સંવત ૧૯૮૩ના કારતક વદ-૧૦ને રોજ સવારે બાપાશ્રી નાહી પૂજા કરી સર્વે સંતોને ઉઘાડે શરીરે મળ્યા. પછી વસ્ત્ર પહેરીને આસને આવ્યા.

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા! આ દેવરાજભાઈ આપનો હવે બરાબર દિવ્યભાવ સમજ્યા; માટે એમનું અને સર્વેનું સહિયારું કરો.”

પછી બાપાશ્રીએ સર્વેના હાથ ભેળા કરાવીને પોતાનો એક હાથ નીચે રાખ્યો અને બીજો ઉપર રાખ્યો અને સર્વેને કોલ દીધો જે, “આ સર્વેનું સહિયારું.”

પછી સ્વામી કહે જે, “પાણી લાવો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તમે ભૂલો છો. પાણી અધિક કે આ અધિક?”

પછી સ્વામી કહે જે, “સર્વેને સંભારણા માટે.”

ત્યારે બાપાશ્રી બોલ્યા, “તો તો ઠીક, લાવો.” પછી પાણી લઈને સર્વેને આશીર્વાદ આપ્યા જે, “આમને આમ સર્વેને ભેળા રાખીશું.”

પછી સંતોએ હેત-રુચિવાળા સંત-હરિભક્તોનાં નામ લઈને કહ્યું જે, “એ સર્વેને ભેળા રાખજો.”

ત્યારે બાપાશ્રી કહે જે, “બહુ સારું.” તે વખતે ખીમજીભાઈ આવ્યા તેમને પણ એવી જ રીતે આશીર્વાદ આપ્યા.

પછી બોલ્યા જે, “તમને આશીર્વાદ તો આપ્યા, પણ તમો સાચવી રાખજો અને આવા સંતનો જોગ કરજો. હવે સંતો દેશમાં જવા તૈયાર થયા છે.” પછી ભુજના બે સંત આવ્યા. તેમને પણ એવી જ રીતે આશીર્વાદ આપ્યા.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો ઠાકોરજીને જમાડીને આવ્યા ત્યારે કહ્યું જે, “સ્વામી! તમારાં ગાડાં આવ્યા?” ત્યારે કહે, “ના, હજી આવ્યાં નથી. જો આપ દયા કરીને રાખો તો અમે રહીએ.” ત્યારે કહે જે, “ના, હવે ઘણું રહ્યા ને ન્યાલ કર્યા. તમે ન્યાલ કરો એવા છો.”

એમ કહીને બાપાશ્રી દેવરાજભાઈ પ્રત્યે બોલ્યા જે, “તમે આ સંતને ઓળખ્યા તેથી કામ થઈ ગયું. આવા સંત ક્યાંય ન મળે. સંત તો બધાય છે, પણ આવા સંતથી કામ થાય તે બીજાથી ન થાય. ઉત્સવ, સમૈયા, મંદિરો એ આદિક કામ આ સંત કરતા ન જણાય, પણ જે કામ આ સંત કરે તે બીજાથી ન થઈ શકે. મૂર્તિમાં રસબસ કરવા તે આવા સંતથી થાય. આ સંતનાં દર્શનથી, સ્પર્શથી કામ સરે. એમનો વાયુ ભુટકાઈને જેના ઉપર પડે તે બધાનું કલ્યાણ થાય, એવા સમર્થ આ સંત છે. માટે આવા સંતનો જોગ રાખજો; તો ધામમાં હડેડાટ ચાલ્યા જવાય. આ સંત બ્રહ્મની મૂર્તિઓ છે.”

પછી બોલ્યા જે, “સંત કોને કહીએ? તો શાંતિને પમાડે તે સંત. આ સંત તો ગૌમુખી ગંગા છે. તે ગૌમુખીમાંથી મહારાજનું સુખ આવે છે. આવા જંગમ તીર્થનો મહિમા સમજીને જોગ કરવો.” એમ વાત કરી.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા! અમને વૃષપુર ભેળા લઈ જાઓ.”

ત્યારે બાપાશ્રી કહે જે, “હવે નહિ, ઘણું રહ્યા. સાધુ પણ નહિ ને આશાભાઈ પણ તમારા ભેળા ચાલે.”

