(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૧૨) રાત્રે મેડા પર આસને બાપાશ્રી તથા સંત-હરિભક્તો ઘણા બેઠા હતા.

પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “મોટા મુક્ત મહારાજની હજૂરની સભામાં બેસનારા તેની ભેગા બેઠા હોય તોપણ ભાવ બેસે નહિ, એ ઠીક ન કહેવાય. અંતર્વૃત્તિવાળાને તો અણુ જેટલું છેટું નથી. બહારવૃત્તિવાળાને લાખો ગાઉનું છેટું છે. આ વખતે જોગ ખરેખરો છે, કહેનારા પણ તેવા જ મળ્યા છે. આવો અવસર ફેર મળવો દુર્લભ છે. જેટલા ઘાટ-સંકલ્પ થાય તેટલો નિશ્ચય જીવમાં નથી; ઇંદ્રિયો-અંતઃકરણમાં છે.”

પછી એમ બોલ્યા જે, “એક હરિભક્તે અમને કહ્યું કે, ‘ગુજરાતમાં આવો તો પહેલા મારે ગામ આવજો.’ પણ અમારી પાસે રહ્યા નહિ ને ચાલી નીસર્યા, પણ બે દિવસ વધુ ટક્યા નહિ. એમ જીવને મહિમા નથી. સુખમાત્ર શ્રીજીમહારાજની મૂર્તિ અને મોટા અનાદિમુક્તને આશરે રહ્યું છે. જુઓને! ઘણાય ભટકે છે અને બહુ હેરાન થાય છે, પણ સમજાતું નથી. મહારાજનો ખપ બધાયને છે, પણ મોટા ઓળખવા જોઈએ. સ્વામી નિર્ગુણદાસજી જેવા અમારી પાસે આવતા. એવી રીતે આપણે પણ જોગ-સમાગમ કરી લેવો. મહારાજ તથા મોટાના સિદ્ધાંતની હારો કરવી. દેશકાળ, ક્રિયા, સંગ રૂડા સેવવા. મહારાજની મૂર્તિનો આશરો દૃઢ રાખવો. પોતાની ભૂલ ઓળખવી ને ટાળવી. આ સત્સંગમાં લક્ષાવધિ મનુષ્ય છે તે સર્વે મહારાજને લઈને છે અને સત્સંગ તે તો કલ્પતરુ સમ છે.”

“શ્રીજીમહારાજે સમ ખાધા કે આ બધા અક્ષરધામના મુક્ત છે એમ હું સર્વેને દેખું છું. મહારાજ દિવ્ય, સત્સંગ દિવ્ય. માટે આ સભા તુલ્ય કાંઈ નથી. રાજાના કુંવરને કોઈ એમ નહિ કહે કે આ રાજા નથી. એ પ્રમાણે દિવ્યભાવ લાવવો. જો દિવ્યભાવ ન જુએ તો પોતાને નુકશાન છે. મહારાજ અનાદિ અને મુક્ત પણ અનાદિ, તે મુક્તને મહારાજ નવીન નવીન સુખ આપ્યા જ કરે છે. જેમ જેમ સુખ મળે તેમ તેમ તૃપ્તિ જ ન થાય. અલૌકિક અનહદ સુખ છે. કલ્પેકલ્પ વીતી જાય પણ તૃપ્તિ નથી. એવા મુક્તને ઓળખવા એ પર્વત જેવડી ઘાંટી છે. કાળ-કર્મથી છૂટવાને આવા મોટાને વળગીએ તો ઠીક. આવા ખરેખરા મળ્યા છે, પણ જીવ બીજે ફરે છે. મોટાનો પ્રતાપ જોઈએ તો બહુ જબરું સમજાય. આપણે દોડાદોડ શા માટે કરીએ છીએ? તો અનંત જન્મના થાક ઉતારીએ છીએ.”

