સંવત ૧૯૭૮ના વૈશાખ સુદ-૫ને રોજ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી ગુણાતીતદાસજી તથા સ્વામી ભગવત્સ્વરૂપદાસજી તથા પુરાણી ધર્મકિશોરદાસજી, આદિ સંતોએ બાપાશ્રીને પૂછ્યું જે, “મુળીનો શતવાર્ષિક પાટોત્સવ કરવો કે નહિ?”

ત્યારે બાપાશ્રીએ પાટોત્સવ કરવાની આજ્ઞા કરીને કહ્યું જે, “અમે આવીશું.”

પછી તે સર્વે સંત મુળી તથા અમદાવાદ ગયા. તે વર્ષે વરસાદ નહિ હોવાથી યજ્ઞ કરવાનો વિચાર મુળીમાં જન્માષ્ટમીના સમૈયામાં બંધ રાખ્યો.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને પત્ર લખ્યો જે, “આ દેશમાં વરસાદ નથી તેથી દુકાળમાં પૈસા ભેગા થાય તેમ લાગતું નથી. માટે જો આપ દયા કરીને વરસાદ કરો તો પાટોત્સવ કરવાની હિંમત આવે.”

પછી બાપાશ્રીએ લખી મોકલ્યું જે, “તમે ખરડો કરવા નીકળશો ત્યાં જ તે દિવસે વરસાદ આવશે ને વર્ષ બહુ સારું પાકશે, માટે વિચાર કાયમ રાખજો.”

પછી ખરડા કરવા નીકળ્યા તે પહેલા વાંકાનેર ગયા, ત્યાં માર્ગમાં જ વરસાદ થવા મંડ્યો તે બધા દેશમાં થયો ને હરિભક્તોએ રાજી થઈને ખરડા કર્યા.

પછી સંવત ૧૯૭૯ના પોષ માસમાં રાજકોટથી મનાઈ હુકમ આવ્યો જે પાટોત્સવ ન કરવો. પછી પાટોત્સવ ન કરવો એવો ઠરાવ કરવા સારુ વઢવાણ કાંપમાં સર્વે સત્સંગીએ આવવું એવા કાગળો મુળીથી મોટેરા સાધુ અને મોટેરા સત્સંગીઓએ લખાવ્યા.

તે જ દિવસે સ્વામી ઈશ્વરચરણદાસજી, મુક્તવલ્લભદાસજી, દેવજીવનદાસજી આદિ કચ્છમાં બાપાશ્રી પાસે ગયા. અને સવારમાં સભામાં બાપાશ્રીને પ્રાર્થના કરી જે, “પાટોત્સવ ન કરવો એવો મનાઈ હુકમ રાજકોટથી વુડ સાહેબનો આવી ગયો અને આજે વઢવાણ કાંપમાં સંત-હરિજનોની કમિટી ભરાઈ હશે તે પાટોત્સવ ન કરવો એવો ઠરાવ કરશે, માટે આપને પૂછવા આવ્યા છીએ જે પાટોત્સવ થશે કે નહિ થાય? જો મુંબઈ અપીલ કરીએ તો મહા સુદ-૫ નજીક આવી છે તેટલામાં આપણને હુકમ મળે નહિ ને પછી મળે તો કાંઈ કામ ન આવે.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “યજ્ઞ થશે; માટે પ્રયત્ન કરો. અને સારું કામ છે માટે મહારાજ ને મુક્ત પ્રેરણા કરશે.”

પછી બળદેવભાઈ શેઠે મુળી ઠાકોરશ્રી મારફત પ્રયત્ન કરી યજ્ઞ થવા બંદોબસ્ત કર્યો. પછી સત્સંગ ભેળો કર્યો ને પાટોત્સવ કરવાની વાત કરી ત્યારે કેટલાક સંત અને જીવા પટેલ આદિ સત્સંગીઓએ કહ્યું જે, “લાખ રૂપિયાનું કામ છે, તેમાં ખૂટે તો કોણ પૂરું કરે?”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “લોકમાં વાત ફેલાઈ ગઈ છે ને ન થાય તો ઠીક ન દેખાય.”

ત્યારે પટેલે કહ્યું જે, “માથે કોણ રાખે છે?”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “શ્રીજીમહારાજ પૂરું કરશે.”

