સંવત ૧૯૭૨ના ફાગણ સુદ-૧૦ને રોજ કથાની સમાપ્તિ કરી અને ધનબાએ સર્વે સંતોને બારસ સુધી રોક્યા અને આથમણા સુખપરના લક્ષ્મણ ભક્ત તથા કચરો ભક્ત તે પોતાને ગામ ગયા. તેમણે તે દિવસે રાત્રિએ ગામ રોહે જઈને ત્યાંના દીવાન કુંવરજીભાઈને બાપાશ્રી તથા સર્વે સંતોના જય શ્રી સ્વામિનારાયણ કહ્યા.

ત્યારે તેમણે પૂછ્યું જે, “ક્યાં સુધી ત્યાં રહેવાના છે?” ત્યારે કહ્યું જે, “આજ કથાની સમાપ્તિ થઈ તે હવે કાલનો દિવસ રહીને બારસનાં પારણાં કરીને રામપુરથી જવાના છે.”

પછી દીવાનજીએ રાત્રિએ રાજા પાસે રજા માગી ને પાછલી રાત્રે ચાલ્યા તે સવારે વેકરાના મંદિરમાં આવીને સૌ પૂજા કરતા હતા ત્યાં બેઠા ને બાપાશ્રીને પ્રશ્નો પૂછ્યા, તે સાંજે આરતી થઈ ત્યાં સુધી વાતો ચાલી. આરતી થઈ રહ્યા કેડે બેઠા તે બાર વાગ્યા સુધી બાપાશ્રીએ વાતો કરી ને પછી સૂતા.

સવારે નાહી, ધોઈ, પૂજા કરીને પછી પારણાં કરીને સૌ ચાલ્યા તે કુંવરજીભાઈ રોહે ગયા અને ભુજના સાધુ ભુજ ગયા. સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ અમદાવાદ, તથા મુળીના સંત તથા પરદેશી હરિજનો તે સર્વે બાપાશ્રીની સાથે વૃષપુર ગયા. ત્યાં ઠરાવ કર્યો જે ફૂલડોલને બીજે દિવસે છપૈયે જવા નીકળવું. નીકળવાને દિવસે સ્વામી ઈશ્વરચરણદાસજી પાસે પાટડી કાગળ લખાવ્યો જે, “અમે ફાગણ વદ-૧૨ને રોજ તમારે ત્યાં આવીને મૂર્તિ પધરાવશું.”

પછી વૃષપુરથી ભુજ આવીને સર્વેને ખબર આપી જે જેને આવવું હોય તે આવજો. પછી ભુજથી રેલે બેઠા, તે તૂણા થઈ, નગર થઈ, મુળી આવ્યા ને ત્યાંથી ફાગણ વદ-૧૦ને રોજ લીલાપુર ગયા ને ત્યાંથી બીજે દિવસે શેદલે(શેડલા) ગયા અને ફાગણ વદ-૧૨ને રોજ સવારે પાટડી જઈને મૂર્તિ પધરાવી ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ મંદિરમાંથી હવે બીક ગઈ, માટે કોઈ બીશો નહિ.”

પછી સંત-હરિજનોની પંક્તિ જમવા બેઠી ત્યાં પહેલી પંક્તિમાં જ લાડુ ઘણા વરી ગયા ને થોડા જ રહ્યા તેથી ખૂટવાની બીકે કાળીદાસભાઈ બાપાશ્રીને કહેવા લાગ્યા જે, “આ ગામમાં લોટ પણ તૈયાર નહિ મળે અને લાડુ તો થઈ રહેવા આવ્યા અને લાજ જશે.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તમે ફિકર રાખશો નહિ; લાડુ વધી પડશે. સ્વામિનારાયણ ભગવાન ખૂટવા નહિ દે.” પછી સૌ જમ્યા અને લાડુ તો ઘણા વધ્યા.

બીજે દિવસે અમદાવાદ આવ્યા ને ત્યાંથી જેતલપુર ગયા. ત્યાં અશ્લાલીનાં કંકુબાએ સત્સંગિજીવનના દ્વિતીય પ્રકરણની પારાયણ સાત દિવસની કરાવી. છેલ્લે દિવસે કથાની સમાપ્તિ કરીને છત્રીએ ચરણારવિંદ પધરાવ્યાં. ત્યાં બાપાશ્રીએ વર આપ્યો જે, ‘આ છત્રીએ જે દર્શન કરશે તે સર્વેને અમે અક્ષરધામમાં લઈ જઈશું અને ઉપરથી ઊડીને પક્ષી જશે તેનો પણ મોક્ષ થશે.’ જેતલપુરથી પાછા અમદાવાદ આવ્યા.

