(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૮) રાત્રે મેડા ઉપર આસને સંત-હરિભક્તો બેઠા હતા.

ત્યારે બાપાશ્રીએ હીરાભાઈ તથા હરિભાઈને કહ્યું જે, “તમોએ વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાની પારાયણ બેસારીને બહુ લહાવ લીધા. બધાયને બ્રહ્મયજ્ઞ કરાવીને ખેંચી લીધા. કથામાં જે નાદ થાય છે તે બધાય પરભાવના છે. તે શ્રીજીમહારાજનાં ને મહામુક્તનાં વચન છે. અનંત બ્રહ્માંડમાં ફરી વળે તોય આ નાદ ન સંભળાય. શ્રીજીમહારાજને ઘેર આ બધુંય છે. આ તો ચમત્કારિક વાતો થાય છે. એક એક મુનિમાં અનેક મુનિનાં વૃંદ, એવા આ મોંઘા મુક્ત છે. તે શ્રીજીમહારાજે સોંઘા કર્યા છે તેથી મળો છો, વાતો કરો છો, જમાડો છો, આશીર્વાદ લો છો. આ તો મહારાજના પડછંદા છે. મુક્ત તો હજૂરના રહેનારા છે ને મહારસના પાન કરનારા છે. તે રસબસભાવે મૂર્તિના સુખભોક્તા ભેગા ને ભેગા જ.”

પછી બાપાશ્રીએ લાલુભાઈ સામું જોઈને કહ્યું જે, “કેમ લાલુભાઈ! આમ હશે કે નહિ હોય?”

ત્યારે લાલુભાઈ કહે, “બાપા! એમ જ છે. આ દર્શન ક્યાંથી મળે? મહારાજની મૂર્તિમાંથી સુખ લીધા કરે ને સૌને એ સુખ આપ્યા કરે એ અલૌકિક દિવ્ય મૂર્તિનાં દર્શન બધાયને થાય છે. શ્રીજીમહારાજની દયા આ સમે અમારા ઉપર ઘણી છે. આપે તો અમને આ ફેરે ન્યાલ કર્યા છે.”

ત્યારે બાપાશ્રી કહે, “લાલુભાઈ! મહારાજની દયાનું માપ થાય તેવું નથી. અમૃતના સિંધુ ઊલટ્યા છે. કોઈ આવો! કોઈ આવો! ગુણ-અવગુણને નાથ ગણતા નથી. આ ટાણે મહારાજે મોક્ષનાં સદાવ્રત બાંધ્યાં છે.”

રાત્રે કેટલાક હરિભક્તો સમય થઈ જવાથી ગયા અને થોડા હરિભક્તો બેઠેલા તે સેવા કરવા લાગ્યા.

ત્યારે બાપાશ્રીએ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું કે, “સ્વામી! અમારો દેહ હવે ચાલતો નથી. મહાદેવભાઈને ઘેર તેની દીકરીના આજે સંબંધ થવાના હતા તે નિમિત્તે બહુ કરગરીને અમને તેડી ગયા, પણ હવે શરીરમાં થાક જણાય છે. અહીંના હરિભક્તો પ્રેમી બહુ તે મહાદેવભાઈના એક ઘેર જવાનું હતું, પણ આ કહે મારે ઘેર ને ઓ કહે મારે ઘેર, એમ ફળિયામાં ઘેર ઘેર અમને તેડી ગયા. ત્યાં હરિભક્ત કીર્તન બોલે, ઘેર ઘેર ઠાકોરજીની મૂર્તિઓ આગળ ઘીના દીવા બળે, અગરબત્તીના ધૂપ ને જ્યાં જઈએ ત્યાં મેવા આદિકના થાળ જમાડી પ્રસાદી હરિભક્તોને વહેંચે, આરતીઓ થાય, નાનાં નાનાં છોકરાંને લાવી લાવીને ખોળામાં મૂકે, વર્તમાન ધરાવવાનું કહે. એમનાં હેત જોઈને તો અમે ઘણા રાજી થયા. મહારાજની અહીંના સત્સંગ પર બહુ દયા જણાય છે, નહિ તો આવા બળિયા ન હોય. એ તો હેતવાળા, પણ અમારા ભેગા આ આશાભાઈ, મોતીભાઈ, ખીમજીભાઈ આદિ ભેળા હોય તે પણ એમ ન કહે જે, ‘આમને થાક લાગ્યો હશે.’ તે તો મૂળગા એમ કહે જે, ‘બાપા! જાવું ખપે, હરિભક્તો રાજી થાય.’ એવા ભેગા ચાલનારા.”

