સંવત ૧૯૬૫ના ફાગણ વદ-૧૪ને રોજ સવારે સભામાં પ્રથમ પ્રકરણનું ૬ઠ્ઠું વચનામૃત વંચાતું હતું. તેમાં ભગવાનનો ને સંતનો એટલે મુક્તનો વિશ્વાસ રાખે તો અવિવેક ટળી જાય છે એમ આવ્યું.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અનાદિમુક્તની વાતમાં સંપૂર્ણ વિશ્વાસ આવે તો તે તેમના જેવો જ થાય; અને સંપૂર્ણ વિશ્વાસ ન આવે ને જ્ઞાન સમજવામાં જેટલે અટકે તો તે એટલે જ રહે. જેમ માર્ગમાં ચાલતાં માર્ગનો અંત તો ન આવે ને વચમાં જ્યાં થાકે ત્યાં બેસી રહે તેમ થાય. શ્રીજીમહારાજના ગુણનો કે સુખનો કે મહિમાનો કે સ્વરૂપના જ્ઞાનનો પાર પમાય તેમ નથી; એ તો અપાર છે. તેનું દૃષ્ટાંત પણ દેવાય નહિ, કેમ જે દૃષ્ટાંત તો માયિક છે અને મહારાજનાં ગુણ ને કર્મ તે સર્વે તો દિવ્ય છે. દિવ્ય વસ્તુને માયિકની ઉપમા કે દૃષ્ટાંત દેવું પડે છે તે તો બહુ જ કંટાળો આવે છે, પણ શું કરીએ! જીવને સમજાવવા સારુ દાખલા આપીએ છીએ.”

“જેમ લાખો-કરોડો ગાઉની મજલ હોય તેનો માર્ગ બતાવે જે આ દિશે માર્ગ છે, પણ તે સ્થાન તો ક્યાંય પડ્યું હોય; તેમ દિશ બતાવીએ છીએ, પણ મહારાજનું સુખ તો અપાર છે ને મુક્તનું સુખ પણ અપાર છે. એ સુખની બ્રહ્મકોટિમાં કે અક્ષરકોટિમાં કોઈ ઉપમા દેવાય એવું નથી. એ મૂર્તિના સુખમાં પહોંચ્યા કેડે ધામનું સુખ તે શું? અને મુક્તકોટિનું સુખ તે પણ શું? એવું મૂર્તિનું સુખ છે. આ તો સાંસાગોટીલાં કરો છો, પણ જ્યારે ધામમાં લઈ જઈને મહાપ્રભુજીની મૂર્તિનું સુખ દેખાડીશું ત્યારે બીજાં સુખ નજરમાં જ નહિ આવે.”

“જેમ હાથી આગળ સસલો ગોટીલાં કરે ને હાથી રાજી થાય, તેમ તમે અમારા આગળ કરો છો એટલાંમાં જ અમે રાજી થઈને એ સુખમાં લઈ જઈશું. આ વસ્તુ બહુ મોંઘી છે તે હાથ આવે તેવી નથી, પણ આજ અનાદિમુક્ત આવ્યા છે તે નક્કી લઈ જશે એમ જાણજો. આ મુક્ત મળ્યા છે તે વસ્તુ મૂળઅક્ષરથી તથા અક્ષરધામથી પણ પર છે; કેમ જે મૂર્તિમાં રહ્યા છે. અને ધામ તો શ્રીજીમહારાજનું ને અનાદિમુક્તનું તેજ છે. બ્રહ્મકોટિ ને મૂળઅક્ષરકોટિ પણ આ મુક્તની પ્રાર્થના કરે છે અને મૂર્તિનું સુખ માગે છે; એવા મોંઘા આ મુક્ત છે. લાખો-કરોડો જન્મ ધરો ને સત્સંગ કરો, પણ આ જોગ એક મિનિટનો પણ તેથી અધિક છે; કેમ જે એક મિનિટમાં અનાદિ કરી મૂકે. જેમ ઉત્તમ પારસને જે વસ્તુ અડે તે અડતાં જ પારસ થઈ જાય એવા આ મુક્ત છે. જ્યારે માંડવીના રામકૃષ્ણભાઈને આ મુક્ત ઓળખાણા ત્યારે માગ્યું જે, ‘મારે કાંઈ પણ બાકી રહે નહિ, ને કદાપિ બાકી રહે ને જન્મ ધરાવો તો તમારી નાતમાં જન્મ ધરાવજો; પણ બ્રાહ્મણની નાતમાં ધરાવશો નહિ એ મારી અરજ છે.’” ।।૭૯।।