સંવત ૧૯૮૨ના માગશર વદ-૩ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “‘શિવ જેવા વૈરાગ્યવાન છે’ એમ ભક્તચિંતામણિમાં કહ્યું છે તે શિવ કિયા? તો અનાદિ, અને નારાયણ પણ અનાદિ; એ બેય અનાદિ. ઓલ્યા બ્રહ્માંડના શિવ તે આ ઠેકાણે લેવા નહિ. સત્ય એવા જે ભગવાન અને સત્ય એવા જે આ સાધુ તેને સત્ય જાણે ત્યારે સત્સંગી કહેવાય. ભજન કરે તે ભક્ત અને મૂર્તિમાં રહે તે મુક્ત કહેવાય.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “સિદ્ધદશાને પામે તે સર્વત્ર ગતિ કરે તે અક્ષરધામમાં એ ને એ દેહે જાય કે નહિ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એ સકામ માર્ગ છે અને એ બધું અન્વયમાં છે. એક મૂર્તિ જ રહે ને મૂર્તિમાં રસબસ રહેવું તે વ્યતિરેક છે અને તે નિર્વિકલ્પ સમાધિ છે તે અક્ષરધામમાં જાવું હોય તો અહીં બેઠે બેઠે જાય, હાલતે-ચાલતે જાય, ખાતે-પીતે જાય એમ એ તો સદાય અક્ષરધામમાં છે.”

એમ કહીને પછી વાત કરી જે, “જેમ જળમાં માછલાં રમે તેમ મૂર્તિમાં રમનારા આ સંત છે. જ્યારે મૂર્તિમાં રસબસ થઈ જવાય ત્યારે સત્સંગ થયો કહેવાય, પણ જીવ બધા આ લોકના સાધનદશાના શબ્દ સાંભળીને ટૂંટિયાં વાળીને બેસી રહે છે. અમારે તો સર્વે સરખા છે તે પામર, વિષયી અને મુમુક્ષુ એ સર્વેને સરખા સુખિયા કરવા છે. સર્વે સાધનનું ફળ તે એક મૂર્તિ જ છે. તેને બતાવનારા પરમ એકાંતિક છે અને શરણે આવે તેને મૂર્તિનો સાક્ષાત્કાર થાય. અને અનાદિ તો મહારાજની મૂર્તિમાં જ છે.”

પછી વરતાલનું ૭મું વચનામૃત વંચાતું હતું, તેમાં અન્વય- વ્યતિરેકપણાની વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જેમ ભુજના રાજા છે તે રાજ્યમાં બેઠા છે અને એમની સત્તા બધા રાજ્યમાં ચાલે છે તે રાજાના જેવી ક્રિયા કરે છે, પણ તેઓની સત્તા રાજા લઈ લે તો તે કામોરાથી કાંઈ થાય નહિ; તેમ શ્રીજીમહારાજ વ્યતિરેક મૂર્તિમાન અક્ષરધામમાં રહ્યા છે અને એમની સત્તા અક્ષરકોટિથી લઈ સોંસરી બ્રહ્મ તથા પ્રકૃતિપુરુષ આદિ સર્વમાં રહી છે તેથી તે સર્વે ઉત્પત્ત્યાદિક કરે છે. તે સત્તા મહારાજ લઈ લે તો કોઈથી કાંઈ પણ ન બને એમ અન્વય-વ્યતિરેકપણું અમને ભાસે છે. વચનામૃતમાં આવી વાતો આવે છે તે ખણતા આવીએ છીએ.” ।।૨૪૩।।