ત્યારે આશાભાઈ કહે, “બાપા! સૌને તાણ રહી જાય તેથી અમે તો એમ કહીએ.”

ત્યારે સ્વામી વૃંદાવનદાસજી કહે, “બાપા! આ ફેરે આપ અહીં પધાર્યા ત્યારથી થાકનું કે ભૂખનું ક્યાં ગણો છો! આપને તો એમ છે જે બધાય રાજી કેમ થાય.”

ત્યારે બાપાશ્રી કહે, “આ બધું અવરભાવમાં છે. પરભાવમાં તો એક મહારાજની મૂર્તિ જ છે. અનંત મુક્ત એ મૂર્તિ ભેગા છે. મહારાજ નવાં નવાં સુખ આપે છે, મુક્ત એ સુખ ભોગવે છે. ત્યાં ભૂખ કે થાક નથી, ત્યાં તો આનંદ, આનંદ ને આનંદ છે. કોટાનકોટિ કલ્પ વીતી જાય તોપણ એ સુખમાંથી તૃપ્ત ન થવાય એવું મહામોઘું સુખ શ્રીજીમહારાજે આ સમે સોંઘું કર્યું છે.

“અમે તો જ્યા જઈએ ત્યાં સિંહાસનમાં મહારાજની મૂર્તિ વિનાનાં કોઈ ઘર દેખતા નથી. હરતાં ફરતાં નાનાં નાનાં છોકરાં દર્શન કરે, થાળ જમાડીને જમે. આરતીયું બોલે, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ કરે, ઠાકોરજીને જગાડે, પોઢાડે; આવી શ્રીજીમહારાજે નૌતમ રીત ચલાવી છે. તે ઘર બધાંય અક્ષરધામ રૂપ કરી દીધાં છે. અમે શેરીઓમાં નીકળીએ ત્યારે હરિભક્તોનાં નાનાં-મોટાં છોકરાંથી ને બીજા કેટલાક મુમુક્ષુઓથી રસ્તાઓ ભરાઈ જાય છે. સૌને રાજી કરવાનું તાન. કોઈ હાથ જોડે, કોઈ પગે અડે, કોઈ પ્રાર્થના કરે, કોઈ કરગરે; પણ સૌને એમ જે અમારા ઉપર રાજી થાય. અમને પણ એમ થઈ જાય છે જે મહારાજ સૌને મૂર્તિમાં રાખી સુખિયા કરે. સંતો! તમે પણ સૌ દયા કરજો.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા! આપના સંકલ્પ ભેગા સૌના સંકલ્પ. આપ રાજી છો તે તેમનાં ભાગ્યનો પાર ન કહેવાય.”

ત્યારે બાપાશ્રી કહે, “મહારાજ આ ટાણે પાત્ર-કુપાત્ર જોતા નથી. આ વખતે મહારાજે ખંપાળી નાખી છે તેથી નજરે પડ્યો તેનું કામ થઈ જાય છે, પણ જીવને આ જોગનો નવો આદર ને માયામાં ગોથાં બહુ ખાધાં છે તે હજી ફેર ચડી ગયેલા ઊતરતા નથી. મહારાજે ને મોટાએ તો એવો સંકલ્પ કર્યો છે કે કોઈ રહી જાય નહિ. સૌને મૂર્તિમાં રાખવા છે. જુઓને! આ કુંજવિહારી હરિકૃષ્ણ મહારાજ કેવા પ્રતાપી બિરાજે છે! આ ઠેકાણે તો દરિયાનાં પાણી આવતાં તે ઠેકાણે અક્ષરધામ તુલ્ય સ્થાન થઈ ગયાં. મહારાજની ને તમારા જેવા મોટા સંતોની કૃપાનાં આ ફળ છે.”

