મોરબીના ફોજદાર સાહેબ કાળુભાને સ્વામી શ્વેતવૈકુંઠદાસજીએ કહ્યું જે, “તમે વર્તમાન ધારો.” ત્યારે તેમણે કહ્યું જે, “શ્રીજીમહારાજ અને બાપાશ્રી મને દર્શન આપે તો કંઠી બાંધું.” પછી તે માંદા થયા. તેમને શ્રીજીમહારાજ તથા બાપાશ્રીએ દર્શન આપીને કહ્યું જે, “તમારી આયુષ્ય પૂરી થઈ છે, પણ તમને રાખવા છે ને તમે કંઠી બાંધજો.” એમ કહીને અદૃશ્ય થઈ ગયા. પછી તે સાજા થયા ને મંદિરમાં આવીને વર્તમાન ધરાવ્યાં. પછી જ્યારે બાપાશ્રી સંઘે સહિત છપૈયે જતા હતા ત્યારે મોરબીથી ગોવિંદભાઈ તથા કાળુભા રાજકોટમાં આવીને મળ્યા.

પછી કાળુભા બોલ્યા જે, “તમે મને મંદવાડમાં દર્શન આપ્યાં હતાં ત્યારે તો તેજોમય દેખાયા હતા.” એમ કહીને બીજી વાર મળ્યા. અને તેમને ફેર વર્તમાન ધરાવીને પ્રસાદીની કંઠી આપી અને બોલ્યા જે, “અમે તમને તેડવા આવશું.” પછી બાપાશ્રી મુળી ગયા અને તે બન્ને મોરબી ગયા. તેમણે દેહ મૂક્યો ત્યારે બાપાશ્રી ઘણાકને દર્શન આપી તેડી ગયા હતા. ।।૮૩।।