(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૭) બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “ધર્મ તો સ્વામિનારાયણને ઘેર છે, બાકી તો ઘેર ઘેર ભાંગેલાં ઠીકરાં છે. ખપ હોય તેને સત્સંગમાં ઘણા મોટેરા પડ્યા છે તેને જોગે કરીને પોતાનું પૂરું કરી લેવું. આ સભાની ચરણરજ વાળેલી હોય તે રજનો મહિમા જાણીને પાપી જીવ માથે ચડાવે તો તે પાપી હોય તોપણ પાપથી મુક્ત થાય અને ભૂત-પ્રેત હોય તો તે પણ જતું રહે. તે ભૂત-પ્રેત વાસનાએ કરીને અને મોટાનો અપરાધ કરવે કરીને થાય છે. પ્રેત એટલે વાસનાવાળું. પ્રેતને લાજ હોય, અને ભૂત એટલે વધારે પાપવાળું. જેણે મોટા મુક્તનો દ્રોહ કર્યો હોય, ભગવદીનો દ્રોહ કર્યો હોય તે ભૂત થાય. તેને લાજ પણ હોય નહિ. વળી તેનો આહાર મલિન એટલે ખાવા-પીવાની નકારી વસ્તુ; જેથી કરીને દિવસે દિવસે વધારે મલિન થતો જાય. કેટલાક આવા દુખિયા વિચાર વિના થઈ જાય છે.”

“માટે કોઈને શિખામણ દેવી હોય તોપણ શુદ્ધ સત્ત્વમાં રહીને દેવી; તમોગુણી થઈને ન કહેવું. જેમ મા-બાપ છોકરાંને શિક્ષા કરે છે, પણ અંતરમાં રાજીપો રાખીને; પછીથી કાંઈ ખાવાનું આપીને છોકરાંને રાજી કરે છે તેમ કરવું, પણ બીજાને ટાઢા કરવા જાય ને પોતાને બળાપો થાય અને નાના-મોટાનો અપરાધ થઈ જાય એમ ન કરવું. સત્ત્વગુણથી સમાસ થાય છે તે શુદ્ધ સત્ત્વગુણથી થોડુંક કહે તોપણ દાબ વધારે બેસે છે. મલિન સત્ત્વગુણ એ તો માયાનો ગુણ છે. તેમાં રહીને કદાપિ ધ્યાન કરતો હોય કે માળા ફેરવતો હોય, પણ માંહીથી ધક્કો લાગે ત્યારે બીજાને લડવા માંડે ને ક્રોધ આવે, માટે શુદ્ધ સત્ત્વગુણી થાવું. મલિન સત્ત્વગુણ ઉપરથી તો શાંત દેખાય છે, પણ એ ત્રણે ગુણ એક જ ભાઈ છે; જેમ લીંબોળી પાકી હોય તેને ઉપરથી ખાય તો જરાક ઠીક લાગે, પણ કચરીને ખાય તો તે પણ ઝેર જેવી કડવી લાગે તેમ. ત્રણ ગુણથી જુદા રહી નિષ્કપટપણે સત્સંગ કરવો. મોટા મુક્ત આગળ નિષ્કપટપણે અને સરળ સ્વભાવે વર્તવાથી મોટા બહુ રાજી થાય છે.”

પછી એમ બોલ્યા જે, “અમે એક વખત જેતલપુર જતા હતા. ત્યાં અશ્લાલીની ભાગોળે કેટલાક નાનાં નાનાં છોકરાં દોડતાં દોડતાં આવ્યાં ને આળોટવા મંડ્યાં. તે જોઈ અમે બહુ રાજી થયા અને સિગરામમાંથી નીચે ઊતર્યા તેથી તે દર્શન કરી બહુ આનંદ પામ્યાં. એમ જે મોટાના જોગમાં આવી જાય તેનું તો બહુ ભારે કામ થાય છે. આ સમે મહારાજ કહે, ‘અમારે પાત્ર-કુપાત્ર જોવા નથી. અમે તો અનંત જીવને અભયદાન આપવા આવ્યા છીએ. અમારા મુક્તનો ને અમારો વાયરો અડે એટલામાં કામ પૂરું થઈ જાય.’ મોક્ષનાં લાખો સાધન લખ્યાં છે, પણ મહિમા ને દિવ્યભાવ જેવી મોટી વાત કોઈ નથી એમ ભગવાનના ભક્તને સમજવું. જો એમ ન સમજાય તો મહારાજની પ્રસન્નતા થાય નહિ. આ સમે મહારાજે જીવો ઉપર અપાર દયા કરી છે.” ।।૬૨।।