સંવત ૧૯૬૨ના જેઠ સુદ-૪ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “મુળીમાં સાધુ બાળકૃષ્ણદાસજી બહુ મોટા સાધુ છે અને ત્રણે અવસ્થામાં શ્રીજીની મૂર્તિમાં રહે છે ને સર્વેને દિવ્ય જાણે છે ને સર્વેનો ગુણ લે છે. અવગુણ કોઈનો લેતા નથી અને ધ્યાન-ભજન કરે છે.”

“આ સભામાં મધ્યસ્થ શ્રીજીમહારાજ વિરાજે છે અને ચારેકોરે સર્વે મુક્ત બેઠા છે એવી આ સભા છે. તેને વિષે મનુષ્યભાવ આવે ને તેને મૂકીને બહાર જાય તો તે મહા દુઃખ, ભૂખ અને મારનો ભોક્તા થાય ને જીવનો નાશ થઈ જાય. માટે ભલા થઈને સત્સંગ દિવ્ય જાણજો. કદાપિ આ દેશમાં ન બને તો વરતાલમાં જાવું અને વરતાલમાં ન બને તો આ દેશમાં રહેવું. એટલા માટે શ્રીજીમહારાજે બે દેશ કર્યા છે તે જેને જ્યાં સાનુકૂળ પડે ત્યાં તેણે રહેવું ને સુખે ભગવાન ભજવા. બેમાંથી એકેય દેશમાં ન બને તો એક ગામના મંદિરમાં પડ્યા રહેવું અને તે ગામનો જે ધર્માદો આવે તે મૂળ મંદિરમાં પહોંચાડવો. આ વખતે કળિનું બળ વિશેષ છે તેથી દરેકનો ધર્મ ઘણો ઓછો થઈ ગયો છે ને જડ અને ચૈતન્ય માયામાં લેવાઈ ગયા છે તે જાળવજો.” ।।૪૦।।