એક સમયે નારાયણપુરના પ્રેમજીભાઈ આદિ છ-સાત જણા બાપાશ્રીની સાથે કાંઈક કામે જતા હતા. તે બીજા સર્વે આગળ ચાલતા હતા ને બાપાશ્રી વાંસે ચાલતા હતા. પછી વાટમાં કૂવો આવ્યો તે બીજા સર્વે ફરીને ચાલ્યા ને બાપાશ્રી તો કૂવામાં પડ્યા તે ધુબાકો થયો. ત્યારે સર્વેએ પાછું વાળી જોયું ત્યાં કાંઠા ઉપર ઊભેલા ને લૂગડાં પણ કોરાં. પછી પ્રેમજીભાઈએ કહ્યું જે, “ધુબાકો થયો તે તમે પડી ગયા હતા કે શું?” ત્યારે બાપાશ્રી કહે જે, “અમે નાહવા પડ્યા હતા.” ત્યારે તેમણે કહ્યું જે, “લૂગડાં તો કોરાં છે.” ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અમારાં નાહવાં એવાં.” ।।૪૨।।