સંવત ૧૯૭૬ના શ્રાવણ માસમાં સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ બાપાશ્રીને મુળીએ તેડી લાવવા કચ્છમાં ગયા હતા. ત્યાંથી બાપાશ્રી પચાસ હરિજનોએ સહિત મુળી પધાર્યા અને ત્યાંથી ભુજના રાજાના હજૂરી ઘેલાભાઈ તથા ધનજીભાઈ આદિ પાંચ હરિજનોને શ્રીયુત્ મહારાજશ્રીને તેડવા અમદાવાદ મોકલ્યા અને કહેરાવ્યું જે, “તમે અહીં આવો. અમે તમારું સારી રીતે સમાધાન કરીશું.” તોપણ તે આવ્યા નહિ. પછી બાપાશ્રી કચ્છમાં પધાર્યા. તેમને મૂકવા સારુ સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સાધુ મુક્તવલ્લભદાસજી તથા આશાભાઈ ગયા હતા.
ભાદરવા વદ-૧૦ને રોજ સભામાં પ્રથમ પ્રકરણનું ૨૧મું વચનામૃત વંચાતું હતું, તેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિએ કરીને ભગવાન પ્રસન્ન થાય છે એમ વાત આવી.
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એ ચારેનું સ્વરૂપ સત્પુરુષના સમાગમે પમાય છે, પણ તે વિના શાસ્ત્રમાંથી પોતાની માયિક બુદ્ધિએ કરીને પમાતું નથી. શાસ્ત્ર તો દિશ બતાવે છે, પણ મોટા મળે ત્યારે વાસ્તવિક સમજાય. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તે મહારાજની તથા અનાદિમુક્તની શક્તિઓ છે, તે સત્પુરુષના સમાગમે કરીને જીવને વિષે આવે છે ત્યારે જીવને મુક્ત કરે છે. જેમ આંબા આદિ ઝાડમાંથી ફળ થાય છે તેમ મૂર્તિમાંથી ને મુક્તમાંથી એવાં અનંત ઐશ્વર્ય પ્રગટ થાય છે ને લીન થાય છે.”
પછી કેટલાક સંતોને ઊંઘતા જોઈને બોલ્યા જે, “સ્વામિનારાયણ! સ્વામિનારાયણ! સભામાં ઝાંપડી આવી છે, તે આવવા દેવી નહિ. એક સમયે મુક્તાનંદ સ્વામીને ઊંઘ આવી ત્યારે મહારાજ કહે, ‘ઝાંપડી આવી, માટે સ્નાન કરી આવો.’ પછી તે સ્નાન કરી આવ્યા. અને અક્ષરજીવનદાસજી સ્વામીને જ્યારે ઊંઘ આવતી ત્યારે લોઢાનો ખીલો ઘૂંટામાં મારતા, એવો ખટકો રાખવો.”
“એક સમયે બદરિનાથાનંદ સ્વામી અહીં આવ્યા હતા, તેમના એક સાધુ ઊભા ઊભા ઊંઘતા હતા તે તાસડાના કાંઠા ઉપર પડ્યા ને તાસડો ઊભો થયો તે દીવાને ભટકાઈને સાધુ ઉપર પડ્યો તેથી દીવો ઓલાઈ ગયો ને સાધુને વાગ્યું; એવી ઊંઘ છે. તે જો આ કથા-વાર્તામાં ચિત્ત રાખે તો ઊંઘ ન આવે. રામપરાના હરિભક્ત ભવૈયા જોવામાં ચોયણામાં લઘુ કરી ગયા, એવું તાન માયામાં છે; તેવું હેત કથામાં કરવું. અને ગઢડામાં એક હરિભક્ત વાતો સાંભળવામાં એક વૃત્તિ રાખીને લઘુ કરવા ન ઊઠ્યા ને પેડું ફાટીને લઘુ નીકળ્યું, એવી આસક્તિએ સહિત વાતો સાંભળતા. ત્યારે કોઈ કહે જે, ‘લઘુદ્વારે લઘુ નીકળે, પણ પેડું કેમ ફાટે?’ તો એ તો શ્રીજીમહારાજે જણાવ્યું જે આમને આવું હેત વાતોમાં છે. માટે એવું હેત રાખવું અને ત્રિવિધિ તાપે પણ અંતર ડોલવા દેવું નહિ એમ વર્તવું.”