સભા સામું જોઈને કહ્યું જે, “આવા સંત સમજાવનારા છે, પણ જીવ આવા મોટાને ઓળખે નહિ. અને પોતાની મહત્તા જણાવે એટલે કાંઈ કામ થાય નહિ; માટે ગુમાસ્તા થઈને રહેવું. મહારાજના અનાદિમુક્ત તો કરોડોને મૂર્તિનું સુખ આપે એવા સમર્થ છે, તે જે જાણતા હોય તે જાણે. મોટા અનાદિમુક્ત શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ પ્રવર્તાવે છે. અનેક મનવારો ભરી અક્ષરધામમાં મોકલાવે છે એવા મોટા મુક્તનો જોગ કરીએ તો નિઃસંશય થવાય. મહારાજે તથા મોટા અનાદિમુક્તે હાથ ઝાલ્યો તે કોઈ દિવસ મૂકે નહિ. મહારાજની મૂર્તિના પ્રતાપે અલૌકિક જ્ઞાન થઈ જાય છે, પણ ઓળખાણ વિના ને સુખ વિના હેત કેમ થાય? આપણે ભેગા થઈ કથા-વાર્તા કરીએ છીએ તે કેવળ મોક્ષને માટે કરીએ છીએ. મોટા મુક્તને અવસ્થા નથી, કાળ નથી, કર્મ નથી, દિવસ નથી, રાત્રિ નથી; જેમ સૂર્યના રથમાં બેઠેલાને રાત નથી તેમ. પુરુષોત્તમનારાયણની મૂર્તિમાં એ સર્વે સુખમય થઈ ગયા છે.”

“આવા સંત છે તે અનાદિમુક્ત છે. આ સભા બધી સળંગ છે અને જ્યાં જુએ ત્યાં મૂર્તિ જ છે. એવા મુક્ત મૂર્તિમાં રસબસભાવે સુખ લીધા જ કરે છે. આ તો દિવ્ય સભા છે. માટે કોઈ વાતે ધોખો ન કરવો. મહારાજ ને મોટા મુક્ત મળ્યા એટલે જીતનો ડંકો થઈ ગયો. છેલ્લી વખતે આવું ને આવું રહે એટલે બસ છે. આ સમે મૂર્તિનો સાક્ષાત્કાર થાય છે. લાખો-કરોડો જન્મે આવું થાય તેમ નથી. આ સર્વે સુખ મૂર્તિને લઈને છે. આપણે કૂદી કૂદીને દેહ પાડી નાખીએ એટલો આનંદ થાય, પણ સમજાતું નથી. આપણા ઘરની આપણને ક્યાં ખબર છે! જેમ મહારાજની મૂર્તિનું સમીપપણું તેમ વિધિ વધારે કરવો જોઈએ. શ્રીજીમહારાજ અને મોટા મુક્તને સાથે રાખીએ તો કોઈ જાતનો વાંધો ન આવે. જેટલાં ભગવાનનાં અવયવ તેટલાં મુક્તનાં અવયવ.”

