સંવત ૧૯૬૭ના ફાગણ વદ-૮ને રોજ બપોરે સભામાં સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, “શ્રીજીમહારાજ અથવા મોટા મુક્ત મૂર્તિનું સુખ જીવને આપી દે તો એમને શું કઠણ છે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જીવ વેપાર કરવા માંડે એવા છે. તે વેપાર એટલે કોઈકને જણાવે અથવા કોઈ નજરમાં જ ન આવે ને પોતાને સરસ માને; માટે નથી આપતા. જ્યાં સુધી પાત્ર થાય નહિ ત્યાં સુધી મહારાજ અંદરપડદે રહે છે. પાત્ર થયા વિના દર્શન આપે તો જીવને માન આવે અને પૂજ્યપણું વધે, માટે અંતે દેખાડીશું. ત્યારે કોઈકને સંશય થાય જે, ‘પાત્ર થયા વિના મૂર્તિમાં કેમ લઈ જશો?’ તો જેને અધૂરું હશે તેને દેહને અંતે પાત્ર કરીને પૂરું કરાવશું; પણ જન્મ નહિ ધરાવીએ. જેને મોટાનો જોગ થયો તેને તો દયા કરીને પૂરું કરાવશું. જીવ બિચારા કેટલાં સાધન કરશે! આજ તો મહારાજ ને મોટા કૃપાસાધ્ય છે તે ખપવાળાનું પૂરું કરે છે.”

આટલી વાર્તા કરીને સમાપ્તિ કરી.

તે જ દિવસે સાંજે સભામાં મધ્ય પ્રકરણનું ૫૬મું વચનામૃત વંચાતું હતું. તેમાં શ્રી ગોપાળાનંદ સ્વામી જેવા મોટાને ભૂંડા દેશ, કાળ આદિકનો જોગ થાય તો ભગવાનમાં પ્રીતિ છે તેનું કાંઈ ઠેકાણું રહે નહિ એમ આવ્યું.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “શ્રી ગોપાળનંદ સ્વામી તો શ્રીજીમહારાજની મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત છે તેમને ભૂંડા દેશકાળાદિક લાગે એમ કહ્યું તેનું શું કારણ હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એ તો સાધનિકને બીક લગાડવા માટે કહ્યું છે, પણ એ તો શ્રીજીમહારાજના જેવા જ સમર્થ છે ને માયાને નર્ક તુલ્ય જાણે છે. જેમ રાજા ભિખારીના વૈભવને ઇચ્છે નહિ, તેમ મુક્ત તો માયાને તુચ્છ જાણે છે; કેમ જે મહારાજના સુખ આગળ માયાનું સુખ તો કાકવિષ્ટા તુલ્ય છે એમ જાણીને તેના સામું જોતા જ નથી. જેમ રાજા ભિખારીનું ઘર જાણતા નથી જે એ ક્યાં હશે તેમ.” ।।૯૨।।