બાપાશ્રીને ત્રણ વાર સર્પ કરડ્યો. તેમાં એક વાર ગાડામાં નાખવા ઘરમાં આડાં લેવા ગયા ત્યાં કરડ્યો. તે ગાડું જોડીને ચાલ્યા ને વાટમાં જતાં ચડ્યો. તે ગાડું બીજા મનુષ્યે હાંક્યું ને ઘેર લાવ્યા, પણ ઉતરાવ્યો નહિ ને કોઈને વાત પણ કરી નહિ ને ઊતરી ગયો. બીજી વાર વાડીમાં બપોર વખતે સામો આવીને કરડ્યો તેને ચડવા દીધો નહિ. તે વાત વાદીના જાણવામાં આવી. તેણે વાડીએ આવીને બાપાશ્રીને કહ્યું જે, “તમને નાગ ચડ્યો નહિ, માટે તમારી પાસે બહુ ચમત્કારી મંત્ર અથવા બુટ્ટી હોવી જોઈએ તે મને આપો.” ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “અમારે તો સ્વામિનારાયણ એ જ મંત્ર અને એ જ બુટ્ટી છે.”

પછી તે વાદીએ પોતાની વિદ્યાથી ઝેર ચડાવ્યું એટલે બાપાશ્રી ઊંડા ઊતરી ગયા ને વાદી બેસી રહ્યો. પછી થોડીકવારે બાપાશ્રી બહાર આવ્યા તે જોઈને આશ્ચર્ય પામ્યો જે આ મંત્ર કે બુટ્ટીવાળા નથી. આ તો કોઈક મોટા પુરુષ છે. એમ જાણીને પગમાં પડ્યો અને પ્રાર્થના કરી જે, “મેં તમને ઝેર ચડાવીને દુઃખ દીધું તે મારો ગુનો માફ કરો.” પછી બાપાશ્રીએ કહ્યું જે, “અમને તો કાંઈ દુઃખ જ નથી. તમે જ્યાં જતા હોય ત્યાં જાઓ.” પછી તે ચાલી નીકળ્યો. વળી ત્રીજે ફેરે કરડ્યો ત્યારે પણ ચડવા દીધો નહિ. તે સર્પ એ ગામનો કણબી હતો. તેની સ્ત્રીને ભગવાન ભજવા દેતો નહિ. પછી બાપાશ્રીએ ત્યાગી બાઈઓના ભેળી તેની સ્ત્રીને મોકલી દીધી. તેનું વૈર હતું તે મૂઆ પછી સર્પ થઈને કરડ્યો હતો. ।।૫૯।।