષપુરથી આવ્યા.
તેમને બાપાશ્રીએ પૂછ્યું જે, “મકડ (તીડ) આવ્યાં હતાં તે છે કે ગયાં?” પછી તે કહે જે, “ઊગમણાં ગયાં જણાય છે.” ત્યારે બાપાશ્રી કહે, “ડુંગરા ઉપર ગયાં છે?” તો કહે જે, “હશે ખરાં.”
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા! આપ સર્વે જાણો છો, ને એ બિચારાને કેમ પૂછો છો? બધી આપને ખબર તો છે.”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અમારે બેય જોઈએ. મહારાજ અને મુક્તની લીલા નટની માયા જેવી છે. આ લોકના ભેળા વર્તીએ અને કુટાઈએ. આપણી વાત અમે ને તમે જાણીએ. બીજા શું જાણી શકે? બીજાને ન જણાવીએ. આ લોકના ભેળું આ લોકનું રાખીએ. અમારે મોલ વાવવો ખપે, હજાર-પંદરસોનું બી વાવી મૂક્યું છે તે મકડ ખાઈ જાય તો છોકરા શું ખાય! અમને તો ખાવાનું મહારાજે અને તમે ઘણું આપ્યું છે. આ લોકમાં અમનેય ખપે ને તમનેય ખપે. તમારે લાડુ ને ગાડું જોઈએ. તમને લાડુ જમાડીને કોઈ એમ જાણે કે એ તો ચાલ્યા જશે; ગાડાનું કાંઈ નહિ, એમ સમજીને ગાડું ન જોડે તો કાંઈ ચાલે? એ તો બધુંય જોઈએ. દિવ્ય વાત તો અમારી ને તમારી જુદી છે. આ લોકમાં તો બધુંય ખપે. એક વાત ન રાખીએ, બેય વાત જોઈએ. જો એમ ન રાખીએ તો લોકમાં સાનુકુળ પડે નહિ, માટે એમ રાખીએ છીએ.” ।।૧૫।।