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “સમાધિવાળાને સમાધિ દેહમાં થાતી હશે કે જીવ દેહથી બહાર નીકળતો હશે?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અંતઃકરણમાં જીવ રહે છે ત્યાં જ સમાધિ થાય છે એટલે સ્થૂળ દેહમાંથી સૂક્ષ્મ દેહમાં જીવ જાય છે તે સૂક્ષ્મ દેહમાં રહીને સર્વેને જુએ છે; અને એ પાછો સ્થૂળ દેહમાં આવે છે તે વિષયની આસક્તિથી અવાય છે. અને જે કોઈકના સમાસને અર્થે સમાધિ કરતા હોય તે તો સ્વતંત્રપણે જાય, આવે, લઈ જાય, લાવે; એ તો સમર્થ કહેવાય. એ તો ઘણા જીવોને સમાસ કરવા માટે પોતે સ્વતંત્ર સમાધિ કરે, તેમાં બીજા જીવને સમાસ બહુ થાય.”
“અમે એટલા સારુ સમાધિ કરતા, પણ અમે તો સદાય મૂર્તિમાં ઝીલીએ છીએ, તે કેટલાકના જાણ્યામાં ન આવે. સમાધિ કરીએ ત્યારે ઘણા જીવને આશ્ચર્ય થાય જે સમાધિવાળા છે તે બહુ મોટા છે, પણ મૂર્તિમાં ઝીલીએ તેમાં આશ્ચર્ય ન થાય; કેમ જે એ કોઈના દેખ્યામાં ન આવે. માટે સમાધિ કરીને પ્રખ્યાતિ કરી અને હવે વાર્તા કરીને જ્ઞાન આપીને મોક્ષ કરીએ છીએ.”
“અમે જન્મ્યા નથી અને આ લોકમાં છીએ પણ નહિ; સદા મૂર્તિમાં જ છીએ. તે શ્રીજીમહારાજે મધ્ય પ્રકરણના ૧૩મા વચનામૃતમાં કહ્યું છે જે, ‘માતાના ઉદરમાં મૂર્તિ દેખતા’, તે મુક્તની સ્થિતિ કહી છે. આજ આવા મોટા પુરુષને મહારાજે મોકલ્યા છે, માટે આ દાવ હારવો નહિ. આ શબ્દ જીવમાં ઉતારતા આવો તો જીવ પાત્ર થતો આવે. આ વખતે શરદઋતુ છે. જો આ વાતોમાં આતુરતા હોય તો મહારાજની મૂર્તિરૂપી ફળની પ્રાપ્તિ થાય ને એક એક શબ્દ લાખ-કરોડ રૂપિયાનો થઈ પડે. જો આ શરદઋતુ જાણી હોય તો જેમ ફળ-પુષ્પની ઉત્પત્તિ થવાની ઋતુ આવે છે, તેમ આ મોક્ષની ઋતુ આવી છે. અમારા મુખમાંથી વચન આવે છે તે શ્વાંત છે, તેને ઝીલનાર હોય તો કાંઈનાં કાંઈ ફળ પાકી પડે. બીજા અવતારો હતા તે શરદઋતુ ન કહેવાય. આજ શરદઋતુ ખરી આવી છે, તે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે જે, ‘શરદઋતુમાં આવે જો શ્યામ રંગભર રમીએ.’ આ સંત અક્ષરધામનો દરવાજો છે. અમે શ્રીજીના મુખમાંથી લઈને સુખ પ્રવર્તાવીએ છીએ અને મૂર્તિમાંથી લઈને વાતો કરીએ છીએ ને મૂર્તિનો રસ પ્રવર્તાવીએ છીએ; એ શ્વાંત વરસાવીએ છીએ, તે કંઈકનાં કામ થઈ જાય છે.”