પછી સેવા કરનારા હરિભક્તો સામું જોઈને કહ્યું કે, “તમે સૌ સેવા કરો છો તે અપરાધ નહિ થાય?”

ત્યારે સોમચંદભાઈએ કહ્યું કે, “બાપા! આ સેવાથી તો અનંત જન્મના અપરાધ ટળે.”

પછી ગોવિંદભાઈ, ગોરધનભાઈ, વલ્લભદાસભાઈ, માવજીભાઈ, ડોસાભાઈ, લાલજીભાઈ આદિ સેવા કરનારા હરિભક્તો કહે, “બાપા! આ સેવા મોંઘી બહુ છે, પણ તમે દયા કરી છે તેથી મળે છે.”

ત્યારે બાપાશ્રી કહે, “આપણને મહારાજ મળ્યા છે તે ન્યાલકરણ છે. તેમના મુક્ત પણ બીજું શું કરે? એ જ કરે. જેને જેને એ મળે તેને મહારાજના સુખે સુખિયા કરે છે. મહારાજ કહે છે કે અનંત મનવારો લાવ્યા છીએ. તે મહારાજના મુક્ત અનંત કોટિ જીવને ખણી ખણીને મૂર્તિમાં મૂકે છે તેથી મહારાજ અનંતગણી મોજ આપે છે. આ બધોય શ્રીજીમહારાજનો દિવ્ય સાજ છે. તે જીવને અભયદાન આપે છે. જુઓને! અહીં લાલુભાઈ જેવા મુક્ત કેવા હેતવાળા છે, કેવા નિર્માની છે! હીરાભાઈ, સાંવલદાસભાઈ પણ એવા. બીજા નાના-મોટા સૌ બળિયા છે. તે સર્વેને મહારાજને રાજી કરતાં સારું આવડે છે. સત્સંગ બધોય દિવ્ય છે એવું જણાય ને સૌનો દાસ થઈને વર્તે તો સુખિયો થતાં વાર ન લાગે એવો આ સમાગમ છે. કેટલાક આવો જોગ હોય તોય માન, સ્વાદ આદિકમાં અટકી પડે છે. આપણે મૂર્તિ વિના ક્યાંય અટકવું નહિ.”

એમ સૂતાં સૂતાં વાતો કરતા હતા ત્યારે સ્વામી વૃંદાવનદાસજીએ કહ્યું કે, “બાપા! મોડું બહુ થયું છે અને આપને આજે થાક લાગ્યો છે તે જરા આરામ કરો.”

ત્યારે બાપાશ્રી કહે, “આપણે તો સદાય આરામ જ છે. મૂર્તિના સુખમાં તૃપ્ત થવાનું નથી. તમ જેવા સંતની દયા થઈ છે તે થાક કે ભૂખ કાંઈ જણાતું નથી.”

ત્યારે સ્વામીશ્રી કહે કે, “બાપા! આપ તો સુખ દેવા આવ્યા છો તેથી સૌને સુખિયા કરો છો. આપ અહીં પધાર્યા ને અમને ભેગા લીધા તેથી અમને પણ લહાવ છે ને!”

ત્યારે બાપાશ્રી કહે, “‘બડા બડાઈ ન કહે બડા ન બોલે બોલ, હીરા મુખસે ના કહે લાખ અમારા મોલ’ તેમ તમારી વાતો અમે જાણીએ છીએ. આપણા ગુરુ સ્વામી નિર્ગુણદાસજી કહેતા કે, ‘મઢી નાની ને બાવો મોટા’ એમ આ ટાણે બન્યું છે. સૌ મહારાજની કૃપાએ સુખિયા છે. સાજો સત્સંગ દિવ્ય. કરાંચી શહેર આ ટાણે અક્ષરધામ બની ગયું છે. આ બધોય શ્રીજીમહારાજનો પ્રતાપ છે. આમ ને આમ સૌ મૂર્તિના સુખમાં કિલ્લોલ કરજો.” એ આશીર્વાદ આપ્યો. ।।૬૯।।