પછી પાટોત્સવ કરવાનું નક્કી કર્યું ને બાપાશ્રીને તેડવા પોષ વદ ૦)) અમાસને રોજ સ્વામી ઈશ્વરચરણદાસજી, મુક્તવલ્લભદાસજી અને આશાભાઈ ગયા. તે રાત્રિએ સ્ટીમર ચાલી નહિ ને મહા સુદ-૧ને રોજ સવારે સાડા અગિયાર વાગે ચાલી તે સાડા ચાર વાગે તુણા બંદરે ઊતર્યા. ત્યાં નાહી પૂજા કરી, આરતી કરીને પછી તુણે જઈ ગાડી કરી બાર વાગે રાત્રે અંજાર જઈ ઘોડાગાડી કરી મહા સુદ-૨ને રોજ સવારે પાંચ વાગે ભુજની વાડીએ પહોંચ્યા. ત્યાં નાહી પૂજા કરીને ભુજના મંદિરમાં ગયા. ત્યાં બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ તથા પુરાણી કેશવપ્રિયદાસજીએ તથા મહંત સ્વામી મહાપુરુષદાસજીએ કહ્યું જે, “બાપાશ્રી તો માંદા છે તે આવી શકશે નહિ; કેમ જે મોતીભાઈનો દીકરો મગનલાલ ઘણો માંદો છે, તેને દર્શન દેવા પધારવા ઘોડાગાડી મોકલી હતી, પણ આવી શક્યા નહિ એવા માંદા છે તે નભી શકશે નહિ. માટે બાપાશ્રીને તમે લઈ જવાનો આગ્રહ કરશો નહિ.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “એ તો અમે ને બાપાશ્રી જાણીએ, પણ તમે સંતો આવશો કે કેમ? તે કહો.”

ત્યારે તેમણે કહ્યું જે, “અહીં તો સાધુ માંદા બહુ છે. તેથી અમારાથી તો આવી શકાશે નહિ.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજી, મુક્તવલ્લભદાસજી અને આશાભાઈ ત્રણે ઘોડાગાડી ભાડે કરીને વૃષપુર દસ વાગે પહોંચ્યા ને ઝાંપેથી ઊતરીને ચાલ્યા ત્યાં બાપાશ્રી પોતાના ઘરના બારણામાં ઊભા હતા, તે મળ્યા ને બોલ્યા જે, “આવડલી વાર ક્યાં લગાડી વીરા!”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “રાત્રિએ આગબોટ ઊપડી નહિ ને પડવેને રોજ સાડા અગિયાર વાગે ઉપડી, તેથી રેલ ન મળી ને રાતોરાત ઘોડાગાડીથી આવ્યા તે આજ આવ્યા ને ટપાલ તો આગબોટમાં જ રહી. તેમાં આપણી કંકોત્રીઓ રહી છે, પણ બીજી હું સાથે લાવ્યો છું. તે લખીને બેય ઢોળમાં મોકલાવીએ, પણ આપને ચરણે વા છે તેને શેકો છો, તેનું કેમ કરશો?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “વાને તો રજા આપીશું, પણ યજ્ઞ થશે કે નહિ તે કહો?”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપાશ્રી! એ તો આપ જાણો. જો થાય તેમ હોય તો પધારો ને ન થાય એમ હોય તો હું પણ અહીં આપની સેવામાં રહીશ.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “યજ્ઞ અમારે કરવો છે. કોણ બંધ કરનાર છે? કોઈનો ભાર નથી જે બંધ કરી શકે.”

પછી બેય ઢોળમાં કંકોત્રીઓ પાંટિયા સાથે મોકલાવીને લખ્યું જે, “અમો મુળી યજ્ઞ કરવા સારુ મહા સુદ-૩ને રોજ નીકળશું અને જેને આવવું હોય તે સુદ-૪ને રોજ નીકળજો. તમારે માટે નારાયણપુરના પટેલ ધનજીભાઈને રાખ્યા છે તે તમને સર્વેને મુળી લાવશે. અમે આગબોટ સ્પેશિયલ તમારે માટે કરશું.”