અમદાવાદમાં નર્મદાબાએ સત્સંગિજીવનના ત્રીજા પ્રકરણની પારાયણ બેસાડી તેની સમાપ્તિ રામનવમીને દિવસે થઈ. ચૈત્ર સુદ-૧૩ને રોજ ત્યાંથી રનોડે ગયા ને ત્યાંથી ધોળકે ગયા ને ત્યાંથી અશ્લાલી, ગામડી, બારેજડી થઈ સરસપુર આવ્યા. ત્યાં તો કચ્છથી ચૈત્ર સુદ-૭ને રોજ અમદાવાદમાં નવસો માણસનો સંઘ આવેલો હતો, તે સર્વેને લઈ ત્યાંથી છપૈયા તરફ ચાલ્યા ને જયપુર ઊતર્યા, ને ત્યાંથી છપૈયે ગયા. ત્યાં ઉપરદળના ઠક્કર મોતીભાઈ જીવણભાઈએ ચૈત્ર વદ-૪ને રોજ સત્સંગિજીવનની પારાયણ બેસાડી હતી. ત્યાં કોલેરાનો રોગ હતો તેથી વ્યાર ગામના હરિભક્તે દેહ મેલ્યો, તેને બાપાશ્રીએ દર્શન આપી અક્ષરધામમાં મૂકી દીધો.

પછી સર્વે સંતોએ તથા ઘણાક દેશાંતરના હરિજનો આવ્યા હતા તેમણે બાપાશ્રીને પ્રાર્થના કરી જે, “આ ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવીએ ત્યાં સુધી આ રોગ બંધ રહે એવી કૃપા કરો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “હવે કોઈ નહિ મરે.” તે પછી રોગ બંધ થઈ ગયો હતો. એક દિવસે સંધ્યા આરતી વખતે બાપાશ્રીએ ખીમજીભાઈને કહ્યું જે, “નહાવું છે માટે ચાલો.”

પછી ખીમજીભાઈ દોરી-લોટો લઈને ચાલ્યા તે માંહીલે કૂવે જઈને લોટો ભરી આપ્યો, તે લઈને બાપાશ્રી બહિર્ભૂમિ જઈ આવ્યા ને હાથ ધોયા. પછી લોટો ઊટકીને નવરાવવા માંડ્યા, એટલામાં આરતીનો ડંકો થયો. ત્યાં તો આકાશમાં તેજોમય અનંત વિમાન ને તેમાં તેજોમય મૂર્તિઓ એવું દેખવામાં આવ્યું.

ત્યારે ખીમજીભાઈ બોલ્યા જે, “બાપા આ શું હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ઘનશ્યામ મહારાજની આરતી થાય છે, તેમને દર્શને આ બધા મુક્ત આવ્યા છે.”

ત્યારે ખીમજીભાઈ કહે જે, “આમ નિત્ય આવતા હશે ને આવાં દર્શન થતાં હશે?”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “આવે તો નિત્ય, પણ આજ મહારાજની ને મોટાની ઇચ્છાથી દર્શન થયાં. આ દર્શન ભૂલી ન જતા.”

પછી નાહીને મંદિરમાં આવ્યા. બીજે દિવસે નારાયણસરની ઊગમણી બાજુએ અગ્નિ ખૂણામાં નાહીને પૂજા કરવા બેઠા, ત્યારે પણ આકાશમાં અનંત વિમાને સહિત અનંત મુક્ત તેવી જ રીતે તેજોમય દેખાયા; ત્યારે ત્યાં ભેળા ગયેલા સંત તથા હરિજનોએ પૂછ્યું જે, “આ શું હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આપણે ભગવાનની પૂજા કરીએ છીએ, તે ભગવાનનાં દર્શન કરવા મુક્ત આવ્યા છે.”

પછી તે અદૃશ્ય થઈ ગયા, ને સર્વે મંદિરમાં આવ્યા. બીજે દિવસે ગૌઘાટ નાહી આવ્યા અને ચૈત્ર વદ-૧૦ને રોજ શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવીને જયજયકાર વર્તાવી દીધો.

ચૈત્ર વદ-૧૧ને રોજ સવારમાં સર્વે છપૈયાથી રેલે બેસીને અયોધ્યા આવ્યા ને ત્યાંથી આગ્રા, જયપુર, ખારચી, સિદ્ધપુર થઈને ભંકોડે ઊતર્યા ને દેવપરે ગયા. ત્યાંથી મણિપુરા, જોશીપુરા, વિરમગામ થઈને મુળી ગયા. જે પચાસ માણસોને કોલેરા થયેલો હતો તેમને સદ્‌ગુરુ શ્રી હરિનારાયણદાસજી સ્વામીએ ત્યાં બાર મણ દહીં ને આઠ મણ ખાંડ પીવરાવીને બધાયને ઠંડા કર્યા. તેમને ઊલટીઓ ને ફેરા બંધ થઈ ગયા ને સાજા થઈ ગયા. વળી વાંટાવદરના શેઠ ભૂરાભાઈ ગોવિંદશાની પાસે બે ગાડાં તડબૂચ મંગાવીને અને કાંપમાંથી દાડમ આઠ મણ મંગાવીને સર્વેને જમાડ્યા.