“તેજોમય મૂર્તિ ઝળક ઝળક ઝળકે છે. તેમાં અનાદિમુક્ત રહ્યા છે. રસબસ રહ્યા થકા રોમરોમનાં નવીન નવીન સુખ ભોગવે છે. એ વસ્તુ એવી છે કે શાસ્ત્રથી કે કહ્યાથી ખબર પડે તેમ નથી. મૂર્તિમાં અનેક જાતનાં સુખ રહેલાં છે, એવી મહારાજની મોટપ છે. આપણે ખરેખરું મહારાજની મૂર્તિનું જાણપણું રાખવું. સંત-હરિભક્ત સર્વેને દિવ્ય જાણવા; મનન પણ તેવું જ કરવું. ધણીના ઘરમાં બેઠા પછી ધણીની મરજી પ્રમાણે વર્તવું જોઈએ; નહિ તો કાઢી મૂકે. અનાદિમુક્ત નહાતા હોય તે પાણી મહિમાએ સહિત માથે ચડાવે તો તેનાં પંચ મહાપાપ બળી જાય. તેવા પુરુષ ઓળખવા જોઈએ, પણ માયા પાપરૂપ છે તે જીવને ફેરવી નાખે છે, ગોથાં ખવરાવી સંશયમાં નાખી આ સભાથી નોખા પાડે છે. માટે મહારાજની આજ્ઞા યથાર્થ પાળવી; જેથી માયા નડી શકે નહિ. મહારાજ તથા મોટાને સંભારીને દિવ્યભાવે ભેળા રાખવા, નહિ તો વાતોનાં પકવાન્ન જેવું થાય. મહારાજ ને મોટા મુક્ત આ વખતે કૃપાસાધ્ય છે. શ્રીજીમહારાજનો ચમત્કાર બહુ મોટો છે. આ વાત પણ આપણને બહુ મોટી મળી છે. અક્ષરધામની મૂર્તિ ને સભા તેનું યથાર્થ જ્ઞાન થાય તેને અણુ જેટલું છેટું નથી. આવાં વચનનો વિશ્વાસ રાખવો. ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય એ મહારાજની લીલા સમજાય– જો પરિપક્વ નિશ્ચય હોય તો. નિશ્ચયમાં કસર હોય તો દુખિયું રહેવાય.”

તે ઉપર વાત કરી જે, “એક સાધુના શિષ્ય દેહ મૂકી ગયા પછી તે સાધુએ અમને પટારો ઉઘાડી બતાવ્યો ને કહ્યું કે, ‘આ બધાં પુસ્તકો કોણ વાંચશે?’ એમ કહીને રોવા લાગ્યા, એવું છે. ભણાવી-ગણાવીને શિષ્યને સભામાં કથા કરાવે તો રાજી રાજી અને દેહ મૂકે તો દુઃખી થઈ જાય. મોટાના જોગ વિના આવું છે. આપણું પૂરું કરવું એ મહારાજ ને મોટા મુક્તના હાથમાં છે, અને આજ્ઞા પાળવી એ આપણા હાથમાં છે. આ ટાણે ખરો મુદ્દો હાથ આવ્યો છે તે પાછો મૂકી દઈએ તો રખડી પડીએ. ધણીની સહાયતા મૂકી દે તો આગળ કેટલું ચાલે? માટે જીવને મહારાજ તથા મોટા અનાદિમુક્તનો વિશ્વાસ જોઈએ. આવા મુક્ત કોઈ બ્રહ્માંડમાં નથી. જેથી વિશ્વાસ રાખી તે રાજી થાય તેમ મંડવું, પણ બેસી રહેવું નહિ.”

“શ્રીજીમહારાજ ભેળા અનંત કોટિ મુક્ત છે, એમ જાણવું. જેમ રાજાની સવારી સાથે સર્વે તેનું લશ્કર હોય તેમ. આવા મોટા ભગવાન મળ્યા ને આવા હજૂરી મુક્ત મળ્યા તે તો બહુ ભારે લાભ થયો છે એનો કેફ રાખવો. મહારાજની મૂર્તિમાં મુક્ત છે તે સળંગ રહ્યા છે તેમાંથી જેટલો લાભ લેવો હોય તેટલો મળે. પારસ, ચિંતામણિ, કલ્પતરુ, તે પાસેથી જેટલું ચિંતવે તેટલું મળે; તેમ મોટા અનાદિ સાથે જીવ બાંધે એટલે ચિંતવે તેટલું સુખ પ્રાપ્ત થાય. ભગવાનના સુખનો અનુભવ ન થાય ત્યાં સુધી કોઈ સુખિયો થતો નથી. આપણા દેહનો કાંઈ નિરધાર નથી માટે મોટા દર્શન દેતા હોય ત્યાં સુધી સમાગમ કરી લેવો. આ જોગ બહુ દુર્લભ છે, ચોમાસુ હોય ત્યારે આડે વગડે પાણી હોય. મહારાજ અને મોટા મુક્ત સદાય સત્સંગમાં પ્રત્યક્ષ બિરાજે છે. વર્તમાન કાળે સુખ ઘણું પ્રવર્ત્યું છે.”

