સંવત ૧૯૭૩ના જેઠ સુદ-૧ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “શ્રીજીમહારાજ ને આ સંત મળ્યા છે તે દિવ્ય છે. તેમને જે દિવ્ય જાણે તે પણ દિવ્ય થઈ જાય. તે શ્રીજીમહારાજે કહ્યું છે જે, ‘જેવા અમને ને અમારા મુક્તને જાણશો તેવા કરીશું અને અંતર્યામી જેવા કરીશું.’ તે અંતર્યામી એટલે અનાદિમુક્ત સુખ લેતા હોય તેને જાણી શકે અને પરમ એકાંતિકના સુખને જાણે ને એ સર્વેને ઓળખે અને એ જે સુખ ભોગવતા હોય તે સર્વે દેખે અને તેથી ઓરા જે અક્ષરકોટિ ને બ્રહ્મકોટિ ને ઈશ્વરકોટિ ને જીવકોટિ તેમના અંતરનું જાણે, પણ ઉત્પત્ત્યાદિક કરે કે એમને કર્મફળ આપે એવા નથી કરવા, પણ ઉપર કહ્યા એવા અંતર્યામી કરવા છે; એમ જાણવું.”

ત્યારે સંતોએ કહ્યું જે, “મૂર્તિ થોડીકવાર બતાવો તો એમ ને એમ ધારી રહીએ.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “એ તો નાસ્તિકપણું છે. જે છે તે અહીં છે. આ મૂર્તિઓ દિવ્ય જાણે ને સંતને દિવ્ય જાણે તો બધું અહીં છે. માટે આમને દિવ્ય જાણવા, પણ બીજું જોવા ઇચ્છવું નહિ. આ સભા વિના બીજું જોવા ઇચ્છે તો તેને પ્રથમ પ્રકરણના ૯મા વચનામૃતમાં શ્રીજીમહારાજે કેવી મોજ આપી છે જે, એનાં દર્શન કરવાં નહિ ને એના મુખની વાત પણ ન સાંભળવી. આ મૂર્તિ ને આ સંત તેમને દિવ્ય જાણવાં ને આ મૂર્તિનું ધ્યાન કરવું; તો મૂર્તિ તેજોમય ઝળળળ ઝળળળ તેજમાં દેખાય. એવું સુખ છતી દેહે આવે. પણ જીવ શૂન્યકાર થઈ ગયો છે તેથી દુખિયો રહે છે, તે આવા જોગમાં દુખિયો રહે ત્યારે બીજું ઠેકાણું સુખિયા થાવાનું ક્યાં મળશે?”

“આ સભા અક્ષરધામની છે અને તેથી પર મૂર્તિમાં રહેનારા અનાદિમુક્તની છે અને શ્રીજીમહારાજ વિરાજમાન છે. એવી આ સભાને જાણે તે દિવ્ય થઈ જાય. જો ખોટું કહેતા હઈશું તો એનો જોખો એટલે ગુનો અમને છે, પણ જે સાચું માનશે એને બહુ લાભ મળશે. માનો તોય ભલે અને ન માનો તોય ભલે. અમારે તો જેમ છે તેમ કહેવું છે, માટે આ વાત ભલા થઈને માનજો, તો અમ ભેગા હાલશો. અમે તો જીવને શ્રીજીમહારાજ પાસે લઈ જવા આવ્યા છીએ, માટે અમારો દાખડો સુફળ કરજો. આવા કહેનારા નહિ આવે ને આવા કહેનારા ક્યાંયે છે પણ નહિ. સ્વામિનારાયણની સાખે કહીએ છીએ. ખોટું કહેતા નથી, જેવું છે તેવું દેખીને કહીએ છીએ.”

“બદરિકાશ્રમ, શ્વેતદ્વીપ, તથા અક્ષરકોટિને રહેવાની અસંખ્ય કરોડ ભૂમિકાઓ કહી છે. અને શ્રીજીને રહેવાનું અક્ષરધામ જે પોતાનો પ્રકાશ, અને અનાદિમુક્ત તથા શ્રીજીમહારાજ તે સર્વે અહીં છે; માટે બીજે લેવા ન જાવું.”