પછી સ્વામીશ્રીએ કહ્યું જે, “બાપા! તમે શરીરે તાવ દેખાડો છો તેથી આપને મૂકીને જવાનો સંકલ્પ થતો નથી.”

ત્યારે બાપાશ્રી કહે જે, “હવે તાવ નહિ રહે.”

પછી સ્વામીએ કહ્યું જે, “અમે ફેર આપને દર્શને આવીએ ત્યાં સુધી તાવ કે બીજો મંદવાડ કાંઈ પણ રાખશો નહિ.”

ત્યારે બાપાશ્રી કહે જે, “હવે મંદવાડ જતો રહેશે; તમે કાંઈ ચિંતા રાખશો નહિ.”

પછી સંતોએ પ્રાર્થના કરી જે, “તમે અમારા ભેગા સદાય રહેજો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અમે સદાય તમારા ભેગા રહેશું.”

તે વખતે આશાભાઈએ કહ્યું જે, “બાપા! આપ ઠાકોરજી જમાડી લો.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “તમને વળાવીને પછી જમવા જઈએ.”

ત્યારે સ્વામીએ કહ્યું જે, “અમારાં ગાડાંને ઘણી વાર છે, આપ જમીને પધારશો પછી અમારે જવાનું થશે.”

થોડીવાર પછી બાપાશ્રી જમીને પાછા આવ્યા. તે વખતે સર્વે સંત આવીને પગે લાગીને બેઠા.

ત્યારે બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “તમે જો ભુજ કાલે રહેવાના હો તો અમે ભુજ આવીએ અને જો કાલે જ ભુજથી નીકળવાના હો તો અમે ગરનાળા સુધી વળાવવા આવીએ.”

ત્યારે સંતોએ કહ્યું જે, “ના બાપા! આમ ને આમ મહારાજ ને આપ સદા ભેળા રહેજો.”

તે વખતે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “અમે આપની વાતો લખી છે તે છપાવીએ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તમે આ વચનામૃત છપાવ્યાં છે તે વાંચીને અનેક મુમુક્ષુઓ ન્યાલ થયા છે. માટે વાતો પણ છપાવજો; તેથી અનંત જીવનો આત્યંતિક મોક્ષ થશે.” પછી બાપાશ્રીએ કહ્યું જે, “સદ્‌ગુરુશ્રી નિર્ગુણદાસજી સ્વામી અમારા જીવનપ્રાણ હતા. તેમના તમે બધાય છો તે ભેળા રહેજો, કોઈ નીકળી જાય તો તે જાણે.”

પછી એમ બોલ્યા જે, “મહારાજ! તમને કોઈક અહીં તેડાવે તો સુખેથી આવજો. તમારે આવવેથી સંત-હરિજનોમાં ઘણો સમાસ થયો, તેથી સૌ રાજી રાજી થઈ રહ્યા છે. પાછા વળી ફેર આવશો એટલે વધારે સમાસ થશે. કેમ દેવરાજભાઈ! સમાસ થયો કે નહિ?”

ત્યારે તે કહે જે, “હા બાપા! સમાસ બહુ સારો થયો. વળી ફેર પધારે તો ઘણો લાભ થાય.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું કે, “એ તો આપના પ્રતાપથી સહુ સુખિયા થયા છે.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “તમોએ પણ આ ફેરે વાતો-ચીતોનું સુખ બહુ આપ્યું છે. વળી કોઈક યજ્ઞ કરશે, તો તમને જરૂર તેડાવીશું. ત્યારે તમે આવજો. તમે ખરા સાધુ છો તે ભુજમાં અને ગામડાંમાં બધેય હરિભક્તો લઈ જશે. અમારે ઘેર તો ઘણું રહેજો. અમારા છોકરા બાજરો પકવશે ને આપણે ઠાકોર જમાડીશું ને ભેળા મળીને મહારાજનું સુખ લેશું ને જે લેશે તેને આપીશું. આ ફેરે તમે બહુ દયા કરી તે કેટલાય સુખિયા થયા છે. હવે તમે જ્યાં જાઓ ત્યાં બ્રહ્મયજ્ઞ કરજો, મૂર્તિનો રસ રેલાવજો. અમે સદાય તમારા ભેળા રહીશું ને જ્યાં જાશો ત્યાં અમે ભેગા જ છીએ એમ જાણજો.”