“આપણને જે વસ્તુ જોઈએ તે અહીંયા છે; બીજે કોઈ ધામમાં નથી. બીજે આ પુરુષોત્તમ ભગવાનની ઉપાસના નથી, તેથી તે ધામ ન્યૂન છે. ત્યાં પાર પડતું નથી એમ જાણી ઉપાસના દૃઢ કરવી. જેને ઉપાસના ન હોય તે માથા વિનાનું મનુષ્ય કહેવાય. મોટા મુક્ત છે તે તો પુરુષોત્તમરૂપ છે. તેથી ભગવાન ને ભગવાનના મુક્તની સેવાનું સરખું ફળ છે. તેમને અને ભગવાનને જુદાપણું નથી. મહારાજનું સુખ અપાર છે. મહારાજ ને સભા બન્ને અનાદિ છે. મહારાજના મહિમાનો કોઈ પાર પામતા નથી.”

“પ્રત્યક્ષ ભગવાન ને બીજા માયિક આકાર એમ વચનામૃતમાં કહ્યું છે એટલે કે ભગવાનની મૂર્તિ વિના બીજા સર્વે માયિક આકાર કહેવાય. અધોઊર્ધ્વ પ્રમાણે રહિત તેજનો રાશિ છે. તે મધ્યે શ્રીજીમહારાજની મૂર્તિ છે. એ મૂર્તિ તો ખરેખરું ઠરવાનું ઠામ છે ને તેજ શીતળ, શાંત અને શ્વેત છે. અંતર્વૃત્તિવાળાને જેવો શ્રીજીમહારાજનો મહિમા રહે છે તેવો બહારવૃત્તિવાળાને રહેતો નથી, માટે અંતર્વૃત્તિનું સુખ વિશેષ છે. સાંખ્યવિચાર તો લાખ વાર કરવો. એમ કરતાં કરતાં મૂર્તિ સાક્ષાત્કાર થઈ જાય. માટે દાખડો કરવો જોઈએ. મોટા મુક્ત છે તે તો એક-બે જન્મનું અથવા અનંત જન્મનું જાણે છે અને અનંત કોટિ બ્રહ્માંડમાં જ્યાં જ્યાં અવતાર થાય છે તેનું પણ જાણે છે. પણ શ્રીજીમહારાજની મરજી પ્રમાણે જ બોલે ને લાભનો જ વેપાર કરે. એ તો શ્રીજીમહારાજની મૂર્તિમાં સદા સળંગ નિમગ્ન રહે છે. એ મૂર્તિનું સુખ અપાર અપાર છે. તે સુખને આ લોક તથા અનંત બ્રહ્માંડમાં કોઈ ઉપમા દેવાય તેવું નથી. ઉપમા દઈએ છીએ તે તો સર્વેને સમજાય તેટલા સારુ. અંતરમાં દુઃખ થાય છે, પણ સમજાવવા માટે કહેવું પડે છે.”

પછી બોલ્યા જે, “ભગવાનનો ભક્ત જ્યારે શ્રીજીમહારાજની મૂર્તિના સુખને મોટા અનાદિમુક્તના સમાગમ-સેવાએ કરીને શ્રીજીરૂપ થઈને ભોગવે છે ત્યારે એને કોઈ વાતની અપેક્ષા રહેતી નથી. સર્વે ઇચ્છાઓ પરિપૂર્ણ થાય છે. તેને કાંઈ અલભ્યપણું રહેતું નથી, સર્વેનું સુલભપણું થઈ જાય છે. તેને કોઈ મનોરથનું અપૂર્ણપણું તથા ન્યૂનપણું રહેતું નથી. સર્વે પરિપૂર્ણપણું થઈ જાય છે. અને શ્રીજીમહારાજની મૂર્તિના સુખથી બીજું સર્વે સુખ અતિ તુચ્છ, લૂખું અને અતિ અલ્પ ભાસે છે.” ।।૯૦।।