સંવત ૧૯૬૩ના વૈશાખ સુદ-૬ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “મુક્ત અનાદિ છે, પણ ભજીને થયેલા નથી. જો ભજીને થયેલા કહીએ તો કોઈક વખતે શ્રીજીમહારાજ એકલા હોવા જોઈએ; પણ એમ નથી. જેમ મહારાજ અનાદિ છે તેમ મુક્ત પણ અનાદિ છે. મહારાજનો મહિમા તો અતિશય અપાર છે અને અનાદિમુક્ત મહારાજની મૂર્તિમાં રહીને સદા સુખ લે છે. મહારાજની ઇચ્છાથી અહીં મનુષ્યરૂપે દેખાય છે તે મૂર્તિમાં રહ્યા થકા દેખાય છે. અહીં આવતા-જતા નથી ને દેહ જણાવે છે તે દેહની ક્રિયા મહારાજ કરાવે છે ને જીવને ઉપદેશ પણ મુક્ત દ્વારે મહારાજ કરે છે. જે મુક્ત દ્વારે જીવને ઉપદેશ કરે છે તે મુક્તના જેવો જીવને કરે છે અને તે મુક્તની જોડે એ જીવને રાખીને તે મુક્તના જેવું સુખ આપે છે. જે મુક્ત દ્વારે જે જીવ મુક્ત થયો હોય તે મુક્ત તેને પ્રધાન રહે છે.”

“જેમ આકાશમાં લૂ વાતી હોય તેમાં ચિત્ર-વિચિત્ર રવરવાટ થાય છે; તેમ મહારાજની મૂર્તિમાંથી તરેહ તરેહનાં અનંત સુખ આવે છે. જેમ મહારાજની વાતો એકની એક નિત્ય કરીએ તો આનંદ ન આવે, અને જો નિત્ય નવી નવી વાતો થાય તો આનંદ વધતો જાય; તેમ મહારાજનું સુખ નવું નવું છે ને અનંત પ્રકારનું છે. તે સુખને મૂકીને જીવ છે તે કાર્યમાં સુખ માને છે ને મૂર્તિને પડી મૂકે છે. જેમ શ્રીજીમહારાજના બાળકેશ ઉતરાવ્યા ત્યારે ધર્મપિતા અને ભક્તિમાતા બ્રાહ્મણોને જમાડવાની સરભરામાં રહ્યાં ને મહારાજને ભૂલી ગયાં તો કાળીદત્તે આવીને વિઘ્ન કર્યું. તેમ મહારાજને જીવ ભૂલી જાય છે એટલે કામ, ક્રોધાદિક શત્રુ છે તે જીવને વિઘ્ન કરે છે.”

પછી સ્વામી વૃંદાવનદાસજી બોલ્યા જે, “ધ્યાન બરાબર થાતું નથી ને મૂર્તિ ધરાતી નથી. માટે કૃપા કરો તો ધરાય.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ઊંડા ઊતરો તો ધરાય.”

પછી તે જ વખતે ધ્યાન કરવા મંડ્યા ને ઊંડા ઊતરી જવાણું ને તેજ દેખાણું; પણ મૂર્તિ દેખાણી નહિ. પછી બહાર આવીને બાપાશ્રીને વિનંતી કરી જે, “મૂર્તિ દેખાતી નથી.”

ત્યારે બાપાશ્રી કહે જે, “ધ્યાન કરો; દેખાશે.”

પછી ધ્યાન કર્યું તો મૂર્તિ દેખીને બહુ આનંદ પામ્યા. ।।૫૦।।