સંવત ૧૯૭૩ના વૈશાખ સુદ-૧૧ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત હરિજનો શ્રી કાકરવાડીએ નાહવા ગયા. ત્યાં નાહીને આંબા તળે બેસીને માનસી પૂજા કરી.

પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “પ્રત્યક્ષ મહારાજ ને મુક્ત મળ્યા; માટે અખંડ શ્રીજીમહારાજની મૂર્તિ અંતર્વૃત્તિએ ધારવી, તે ધારતાં ધારતાં તેજમાં મૂર્તિ દેખાય ત્યારે જે કરવાનું છે તે કર્યું કહેવાય. સત્સંગીને કથા-વાર્તા કરવી તે તો ચારો છે, પણ અખંડ મૂર્તિમાં રહેવું તે જ કરવાનું છે; એ તો નક્કી કરવું જોઈશે. જ્યારે મહિમાની વાતો કરીએ ત્યારે સૌને સારી લાગે અને ધ્યાન કરવાની વાતો કરીએ છીએ ત્યારે સૌ અટકી પડે છે; તે જેમ ઘવરાવવા લીધા હોય ને શું? તેમ થઈ જાય છે, પણ એ તો જરૂરાજરૂર કરવું જોઈશે. મૂર્તિની વાત કરીએ ત્યારે જાણે વજ્ર કમાડ દીધાં. જેમ છોકરો કુપાત્ર હોય તેને પોતાનો બાપ કહી કહીને થાકી જાય, પણ કહ્યું કરે નહિ. તેમ કહી કહીને થાકી ગયા તોપણ ધ્યાન કરતા નથી. જ્યારે ગોદો મેલે ત્યારે બે ડગલાં ચાલે ને વળી પાછો ઊભો થઈ રહે, તે પંથ કેમ કપાય? તેમ જ્યારે વાતો કરીએ ત્યારે જીવમાં શેડ્ય આવે ને થોડીકવાર ધ્યાન કરે ને પાછું મૂકી દે.”

“જીવ શૂન્યકાર થઈ ગયો છે, તે માર્ગે જ ચાલતો નથી ને કોઠારું, ભંડારું, મહંતાઈ વગેરેમાં સારું લાગે જે આપણા તડના ભંડારી કે મહંત થયા; પણ ધ્યાન કરવાની તો વાતેય નહિ ને તે કરવુંયે નહિ, પણ તે કર્યા વિના છૂટકો નથી. આ જોગમાં રહીને ધ્યાન કરીને મૂર્તિ સિદ્ધ નહિ કરે તો મહારાજના ને મોટાના ગુનેગાર થાશે. જો ધ્યાનનો આગ્રહ કરે તો છ મહિનામાં ઝળળળ તેજમાં મૂર્તિ દેખાય ને સાક્ષાત્કાર થઈ જાય; અગર છ મહિનાની માંહે પણ મૂર્તિ સિદ્ધ થઈ જાય. આ દેહે શું ન થાય? જે કરે તે થાય. બે મહિના ઠાકોરજીને ન જમાડીએ તો દેહ રહે નહિ, તે દેહ રાખવાનું જેટલું જતન છે તેટલું જો મૂર્તિનું જતન કરે તો મૂર્તિ સાક્ષાત્ થાય.”

પછી પુરાણી ધર્મકિશોરદાસજીએ કહ્યું જે, “કૃપા કરો તો થાય.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મોટાની કૃપા તો એવી છે જે મૃત્યુ આડી અર્ધી ઘડી રહી હોય તેટલામાં મૂર્તિ આપી દે ને પૂરું કરી દે. તો આજ મહારાજ ને મોટા સભામાં વિરાજે છે, તે આગ્રહ કરો તો સાક્ષાત્કાર કરાવી દે તે છ મહિના પણ પૂરા થવા દે નહિ, એની આ સભા સાક્ષી છે.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “ઝુમખરામને સોટી મારીને તરત મૂર્તિ શ્રીજીમહારાજે આપી દીધી, તેમ કરો તો મૂર્તિ દેખાય.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જેમ ઝોળી માગીને જમવા કરતાં પોતે રળીને જમવું તે ઠીક, તેમ પોતે કાંઈક દાખડો કરીને સિદ્ધ કર્યું હોય તો તે દાખડો જોઈને મોટા બહુ રાજી થાય, ને બહુ સુખ આવે. માટે જે સુખ દેહ મૂકીને પામવું છે તે છતી દેહે ભોગવવું એ કરવાનું છે, તે જરૂર કરવું જોઈશે. મહારાજની ને મોટાની કૃપા છે, તો આજ સાક્ષાત્ મહારાજ ને મુક્ત મળ્યા છે. આ વખતે મૂર્તિનો સાક્ષાત્કાર થઈ જાય એવું છે. આવી આવી વાત પછી કોણ કરશે? આ ટાણે મૂર્તિનો સાક્ષાત્કાર નહિ કરો તો પછી કોણ કરાવશે? માટે આ કરો, આ કરો, બીજું સર્વે પડ્યું મૂકો. પગલાં-પદાર્થ કાંઈ કામનાં નથી. મૂર્તિ રાખો તો બધુંય આવ્યું, પણ કાર્યમાં તાન છે તેટલું કારણમાં તાન થાતું નથી તે બહુ ખોટ છે. આ લાભ આ ટાણે મળ્યો છે તે લેવો ને જરૂર મૂર્તિ સિદ્ધ કરવી.”

એટલી વાત કરીને સર્વેને મળ્યા ને પછી સૌ મંદિરમાં આવ્યા. ।।૧૬૭।।