સંવત ૧૯૫૫ના ભાદરવા માસમાં રામજીભાઈને વધારે મંદવાડ થવાથી પોતાને કચ્છમાં જવાનો સંકલ્પ થયો એટલે સગાં-સંબંધીને કહ્યું જે, “મારે તો જરૂર બાપાશ્રી પાસે જવું છે. માટે મેનામાં સુવારી મને કચ્છમાં લઈ જાઓ.” ત્યારે તેમના સંબંધીઓએ કહ્યું જે, “તમારો દેહ માર્ગમાં પડી જાય એવો છે માટે જવાય નહિ.” ત્યારે રામજીભાઈ બોલ્યા જે, “દેહ પડે તો ભલે પડે, પણ મારે તો નક્કી જવું છે.” પછી સર્વે સંબંધી મૂંઝવણમાં પડ્યા જે હવે આમને શી રીતે લઈ જવા.

તે રાત્રિએ બાપાશ્રીએ રામજીભાઈને તેજના સમૂહમાં દર્શન આપ્યાં અને બોલ્યા જે, “રામજીભાઈ! ‘અમે કચ્છમાં છીએ અને અહીં નથી’ એમ ન જાણશો. અમે તો તમારી પાસે જ છીએ; કેમ જે અમે તો સર્વત્ર છીએ. માટે તમો કચ્છમાં જવાનો સંકલ્પ મૂકી દઈ મહારાજ તથા મોટાને સંભારો. અને આજથી છઠ્ઠે દિવસે તમને તેડી જઈશું.” એમ બોલીને અદૃશ્ય થઈ ગયા. પછી રામજીભાઈ બહુ રાજી થયા ને પોતાના સંબંધીઓને કહ્યું જે, “મને બાપાશ્રીએ દર્શન આપીને કહ્યું છે જે, ‘તને છઠ્ઠે દિવસે ધામમાં તેડી જઈશું.’ માટે તમે ચિંતા કરશો નહિ ને મારે હવે કચ્છમાં જવું નથી.” પછી છઠ્ઠે દિવસે મહારાજ તથા બાપાશ્રી સૌને દર્શન આપીને તેડી ગયા. ।।૧૪।।