સંવત ૧૯૭૫ના વૈશાખ વદ-૭ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “ચાર ખાણના જીવમાંથી એક જીવને છોડાવો તો એક બ્રહ્માંડ ઉગારો એવા તમે છો. તમને તમારા બળની ખબર ક્યાં છે? તમારી તો સંકલ્પની મૂર્તિઓ ચાલે છે. ક્યાંય બેઠા હો ને ક્યાંય જઈને જીવને અક્ષરધામમાં મૂકી આવો. બેઠા છો અવરભાવમાં ને છો પરભાવમાં, તે ચામડાના ચક્ષુથી ન દેખાય. દિવ્ય દેહ થશે ત્યારે અનંત લોચન થાશે, તે લોચનથી મૂર્તિ ને મુક્ત દેખાય ને કોઈક હરિભક્ત દેહત્યાગ કરે તેને દેખે જે ફલાણા હરિજન કે સાધુ અક્ષરધામમાં ગયા. તમે જેટલા સંકલ્પ કરો તેટલી મૂર્તિઓ થાય છે. તમને હાથીની કે ગરુડની ઉપમા દેવાય એવી નથી.”

એમ કહીને પછી વાત કરી જે, “બંદરામાં નારાયણજીની મા રાઈબાઈ હતાં તેને ઘાસણીનો રોગ થયો હતો તેથી તેને લોકો એમ કહે જે, ‘તારા સ્વામિનારાયણ ક્યાં ગયા? પડી પડી રીબે છે તોય તેડવા કેમ આવતા નથી?’ પછી તેને અંતકાળે શ્રીજીમહારાજ તેડવા આવ્યા, ત્યારે તેણે કહ્યું જે, ‘હવે કેમ આવ્યા? તોજે દાદેકી દાઢિયાં કુટે; જા નહિ આવું.’ પછી શ્રીજીમહારાજ બધા ગામમાં પરચો દઈને તેને તેડી ગયા. અને તે નારાયણજીના બાપને દીકરો નહોતો, એમને મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, ‘મહારાજ પાસે દીકરો માગો.’ ત્યારે તેમણે કહ્યું જે, ‘હું કડે ન મંગું.’ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘સ્વામી, તમે સકામ થયા, પણ એ ડોસો સકામ ન થયા.’ પછી નારાયણજી દીકરા થયા અને તે નારાયણજીના દીકરા રવોજી છે તેનું ખેતર દેવામાં વોરા લઈ ગયા હતા. પછી ઉચક વિઘોટી કરીને તેમાં કપાસ વાવ્યો તે ઘણો થઈ પડ્યો. તેની પાંચ હજાર કોરી ઊપજી તે કોરી દઈને ખેતરાં પાછાં લીધાં ને કહે જે, ‘મારા સ્વામિનારાયણ આવ્યા તે ભૂખને લત હણીને દરિયામાં નાખી દીધી.’”

“વળી એક દિવસ નારાયણજીનું શ્રાદ્ધ હતું તે રવાજીની માએ રાવળને પત્તર પૂરવા સારુ ખીર કરી હતી તે ડોશીને આડે-અવળે મોકલીને શિક્ષાપત્રીને જમાડીને રવોજી પોતે જમી ગયા. જ્યારે એની મા આવ્યાં ને કહ્યું જે, ‘રાવળને પત્તર પૂરવા ખીર કરી હતી તે ક્યાં ગઈ?’ ત્યારે રવોજી બોલ્યા જે, ‘મેં મારા બાવાને પહોંચાડી! એ રાવળ શું પહોંચાડે? સ્વામિનારાયણ ભગવાન જમ્યા ને હું પ્રસાદી જમી ગયો ને મારા બાવાને પહોંચી ગઈ.’ રવોજી એવા મહિમાવાળા છે.”

પછી વાત કરી જે, “શેરડી તથા બાજરી વાવે એમાં ભૂંડિયાં ને સૂવર ખાઈ જતાં હોય તેને તગડે તે ભૂંડિયાં બહાર આવીને લોણો ફેરવે તો ગોળી વાગે; તેમ શ્રીજીમહારાજ વિના બીજાં કોઈ ધામની કે ઐશ્વર્યની કે કોઈ અવતારની ખબર રાખે તો તે લોણો ફેરવ્યો કહેવાય; માટે તેમને સંભારવા નહિ, કેમ જે તે તો કાર્ય છે. જેમ રાજાએ નોકરોને રાજ્યમાં મૂક્યા હોય તેમ શ્રીજીમહારાજે બ્રહ્માંડોમાં મૂક્યા છે, તેમનું આપણે કાંઈ કામ નથી. આપણે તો શ્રીજીમહારાજનું ને એમના મુક્તનું જ કામ છે એવો નિશ્ચય જોઈએ.”

“તમારે કેટલુંક મોટપમાં ને પુસ્તકોમાં વીંટાઈ જવાય, પણ તે કાંઈ કામનું નથી. જો કોઈ ભણેલા ખોટું લગાડતા નહિ. બ્રાહ્મણ મુહૂર્ત જુએ છે તોપણ તે રાંડે છે અને બ્રાહ્મણીયે રાંડે છે, માટે એ બધું ખોટું છે. એક શ્રીજીમહારાજ ને મુક્ત સત્ય છે, તે વિના બીજું છે જ નહિ એવો નિશ્ચય કરવો. તે બ્રહ્મા આવીને મુકાવે તોપણ મુકાય નહિ એવું આ સમાગમથી થાય છે.”