“શ્રીજીમહારાજે બદરિકાશ્રમમાં ને શ્વેતદ્વીપમાં જાવું પડશે એમ કહ્યું છે તે બધું અહીં છે. તે જે તપ કરાવે તેના ભેળા રહીને તપ કરે તે બદરિકાશ્રમ જાણવું, અને જે અંતર્વૃત્તિ કરાવીને ધ્યાન કરાવે તેના ભેળા રહીને ધ્યાન કરે તે શ્વેતદ્વીપ જાણવું, અને જે મૂળઅક્ષરનો મહિમા વર્ણન કરે ને ભેળો મહારાજનો મહિમા પણ કહે અને અક્ષરનો ભાર રહે તે અક્ષરકોટિના જાણવા, અને તે અક્ષરોથી પર જે અક્ષરધામ તેમાં પરમ એકાંતિક મુક્ત રહ્યા છે તેમનો જોગ અહીં કરે તો તે શ્રીજીમહારાજની મૂર્તિ સન્મુખ રહેવાની વાત કરે ને મૂર્તિના સમીપમાં લઈ જાય, અને અનાદિમુક્ત મળે તો મૂર્તિમાં રહેવાનું કહે ને મૂર્તિમાં રાખે. આ બધી સભાઓ આ સત્સંગમાં છે, માટે બધાં ધામ આ સત્સંગમાં જાણવાં. ને તે તે લક્ષણે કરીને તે સર્વેને જાણીને પછી અનાદિમુક્તનો જોગ કરવો, પણ પરોક્ષનું આપણે કામ નથી.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “વાસુદેવબ્રહ્મના મુક્તોને જુદી સભા હશે કે નહિ હોય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “વાસુદેવના નિષ્કામ મુક્ત નરનારાયણ છે, અને વાસુદેવ તથા નરનારાયણ તે બેય જીવનો મોક્ષ કરે છે. તેમાં વાસુદેવબ્રહ્મ પોતાના ધામમાં રહ્યા થકા શ્વેતદ્વીપમાં દર્શન આપીને ત્યાંના મુક્તોને બ્રહ્મપુરમાં પોતાના સમીપે લઈ જાય છે. અને નરનારાયણ છે તે પણ બ્રહ્મપુરમાં રહ્યા થકા બદરિકાશ્રમમાં દર્શન આપીને ત્યાંના મુક્તોને બ્રહ્મપુરમાં પોતાના સ્વામી જે વાસુદેવબ્રહ્મ તેમની સમીપે લઈ જાય છે, પણ પોતાના શિષ્ય નથી કરતા.”

“અને મહાકાળ છે તેમને વાસુદેવબ્રહ્મે મહાપ્રલય કરવાનું કામ સોંપ્યું છે, તે વાસુદેવબ્રહ્મની સમીપે રહ્યા થકા તે કામ કરે છે; તેમને પણ પોતાના શિષ્ય જુદા નથી. અને મૂળપુરુષને સૃષ્ટિ કરવાનું કામ સોંપ્યું છે, તે સૃષ્ટિ સમયને વિષે માયા સાથે જોડાય છે ત્યારે ગોલોક ધામ રચે છે ને ત્યાં રહે છે. તેમને પોતાના પાર્ષદો જુદા છે. જ્યારે મહાપ્રલય થાય છે ત્યારે તે મૂળપુરુષો બ્રહ્મપુરમાં, વાસુદેવબ્રહ્મના તેજમાં પોતાના પાર્ષદોએ સહિત રહે છે. તે પાર્ષદો પોતાના સ્વામી જે મૂળપુરુષ તેને દેખે, પણ મહાકાળ, નરનારાયણ ને વાસુદેવ તેમને દેખે નહિ.”

“મૂળઅક્ષરોના મુક્તોને માથે કાંઈ પણ ક્રિયા નથી, ને એમને પોતાના શિષ્ય પણ નથી. એ તો અક્ષર જે પોતાના સ્વામી તેનું સુખ લે છે, અને એ મુક્ત નિષ્કામ છે. અને ઉત્પત્ત્યાદિક ક્રિયા કરવી તથા કર્મફળ આપવાં તે શ્રીજીમહારાજે પોતાના તેજ દ્વારે મૂળઅક્ષરોને પ્રેરણા કરી છે, તે સર્વે ક્રિયા મૂળઅક્ષરોએ વાસુદેવબ્રહ્મને સોંપી છે. પણ અક્ષરોના ને શ્રીજીમહારાજના મુક્તોને માથે કાંઈ ક્રિયા નથી; ફક્ત મોક્ષ કરવાની ક્રિયા છે. તે અક્ષરો તથા તેમના મુક્તો અક્ષર પાસે લઈ જાય છે, અને શ્રીજીમહારાજ ને તેમના મુક્તો શ્રીજીમહારાજ પાસે લઈ જાય છે.”

“માટે આજ બ્રહ્મકોટિ ને અક્ષરકોટિ એ બેયને મૂકીને શ્રીજીમહારાજની મૂર્તિમાં રહેવાનો વખત આવ્યો છે. તે જો ચૌદ લોકના સુખથી લૂખા થવાય તો મૂર્તિનું સુખ મળે.” ।।૧૮૨।।