એવી રીતે કંકોત્રીઓ મોકલાવીને બોલ્યા જે, “બાવા! તમે ઠાકોરજીને જમાડવા રસોઈ કરો; આપણે રાત્રિએ નીકળશું તે સવારે પરબારા સ્ટેશને જઈશું.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “રસોઈ તો નહિ કરીએ. અમારે અત્યારે જ જવું પડશે, કેમ જે ભુજ ઓફિસમાં ઘણા તાર કરવાના છે અને આપ મગનલાલને દર્શન આપીને સ્ટેશને પધારજો.”

પછી બાપાશ્રીએ ટીમણ જમાડ્યું ને બપોરે દોઢ વાગે નીકળ્યા તે સાડા ત્રણ વાગે તાર ઓફિસમાં પહોંચ્યા. ત્યાં એક હરિભક્ત પ્રથમથી આવેલ હતા, તેમને સ્વામીએ પૂછ્યું જે, “તમે કેમ આવ્યા છો?”

ત્યારે તેમણે કહ્યું કે, “સ્વામી મહાપુરુષદાસજીએ તાર કરવા મોકલ્યો હતો તે આવ્યો છું.”

પછી કહ્યું જે, “ક્યાં તાર કર્યો ને કેવી રીતે કર્યો?”

ત્યારે તે હરિભક્તે કહ્યું જે, “કરાંચી કર્યો ને બાપાશ્રી કે સંત-હરિજન કોઈ મુળી જવાના નથી ને તમે પણ જશો નહિ એવો તાર કરાવ્યો છે.”

એવામાં મોતીભાઈ એક તાર લઈને આવ્યા તે તાર કરનાર સ્વામી ઈશ્વરચરણદાસજી અને પુરાણી કેશવપ્રિયદાસજી ઉપર તાર કરેલો જે, “અહીં તો ખૂન થયું છે ને બહુ તોફાન થયું છે, માટે આવશો નહિ. કદાપિ બાપાશ્રી નીકળી ગયા હોય તો તાર કરીને નગરથી પણ પાછા વાળજો.” માટે આનો જવાબ મંગાવીએ.

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “એ તાર ખોટો છે; કાંઈ જવાબ મંગાવવો નથી.”

પછી કરાંચી, મુંબઈ, મુળી, અમદાવાદ, કલકત્તા, ઝરિયા, કટક ઇત્યાદિ સ્થળોએ તાર કર્યો જે, “અમે ને બાપાશ્રી મહા સુદ-૩ને રોજ મુળી જઈએ છીએ ને જેનાથી અવાય તે આવજો.”

પછી સ્વામી ભુજમાં ગયા. ત્યાં બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ ખીચડી કરી, તે શ્રી ઠાકોરજીને જમાડી. પછી આશાભાઈને ભુજથી ઘોડાગાડી કરીને સાડા છ વાગે પાછા વૃષપુર મોકલ્યા ને કહેવરાવ્યું કે, “આશાભાઈની સાથે રાત્રિએ ત્રણ વાગે નીકળી ભુજમાં મોતીભાઈને ઘેર પધારી મગનલાલને દર્શન આપીને પછી સ્ટેશને પધારશો.”

પછી બાપાશ્રી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી તથા મુક્તવલ્લભદાસજી સર્વે સ્ટેશને ભેળા થયા. અને ભુજના સાધુ તથા ભુજના હરિજનો ઘણાક સ્ટેશને મળવા આવ્યા, તેમને બાપાશ્રીએ કહ્યું જે, “તમે અમારા ભેળા મુળી આવતા નથી ને એમ જાણો છો જે યજ્ઞ નહિ થાય ને બાપાશ્રી પાછા આવશે ને ફજેતી થશે, પણ અમે યજ્ઞ કરવા જઈએ છીએ અને આ ટાણે જ અમારો યજ્ઞ શરૂ થઈ ગયો. અમે જય જયકાર કરીને આવીશું, પણ એમ ને એમ પાછા નહિ આવીએ. માટે જેને આવવું હોય તે આવતી કાલે સુદ-૪ને રોજ ધનજીભાઈ જાદવજીભાઈની સાથે આવજો.”

