(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૯) સાંજે મેડા ઉપર આસને બાપાશ્રી કૃપા કરીને વાત કરવા લાગ્યા જે, “મોટા અનાદિમુક્ત છે તે તો અખંડ મહારાજની મૂર્તિમાં રસબસ છે. તે અનંત જીવના આત્યંતિક મોક્ષને અર્થે દયા કરી પૃથ્વી ઉપર મહારાજના સંકલ્પે દેખાય છે ત્યારે જે જે જીવ દૃષ્ટિએ ચડે તેને ન્યાલ કરે છે. શ્રીજીમહારાજ કહે છે કે, ‘એવા અનાદિના જોગથી હું તરત પ્રાપ્ત થાઉં છું.’ એવા મુક્ત છે તે તો બ્રહ્મની જ મૂર્તિ છે. તેને હરિરૂપ કહીએ, પુરુષોત્તમરૂપ કહીએ અને મૂર્તિના મહારસના પાન કરનારા કહીએ. એની સર્વે ક્રિયા અલૌકિક છે, નિર્ગુણ છે, દિવ્ય છે. તેને ઓળખવા ન પડે. એની દરેક ક્રિયામાં જણાય. તે ઊઠતાં જણાય, બેસતાં જણાય, મૂર્તિના સુખની ચમત્કારિક વાતો કરતાં જણાય, ધ્યાનમાં નિમગ્ન રહેતાં જણાય, અલૌકિક ભાવના સિદ્ધાંત દેખાડતાં જણાય. એવી રીતે અનેક પ્રકારે મોટા અનાદિમુક્ત ઓળખાય.”

“એ જ્યાં વિચરતા હોય ત્યાં પુરુષોત્તમ ભગવાન ને અક્ષરધામ જે શ્રીજીમહારાજનું તેજ તથા અનંત મુક્ત એ સર્વે હોય. તે પોતાને સામર્થ્યે અનેકને દિવ્ય દૃષ્ટિ કરાવી એ સર્વેને દેખાડે. તેથી અનંતનાં આવરણ ભેદાઈ જાય. મનુષ્યભાવ, પ્રતિમાભાવ, દિવ્યભાવ એ સર્વેનું યથાર્થ વર્ણન કરે એથી સમજાય જે આ અનાદિ મહામુક્ત છે. એની છાયામાં સુખ, સુખ ને સુખ જ હોય. એવા મળે ત્યારે પૂરું થાય.”

“આપણા ગુરુ સ્વામી શ્રી નિર્ગુણદાસજી દૃષ્ટાંત દેતા જે, ‘મોટા મુક્ત પુરુષોત્તમનું સુખ લઈ સત્સંગમાં કેવી રીતે પ્રવર્તાવે છે? તો જેમ વરાળના દીવાનું કારખાનું હોય છે તે એન્જીનમાંથી અગ્નિ વરાળ રૂપે થઈને જ્યાં દીવા થવાનાં સ્થાન હોય ત્યાં જાય છે અને દીવા રૂપે થઈને સર્વેને પ્રકાશ કરે છે. તે વરાળને અને એન્જીનને સંબંધ હોય છે તે જરાક સંબંધ તૂટે તો તરત દીવો ઓલવાઈ જાય છે. તેમ એન્જીનને ઠેકાણે તો ભગવાન અને મહામુક્ત છે તે મનુષ્યરૂપે દેખાઈને દિવ્ય રૂપ જે પુરુષોત્તમનું સ્વરૂપ, જ્ઞાન અને સુખ તે પ્રગટ કરીને જીવના અજ્ઞાનરૂપી અંધકારને ટાળી જ્ઞાનરૂપી પ્રકાશ કરીને મહાસુખિયા કરી મૂકે છે.’”

“તે મહામુક્તને શ્રીજીમહારાજનો સંબંધ સદાય છે. અને તે મહામુક્ત તો પુરુષોત્તમની મરજીરૂપ સદાય વર્તે છે અને મૂર્તિના સુખમાં લુબ્ધ રહે છે. જેમ લક્ષ્મીજી શ્રીકૃષ્ણના સ્વરૂપમાં સ્નેહે કરીને લીન થઈ રહે છે તેમ તે મુક્ત પણ સ્નેહના અધિકપણે કરીને લીન રહે છે.”

“એ મોટા મુક્ત કેવા છે, તો આ લોક-પરલોકને વિષે જીવને સુખિયા કરી મૂકે એવા છે અને સદાય જીવના હિત કરવાને અર્થે જ પ્રવર્તેલા છે. એવા મોટા મુક્ત પોતાની જરાપણ મોટ્યપ કે સામર્થી કહેતા નથી; કેમ કે તેમને પોતાપણું છે જ નહિ. તે તો જેટલી જેટલી સામર્થી, સુખ, મોટાઈ કહે છે તે સર્વે પુરુષોત્તમ ભગવાનની જ કહે છે. એવા મોટા મનુષ્ય જેવા ભાસે છે, પણ તે તો અલૌકિક દિવ્યમૂર્તિ જ છે. તે જન્મ્યા નથી, મનુષ્યરૂપે થયા નથી, પણ તે તો સદાય પુરુષોત્તમની મૂર્તિમાં જ છે અને સુખને વિશે નિમગ્ન છે અને આ લોકમાં મહારાજની ઇચ્છાએ કરીને મનુષ્ય જેવા દેખાય છે.” એમ દયા કરીને વાત કરી. ।।૭૩।।