“સાધુ થઈને સંત થાવું. જે શ્રીજીમહારાજની મૂર્તિના સુખનો આહાર કરે તે સંત થયા, માટે સંત થાવું. અને મહારાજની મૂર્તિમાં ને આ મુક્તમાં વળગ્યા રહે તો સંત થવાય. જેમ વડવાનળ (અગ્નિ) સમુદ્રનું જળ મીઠું કરીને વરસાવીને ચાર ખાણના જીવોને સુખિયા કરે છે તેમ આ મુક્ત જીવોને સુખિયા કરે છે; માટે સમજીને મહિમા જાણીને સંગ કરવો તો કામ થઈ જાય.”
“સાધુને બે વાત જે જડ ને ચૈતન્ય માયા, તેને હરામ કરીને સાધુ થાવું. આગળ મોટા મોટા સંત ગોળા જમતા, વનમાં રહેતા, જીવડાં કરડે તેને ઉડાડતા નહિ, ને બે દિવસે, ત્રણ દિવસે, ચાર દિવસે ગોળો મળે તોપણ આનંદમાં રહેતા ને મૂર્તિના સુખે સુખી રહેતા. તે મોટેરા મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી કોઈ દિવસ છાશ કે ગળ્યું કે રહેવાનું કે લૂગડાં તે દેખતા નહિ તોપણ આનંદમાં રહેતા; માટે આપણે પણ એવા ઠરાવ રાખવા. અને આવાં મોટાં મંદિરો કર્યાં, પણ એક ખીંટી સરખીય પોતાની કોઈએ રાખી નથી; તેમ જ આપણે પણ એ મોટા રાખી ગયા તેમ રાખવું.”
“ગૃહસ્થને આવી હવેલીઓ ન હોય ને પત્તરમાં જે જમવાનું આવે છે તેવું જમવાનું પણ ગૃહસ્થને ન હોય, તોપણ ઊઠીને ભાગવા માંડે એ કેવા કહેવાય? દુઃખના દરિયામાં દોટ દે એવી ઊંધાઈ જીવને છે.”
“એક બ્રહ્મચારી મુળીમાં હતા તે ઘેર ગયા, તે વખતે સ્વામી હરિનારાયણદાસજીએ મને કહ્યું જે, ‘એને સમજાવો. બિચારો દુઃખિયો થશે.’ તે સમજાવ્યો, પણ રહ્યો નહિ ને એને ઘેર કોઈ હતું નહિ તોપણ ગયો; એવા જીવ ઊંધા છે.”
“માટે ‘શ્રી ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એ જેવા હતા તેવો હું થાઉં’ એવા ઠરાવ કરવા, પણ ઊતરતા જેવાના ઠરાવ ન કરવા. અને ગૃહસ્થોએ પણ પર્વતભાઈ તથા દાદા ખાચર હતા, તેમના જેવા થવાના ઠરાવ કરવા, પણ આ લોકનાં સુખના ઠરાવ ન કરવા. ‘સર્વસ્વ ભગવાનને અને સંતને અર્પણ કરી દઉં’ એવા ઠરાવ કરવા.”
“સાધુએ ઠાકોરજીની તથા સંતની ચંદન, પુષ્પ ને ફળ, જળે કરીને સેવા કરવી; પણ સાધુ કથા-વાર્તા કરતા હોય તેને સાધુએ ધોતિયાં ઓઢાડવાં નહિ. એક ત્યાગીએ મુંબઈથી લૂગડાં મંગાવીને પહેર્યાં, તે સદ્ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ એની ઘણી વલે કરી, પણ મોહ ન મુકાય. અમારે અહીં હીરો ભક્ત હતા, તેની પાસે સાધુએ જીરું મંગાવ્યું તે કેરા ગામમાં જઈને લાવી આપ્યું. એવો સ્વાદ રાખે તેને આ વાત શું સમજાય ને ક્યારે ભગવાનમાં પ્રીતિ થાય! ને ક્યારે સાધુ થવાય! ને ક્યારે મહારાજ મળે! ને ક્યારે મોક્ષ થાય! એ બધુંય વિચારવાનું છે. માટે એવું કામ ન કરવું. આગળ સંતો ગોળા જમતા તેમાં કોણ જીરું નાખતું હતું? માટે એવા રાગ ટાળીને મહારાજ ને મુક્ત સાથે જોડાવું તો મોક્ષ થાય.” ।।૨૧૦।।