પછી ગાડી ઊપડી તે તુણે આવ્યા. ત્યાં ટીમણ કરીને દોઢ વાગે આગબોટમાં બેઠા તે રાત્રિએ જામનગર પહોંચ્યા. ત્યાંથી સુદ-૪ને રોજ સવારે રેલમાં બેઠા ને રાજકોટ આવ્યા. ત્યાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને વિનંતી કરી જે, “આ કામ તાબડતોબ થયું છે માટે વાસણ, બળતણ આજ જ સાંજે મુળી પહોંચશે અને પાગરણ કે ઓઢવાનું બિલકુલ છે જ નહિ, માટે ટાઢને રજા આપો તો સારું.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “ચાર દિવસ રજા આપીશું. એક લૂગડે જ ચાલે એટલી રહેશે, વધુ નહિ રહે.”

પછી રેલ ઊપડી તે રાજકોટ સીટીએ આવી. ત્યાં ખોટો તાર કરનાર જોવા આવ્યા જે બાપાશ્રી આવ્યા છે કે નહિ, પણ તેમના દેખવામાં બાપાશ્રી આવ્યા નહિ. પછી મુળી આવ્યા ને હજારો માણસો સ્ટેશને સામા આવેલા તેમણે વીંટાણા થકા સિગરામમાં બેસીને બાપાશ્રી મુળીના મંદિરમાં પધાર્યા ને શ્રી ઠાકોરજીનાં દર્શન કરીને સભામંડપમાં ઘડીક બેસીને પછી ઉતારે પધાર્યા.

રાત્રિએ સ્વામી ઈશ્વરચરણદાસજીને પાકશાળામાં મોકલ્યા જે, “જોઈ આવો; કેટલો શીરો કર્યો છે? કેટલું સીધું છે?”

પછી તે ગયા ને જોઈ આવીને બાપાશ્રીને કહ્યું જે, “આટલો શીરો થઈ ગયો છે ને આટલું સીધું છે.”

પછી ફેર મોકલ્યા જે, “જાઓ બંધ રખાવી આવો.”

પછી તે ફેર જઈને બંધ કરાવી આવ્યા.

પછી સવારે સ્વામી ગુણાતીતદાસજીએ કહ્યું જે, “તમે અમને શીરો કરવા દો; ખૂટે તો અમારી લાજ જાય.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “લાજ તો અમારી જાય; કેમ કે અમારો યજ્ઞ છે ને અમે યજ્ઞ કરવા આવ્યા છીએ તેથી અમારે ખૂટવા દેવો નથી. લાજ રાખવી તે તમારા હાથમાં નથી; એ તો અમારા હાથમાં છે.”

પણ તેમના માનવામાં આવ્યું નહિ. પછી શેઠ બળદેવભાઈએ કહ્યું જે, “બાપા, કરવો હોય તો બીજો કરવા દો.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “અમારે તો અડધો શીરો પણ વરવા દેવો નથી, ઘણો વધશે ને ગાડે ઘાલીને ગામોગામ વહેંચશે ને ભાડાં ખરચી ખરચીને થાકી જશે તોપણ ખૂટશે નહિ.”

પછી સવારે બાપાશ્રી પાકશાળામાં પધાર્યા ને સાકરની પ્રસાદી જેટલા હોજ હતા તે સર્વેમાં નાખીને બોલ્યા જે, “આ તો ગાડે ઘાલ્યો પણ નહિ ખૂટે.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા, બંધ કરાવો.”

પછી પુરાણી ધર્મકિશોરદાસજીને બોલાવીને બાપાશ્રીએ કહ્યું જે, “શીરો કરવો બંધ કરાવો.”

પછી તેમણે બંધ કરાવ્યો ને પછી મંદિરમાં આવ્યા ને જે યજ્ઞમાં આવ્યા તે સર્વેને બે દિવસ જમાડ્યા. જેને લઈ જવો હોય તે સર્વેને લઈ જવાની છૂટ આપી તેથી લોકો ગાડીઓમાં તથા વાસણમાં લઈ ગયા તોયે એટલો વધ્યો કે ભાડે ગાડાં કરીને ગામોગામ પહોંચાડ્યો ને માણસો, ગાયો, કૂતરાં વગેરેને જમાડ્યો અને સુદ-૫ને રોજ ધનજીભાઈ કચ્છનો સંઘ લઈ આવી પહોંચ્યા હતા તેમને તો એક આખો હોજ સોંપી દીધો હતો તે રહ્યા તેટલા દિવસ બધો સંઘ જમ્યો હતો.

