સંવત ૧૯૮૪ના જેઠ વદ-૫ને રોજ માધાપુરના મંદિરમાં બાપાશ્રીએ સભામાં વાત કરી જે, “પુરાણી! મહારાજની મૂર્તિ ધારીને કથા કરજો, પણ અમથા પુરાણી મ થાજો. મહારાજ ને મુક્ત આ સભામાં દિવ્ય તેજોમય દર્શન દે છે, તેથી સંત-હરિભક્તો સર્વેને આનંદ આનંદ વર્તે છે. આ દિવ્ય સભાનો મહિમા બહુ જબરો છે. જેને મહારાજ તથા મોટાની ઓળખાણ થઈ તેનું તો બહુ ભારે કામ થઈ જાય છે. જેવો છે તેવો મહિમા સમજાય તો ગાંડું થઈ જવાય. આ અમે વાત કરીએ છીએ તેમાં લેશ માત્ર ફેર ન જાણશો. જેનાં બહુ મોટાં ભાગ્ય હોય તેને શ્રીજીમહારાજનાં તથા આ દિવ્ય સભાનાં દર્શન થાય છે. તપ, ત્યાગ, વ્રત, યોગ, યજ્ઞાદિક કોઈ સાધને ન મળે તે આજ સહેજમાં મળે છે. આજ તો રોકડું કલ્યાણ છે, ઉધારાની વાત નથી.” એમ વાત કરી.

તે વખતે મંદિરનું સિંહાસન કરવાવાળા કડિયા દર્શને આવ્યા, ત્યારે બાપાશ્રીએ વાત કરી જે, “વડોદરાનો કડિયો મંદિરનું સિંહાસન કરતો હતો તે કારીગર સારો હતો. ઘડતો ઘડતો ઊંચું પણ ન જુએ. ત્યારે મહારાજે કહ્યું જે, ‘તમારું નામ જાણીતું છે, પણ સાથે સાથે અમને રાખજો.’ એમ કહ્યું, પણ તે તો ઘડતો જ રહ્યો ને ઊંચું પણ જોયું નહિ. ત્યારે મહારાજ કહે, ‘ઊંચું જોઈને અમારાં દર્શન કરો.’ પછી તેણે દર્શન કર્યાં. એવું કામ છે. માટે કામકાજ કરતાં મૂર્તિમાં વૃત્તિ રાખવી, પણ ક્રિયારૂપ થઈ જવું નહિ. આ હું કોઈને વઢતો નથી, પણ મૂર્તિ મુખ્ય રાખવી તો સુખિયું થવાય. એ વિના કોટિ સાધને કામ થાય તેવું નથી.” એમ વાત કરી.

પછી તે કડિયાએ ખૂબ દંડવત કર્યા ત્યારે બાપાશ્રી ઊભા થઈને તેમને મળ્યા ને પ્રસન્નતા જણાવીને બોલ્યા જે, “તમે અમારા છો તેથી તમને કહ્યું.” ।।૧૫૦।।