પછી બાપાશ્રીએ કહ્યું જે, “સ્વામી! ખર્ચ બહુ કર્યું.”

ત્યારે સ્વામી બોલ્યા જે, “અમે બધા જમીએ છીએ તેમ તમે પણ અમારા ભેગા છો તે તમે દુઃખી થાઓ તે અમારાથી કેમ દેખ્યું જાય? અમે તમારા સંઘના ગોર છીએ અને આ સંઘ યજમાન છે. યજમાન દુઃખી, તો અમે પણ દુઃખી, માટે સર્વ તમારું છે.” એમ બોલ્યા.

એવી સેવા કરી તેમ જ બાપાશ્રી આદિક સંઘે પણ સ્વામીની બહુ સેવા કરી ને રાજી બહુ થયા ને બોલ્યા જે, “તમે કર્યું એવું તો કોઈ મંદિરમાં કોઈ પણ કરી શકે નહિ. એવું કર્યું જે બધાયને સાચવ્યા. અમદાવાદમાં છત્રી કરવા સારુ કાનજીભાઈ મેસાણેથી જુદા પડીને ત્યાં ગયા. તેમને કોલેરા થયો ને ત્યાં દેહ પડી ગયો, પણ એમને એકને પણ કોઈ સાચવી શક્યા નહિ; તેમ કોઈ પાસે પણ ગયા નહિ. જો છત્રી કરવા તે ન ગયા હોત ને અમારા ભેળા રહ્યા હોત તો એમને પણ આ પચાસના ભેળા રાખત, પણ મરવા દેત નહિ.” એમ બોલ્યા.

પછી ત્યાંથી ચાલ્યા તે મોરબી ગયા, ત્યાં સુધી સ્વામીએ દહીં ભેળું મોકલ્યું હતું. મોરબીથી ગોવિંદભાઈ તથા કાળુભા તથા લધુભાઈ આદિ સર્વે નવલખી સુધી ભેળા જઈને આગબોટમાં તથા વહાણમાં સર્વે સંઘને બેસારીને પાછા વળ્યા, અને બાપાશ્રી આદિ સર્વે સંઘ તથા સ્વામી ઈશ્વરચરણદાસજી તથા મુક્તવલ્લભદાસજી તથા આશાભાઈ આદિ સર્વે ભેળા ગયા. તે ખારીરોલ ઊતરીને અંજાર થઈ રેલે બેસી ભુજ ગયા. ભુજમાં રસોઈ આપીને પછી સંઘ વેરાણો, તે સૌ પોતપોતાને ગામ ગયા અને સ્વામી ઈશ્વરચરણદાસજી તથા મુક્તવલ્લભદાસજી તથા આશાભાઈ આદિ ગુજરાત તરફ આવ્યા.

અને ખીમજીભાઈ દહીંસરે ગયા. ત્યાં તેમના પિતાશ્રી મુક્તરાજ કેસરાભાઈએ તેમને કહ્યું જે, “દીકરા, તમે છપૈયે જઈ આવ્યા તે કિયે કિયે સ્થળે દર્શન કર્યાં તે સર્વે વાત કરો.”

પછી ખીમજીભાઈએ વિસ્તારીને વાત કરી તેમાં જે જે વાત ભૂલે તે કેસરાભાઈ સંભારી આપે.

ત્યારે ખીમજીભાઈ બોલ્યા જે, “બાપા, તમે ભેળા તો હતા નહિ ને વાત ક્યાંથી જાણો છો?”

પછી કેસરાભાઈ બોલ્યા જે, “છપ્પનની સાલમાં બાપાશ્રી અને તમે છપૈયે ગયા ત્યારે મારે ભેળું આવવું હતું ત્યારે બાપાશ્રીએ મને કહ્યું જે, ‘તમારો દેહ ખમશે નહિ માટે તમે અહીં રહો.’ તેથી હું ઉદાસ થઈ ગયો. પછી બાપાશ્રીએ કહ્યું જે, ‘તમે અહીં બેઠે અમે જ્યાં જ્યાં જઈશું ને દર્શન કરીશું ને લીલા કરીશું તે સર્વે દેખશો.’ ત્યારથી મારે આવરણ ટળી ગયાં છે, માટે હું દેખું છું; એવો બાપાશ્રીનો પ્રતાપ છે.” ।।૧૬૫।।