પછી મુળીથી બાપાશ્રી પાટડી, વિરમગામ થઈ મહા સુદ-૧૦ને રોજ મણિપરે પધાર્યા ને ત્યાં મૂર્તિની પ્રતિષ્ઠા કરી. ત્યાંથી જોશીપરા, કલ્યાણપરા, ધર્મપુર, વિશોતપરા, કડી થઈ અમદાવાદ, સરસપુર, જેતલપુર, અશ્લાલી, રાયપુર, વહેલાલ, કણભા, કુજાડ, બાકરોલ, મોટેરા આદિ ગામોમાં ફરીને સુરત, વડોદરા, વરતાલ, નળકંઠો આદિમાં દર્શન આપ્યાં.

ત્યાં કેસરડીથી વનાળિયે આવતાં ઝાંપ ગામમાં થઈને જતાં વગડામાં એક તળાવ આવ્યું ત્યાં ફરતાં ગામોની ગાયો ચરતી હતી, તે બધી મોટર સામી આવીને પૂંછડાં ઊંચા કરીને ઊભી રહી. પછી રબારી આવ્યા ને બોલ્યા જે, “આમાં કોઈક કાનુડો છે; નહિ તો અમારી વાંભ ઉલંઘે નહિ; માટે માનો કે ન માનો, પણ આ મોટરમાં કાનુડો છે.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને બતાવ્યા ને કહ્યું જે, “આ મોટા પુરુષ છે; તેમનાં દર્શન કરો.”

પછી તેમણે બાપાશ્રીનાં હાથ જોડીને દર્શન કર્યાં, ત્યારે બાપાશ્રીએ તે સર્વેને વર આપ્યો જે, “તમારું કલ્યાણ કરીશું ને આ ગાયોનું પણ કરીશું.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “આ ગાયો ખસશે નહિ, માટે તમારી કામળી અમને ઓઢાડો.”

પછી તેમણે કામળી ઓઢાડી એટલે ગાયો ચાલી ગઈ ને મોટર હાંકી તે વનાળિયા, ઉપરદળ થઈને વાંસવે પધાર્યા. ત્યાં મૂર્તિની પ્રતિષ્ઠા બાઈઓના મંદિરમાં કરી.

બીજે દિવસે અમદાવાદ આવ્યા, ત્યાં કરાંચીથી મુક્તરાજ લાલુભાઈ તથા સાંવલદાસભાઈ, સોમચંદભાઈ, ગોવિંદભાઈ, ગોવર્ધનભાઈ આદિ હરિજનો બાપાશ્રીને તેડવા આવ્યા હતા. તેથી સ્વામી ઘનશ્યામજીવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી, પુરાણી ધર્મકિશોરદાસજી, સાધુ દેવજીવનદાસજી, સાધુ મુક્તવલ્લભદાસજી આદિ સંત તથા આશાભાઈ, દલસુખરામ, મોહનલાલ આદિ હરિજનોએ સહિત બાપાશ્રી કરાંચી પધાર્યા.

ત્યાં સ્ટેશને હજારો હજાર માણસ સામા આવ્યા હતા તેમની સાથે મંદિરમાં ગયા. ત્યાં હરિજનોને ઘણું સુખ આપીને અતિ આનંદિત કર્યા અને ધામમાં તેડી જવાના વર આપ્યા અને સર્વેને ઘેર પધાર્યા. ત્યાં જે જે લોકો દર્શને આવે તે સર્વેના ઘાટ-સંકલ્પ બંધ થઈ જતા અને સુખિયા થતા ને શાંતિ પામતા તેથી સર્વે લોકો એમ પ્રાર્થના કરતા જે, “અમારા ઉપર કૃપા કરીને અમારા ઘાટ-સંકલ્પ ટાળી નાખ્યા ને અમને સુખિયા કર્યા તેમ અમને ગર્ભવાસ થકી પણ છોડાવજો અને અમારાં આત્યંતિક કલ્યાણ કરજો.” વળી કેટલાકને ભૂત વળગેલાં તે પણ આવેલા, તે સર્વેને ભૂત થકી છોડાવ્યા. એમ સર્વેને સુખ આપતા થકા દસ દિવસ રહી ત્યાંથી ચાલ્યા તે સ્ટેશને આવ્યા, ને ઘણાક હરિજનો સ્ટેશન સુધી વળાવવા આવ્યા અને પચાસને આશરે તો હૈદ્રાબાદ સુધી ભેળા આવીને ત્યાંથી પાછા કરાંચી ગયા.