“માટે આ સમાગમ કરી લ્યો. વૃંદાવન જે મુક્તનો સમૂહ તેમની રક્ષા કરનારા તે તમને મળ્યા છે, માટે આ પ્રાપ્તિનો સરવાળો કરો. જેવડા મહારાજને ને મુક્તને જાણશો તેવડા થાશો. આ પ્રાપ્તિ કોઈને મળી નથી. આ તો સત્સંગ માંહીથી સત્સંગ મળ્યો. આ વખતે પૂરું થાય એવું મળ્યું છે. કેટલાક અવતારો થઈ ગયા, પણ કોઈનું પૂરું થયું નથી. માટે આ ફેરે પૂરું કરી લેવું, પણ ફરી મહારાજને કે મુક્તને આવવું પડે તેમ ન કરશો. ભવ-બ્રહ્માદિકને એટલે મહાકાળને ને અક્ષરને પણ આ જગ્યા મળતી નથી, તે તમને મળી છે. પુરુષોત્તમ પાસે બેસવા કોણ દે? આ લીલા સંભારી રાખજો. આ બધી સભા છે તે મુક્ત છે ને શ્રીજીમહારાજના અવતાર છે; માટે આ લીલા સંભારી રાખવી– જો આ સર્વે અવતાર સમજાય તો. પણ જો સાધુ કે સત્સંગી સમજાય તો તો ઠીક નહિ.”

“કેટલાક તો બહિર્ભૂમિ જઈને પાણી લેતાં પણ ન આવડે એવા હોય ને અનાદિમુક્તની ખોટ કાઢે ને પોતે પોતાને પૂર્ણકામ માને, પણ કંઠી બાંધીને સત્સંગી કે સાધુ થયા એટલે પૂર્ણકામ માનવું નહિ. પૂરું તો આ જોગ કર્યા વિના થાય તેમ નથી. લાંબા લાંબા રાગ કરીને રામાયણ ને ગીતા વાંચે અને આ શ્રીજીમહારાજના મુખનાં વચન તેનો ભાવ પૂછે નહિ; પણ શાસ્ત્રમાં શાસ્ત્ર આ વચનામૃત ને શિક્ષાપત્રી છે. શ્રીજીમહારાજનો મહિમા ને જ્ઞાન જાણવામાં વચનામૃત છે અને આજ્ઞા પાળવામાં શિક્ષાપત્રી ને ધર્મામૃત છે, તે વિના બીજાં પરોક્ષ શાસ્ત્રમાં તણાય તો તેનું માથું ફર્યું એમ જાણવું. અમે તો એવું ધારી બેઠા છીએ, માટે બીજાં પુસ્તક ઉપર તાન રાખવું નહિ. અને અથોગતિ ન કરવું એટલે ભણવામાં તાન રાખવું નહિ. અમારા સત્સંગી તો વચનામૃતમાં રાજી બહુ. એક પુરાણી બાર વર્ષ ભણ્યા, પણ વચનામૃત વાંચતાં ન આવડ્યું તેથી તેમને ઉઠાડવા પડ્યા. માટે એવું ન કરવું. સ્વામિનારાયણને તો બરાબર રાખવા. આ વાતો અમે કરીએ છીએ તે કેટલાક ભગવાઓને નહિ ગમતી હોય, પણ આગળ તો ઘણી કામ આવશે.”

“સ્વામી શ્રી નિર્ગુણદાસજીએ રાજાભાઈ પગે બાંધીને ત્રણ નાળિયેર લઈ ગયા એ વાત લખી છે. તે અમને ભુજમાં એક સાધુ કૃષ્ણચરણદાસજીએ કહ્યું જે, ‘તમારા સ્વામી આ બાળી ગયા તે કાઢી નાખો.’ પછી અમે કહ્યું જે, ‘શ્રીજીમહારાજ લીંબલીમાં સગરામ ભગતને ઘેર પધાર્યા અને બ્રહ્માએ ગોપીઓનાં ચરણની રજ માંગી, તેનું તમે કેમ કરશો?’ માટે મોટા પુરુષ કરે તેમાં શંકા કરશો તો ઊડી જાશો. મોટાના કરેલામાં શંકા કરવી નહિ.”

તે જ દિવસે બાપાશ્રીની કરેલી વચનામૃતની ટીકાની સપ્તાહ પૂરી થઈ, ત્યારે બાપાશ્રીએ પુસ્તકની પૂજા કરી.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને કહ્યું જે, “આ આપની કરેલી ટીકા મેં લખી છે તો મને તથા પુરાણી ધર્મકિશોરદાસજીએ વાંચી તેમને તથા આ સંત-હરિજનોએ સાંભળી તે સર્વેને આશીર્વાદ આપો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તમને તથા વાંચનારને તથા સાંભળનાર સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી, પુરાણી હરિપ્રસાદદાસજી, સાધુ મુક્તવલ્લભદાસજી, સ્વામી શ્વેતવૈકુંઠદાસજી, સ્વામી ભગવત્સ્વરૂપદાસજી, સાધુ દેવજીવનદાસજી, શાસ્ત્રી ધર્મસ્વરૂપદાસજી તથા અમારા બ્રહ્મચારી નિર્ગુણાનંદજી તથા પુરાણી કેશવપ્રિયદાસજી આદિ સંત ત્રીસ તથા હરિજનો પચાસના આશરે છે, તે સર્વેને અક્ષરધામમાં શ્રીજીમહારાજની મૂર્તિમાં લઈ જાશું. આ ફેરો કોઈનો ખાલી નહિ જાય.” એવી રીતે આશીર્વાદ આપ્યો.

પછી મુળીના સંતોને કહ્યું જે, “જેમ પુરાણી હરિપ્રસાદદાસજી સદ્‌ગુરુઓની મદદમાં ભળ્યા છે તેમ તમે સદ્‌ગુરુઓની મદદમાં ભળજો તો શ્રીજીમહારાજ ને અમે રાજી થઈને અક્ષરધામમાં લઈ જાશું.” ।।૨૦૫।।