પછી સ્વામીએ બાપાશ્રીને કહ્યું જે, “ભુજમાં ઘેલાભાઈએ વાત કરી છે કે, ‘મારે પારાયણ કરાવવી છે તે બાપાશ્રી પધારે તો કરાવું. તમે બાપાશ્રીને મારી વતી વિનંતી કરજો કે મારો સંકલ્પ દયા કરીને સત્ય કરે.’”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “તમે ભુજ જઈને તેમને કહેજો કે તમારો સંકલ્પ સત્ય કરીશું, પણ એ દીર્ઘસૂત્રી છે તે જો વિચાર કર્યા કરશે તો ભેળું નહિ થાય.” આમ વાત કરી એટલામાં બાપાશ્રીની ઘોડાગાડી તથા સંતોનાં ગાડાં આવ્યાં.

ત્યારે બાપાશ્રી કહે જે, “અમને ઊભા કરો.” એટલે આશાભાઈ હાથ ઝાલવા ગયા તેમને કહ્યું જે, “તમે નહિ; અમને આ બે બાવા ગાડીએ ચડાવે.” પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ તથા સાધુ મુક્તવલ્લભદાસજીએ બાપાશ્રીને બાવડે ઝાલીને ગાડી ઉપર ચડાવ્યા.

પછી બાપાશ્રી ગાડીમાં બેસીને વિરહના કીર્તનની ટૂંક બોલ્યા જે, “આજ સોહાગણ હું રંડાણી ભરદરિયે વહાણ ભાંગ્યું રે.”

ત્યારે સ્વામી કહે જે, “બાપા! અમારે જવું નથી, આજ્ઞા કરો તો રહીએ.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “સર્વેની વૃત્તિઓ ગુજરાત અને ઝાલાવાડ તરફ ગઈ છે તેથી તમને જુદા પાડીને રખાય નહિ. માટે તમે આશાભાઈ આદિ સર્વે જાઓ.” એમ આજ્ઞા કરી.

પછી હરજીભાઈએ ગાડી હાંકી અને સંત સર્વે સડક ઉપર ચોકીએ આવ્યા ત્યાં બાપાશ્રીએ વૃષપુર તરફ વડ નીચે ગાડી ઊભી રખાવીને મોતીભાઈને કહ્યું જે, “સંતોને અહીં બોલાવી લાવો.”

તેથી તે સ્વામીને બોલાવી લાવ્યા. પછી સર્વે સંત-હરિજનોએ આવીને દંડવત કર્યા તે વખતે પણ બાપાશ્રી ઉપરના કીર્તનની ટૂંક બોલ્યા.

ત્યારે પણ સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા! અમે જવા રાજી નથી, આજ્ઞા કરો તો રહીએ.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “ના, જાઓ; અમે સદા ભેળા જ છીએ.”

પછી સ્વામીશ્રીએ કહ્યું જે, “અમારે સર્વેને આપની પાસે એક વચન માંગવું છે તે આપવા કૃપા કરશો?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “હા.”

ત્યારે કહ્યું જે, “અમને આ દેહ સાંભરે છે, તે ન સાંભરે ને એક મહારાજની મૂર્તિ જ સાંભરે, ને તે અખંડ દેખીએ એવી કૃપા કરો.”

પછી બાપાશ્રીએ રાજી થઈને માથે હાથ મૂકીને કહ્યું જે, “આજથી સર્વેને એમ જ રહેશે.” એ વર આપ્યો. એમ સર્વે ઉપર બહુ રાજી થયા.

પછી બાપાશ્રી વૃષપુર પધાર્યા અને સંત સર્વે ભુજ આવ્યા. પછી સ્વામીએ ઘેલાભાઈને પારાયણ વિષે બાપાશ્રીની હા છે એ વાત કરી. તે સાંભળીને ઘેલાભાઈ બહુ જ રાજી થયા. અને સંતો ગુજરાત તરફ આવ્યા. ।।૧૬।।