બાપાશ્રી તથા ગુજરાતના સંત-હરિજનો સર્વ ચાલ્યા તે ખારચી આવ્યા. ત્યાં ધર્મશાળામાં ખારચી પાસે દેવરાસણ ગામ છે ત્યાંની ચાર-પાંચ જાનો ઊતરી હતી અને બાપાશ્રી નાહી, પૂજા કરીને મંદિરમાં બેઠા હતા ત્યાં સર્વેએ આવીને પગે લાગીને પ્રાર્થના કરી જે, “તમે મોટા પુરુષ છો ને જીવોનો મોક્ષ કરવા આવ્યા છો તો અમારો મોક્ષ કરજો.”

પછી બાપાશ્રીએ તે સર્વેને વર આપ્યો જે, “તમો સર્વેનું આ જન્મે જ આત્યંતિક કલ્યાણ કરીશું.” એમ કહીને સર્વેને પ્રસાદી આપી ને ત્યાંથી અમદાવાદ આવ્યા અને શેઠ બળદેવભાઈની મિલમાં ઊતર્યા. એક માસ ત્યાં રહી ત્યાંથી ઝાલાવાડમાં પધાર્યા. ત્યાં ધ્રાંગધ્રા સ્ટેશને ગયા તે વખતે રાજ્યમાં કુંવરનો જન્મ થયો તેની વધામણી આવી; ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘એ રાજા થશે.’ તે રાણીએ બાપાશ્રીને તથા સંતોને રોકીને રસોઈ દીધી ને ધોતિયાં ઓઢાડ્યાં. ત્યાંથી વાંટાવદર, ઘાંટીલા, માલણિયાદ આદિ ગામોમાં ફરીને હળવદ થઈ પાછા ધ્રાંગધ્રા સ્ટેશને આવ્યા. ત્યાં ઘણાક હરિજનો સ્ટેશન સુધી વળાવવા આવ્યા હતા.

તેમાં એક ચંચળ નામે બ્રાહ્મણ બાઈ હતી, તેણે પ્રાર્થના કરી જે, “મને ધામમાં લઈ જાઓ. મારે આ દેહમાં ને આ લોકમાં રહેવું નથી.”

પછી તેને કહ્યું જે, “સવારે લઈ જઈશું.”

તેણે બીજે દિવસે સવારે હરિજનોને બોલાવી કહ્યું જે, “મને બાપાશ્રી તેડવા આવ્યા છે ને મહારાજના ધામમાં લઈ જાય છે, જુઓ! આ ઊભા!” એમ કહીને પછી દેહ મૂક્યો.

બાપાશ્રી ઝાલાવાડ, પાળિયાદ, ગઢડા, ભાવનગર આદિ ગામોમાં ફરીને પછી કચ્છમાં પધાર્યા. તેમની સાથે સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સાધુ મુક્તવલ્લભદાસજી અને આશાભાઈ કચ્છમાં ગયા, ને ભુજ જઈ રસોઈ આપીને ધોતિયાં ઓઢાડીને વૃષપુર પધાર્યા, અને સંઘના માણસો સર્વે પોતપોતાને ગામ ગયા.

પછી બાપાશ્રીએ ચૈત્ર વદ (બીજી) દશમે શિક્ષાપત્રીની પારાયણ બેસાડી હતી, તેની સમાપ્તિ ચૈત્ર વદ ૦)) અમાસને રોજ કરી. તે વખતે ઘણા દેશ-દેશાંતરના હરિજનો આવ્યા હતા, તે સર્વેને શ્રીજીમહારાજની મૂર્તિમાં રાખવાનો વર આપ્યો. પછી સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ ગુજરાત તરફ આવ્યા અને સૌ હરિજનો પણ અનાદિ મહામુક્તરાજના વચનથી પોતે શ્રીજીમહારાજની મૂર્તિમાં જાણે નિમગ્ન હોય એવા આનંદથી હર્ષાયમાન થતાં ને કિલ્લોલ કરતાં સૌ સૌને સ્થાનકે ગયા. ।।૨૧૩।।