સંવત ૧૯૬૯ના વૈશાખ વદ-૧ને રોજ સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “વરતાલના ૧૧મા વચનામૃતમાં ભગવાન તથા ભક્ત તથા બ્રાહ્મણ અને કોઈક ગરીબ મનુષ્ય એમના દ્રોહથી અમે બીએ છીએ, એમ મહારાજે કહ્યું છે; તે ગરીબ કોને જાણવો?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સદ્‌ગુરુ શ્રી હરિનારાયણદાસજી સ્વામીના જેવા સ્વભાવ હોય તથા ઢુવાવાળા દરબાર રવાજીભાઈના જેવા સ્વભાવ હોય તેવાને ગરીબ જાણવા. જેમાં એવાં લક્ષણ ન હોય અને કદાપિ સાધુને વેષે હોય તોપણ ગરીબ ન જાણવા ને સાધુ પણ ન જાણવા; તેમજ સેવા પણ સાધુને ઓળખીને કરવી. કેટલાક શિષ્યો ગુરુને સારું સારું ખાવાનું ઠેલીઠેલીને પેટમાં ભરે, પણ તે ગુરુ તો કોઈના કામમાં પણ ન આવે એવા હોય; માટે ગુરુને પણ ઓળખવા. ગૃહસ્થોએ પણ ઓળખીને જ પાત્ર હોય તેની સેવા કરવી. શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ તથા શ્રી રઘુવીરજી મહારાજના જેવાં લક્ષણે યુક્ત આચાર્ય હોય તો તેમની સેવા કરવી.”

એટલી વાર્તા કરીને પછી સમાપ્તિ કરી.

પછી બીજે દિવસે એટલે વૈશાખ વદ બીજને રોજ બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને ગુજરાત તરફ જવાની રજા આપી જે, “તમારે ધર્માદાનો વખત ભરાઈ આવ્યો છે; માટે આજ તમે ગુજરાત તરફ જાઓ.”

પછી તે ચાલ્યા, ત્યારે બાપાશ્રી મળીને માથે હાથ મૂકીને બોલ્યા જે, “અમે તમારા ઉપર બહુ રાજી છીએ. તમે અમારી સેવા બહુ કરી અને અમે તમારા ભેળા જ સદાય છીએ.”

પછી સ્વામી આદિ ચાલ્યા તે ભુજ થઈને ગુજરાત તરફ આવ્યા. ।।૧૨૬।।