સંવત ૧૯૪૮ના આસો સુદ-૧ને રોજ એક વાગે રાત્રિએ (બાપાશ્રીએ કહ્યું હતું તે પ્રમાણે) સ્વામીશ્રીએ દેહોત્સવ કર્યો તે વખતે સ્વામીશ્રી અક્ષરજીવનદાસજી મંડળે સહિત વૃષપુર હતા. તેમને તથા ગામના હરિભક્તોને બાપાશ્રીએ જગાડીને કહ્યું જે, “આપણા ગુરુ આ વખતે અમદાવાદમાં અંતર્ધાન થયા, માટે આપણે સૌ સ્નાન કરીએ.” પછી સર્વ નાહ્યા. સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સ્વામીશ્રીની આજ્ઞાથી સ્વામીશ્રી ધામમાં ગયા ત્યારથી બાપાશ્રીનો જોગ-સમાગમ કરતા હતા અને રામજીભાઈ તો એ વાત ભૂલી ગયા. તેને બાર મહિના થઈ ગયા.

ત્યારે બાર મહિને સદ્‌. શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ દિવ્યરૂપે દર્શન આપીને કહ્યું જે, “તમને મેં મુક્તરાજ અબજીભાઈનો સમાગમ કરવાનું કહ્યું હતું તે કેમ ભૂલી ગયા?” પછી રામજીભાઈ સ્વામીશ્રીની આજ્ઞાથી બાપાશ્રીનાં દર્શને ગયા. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “રામજીભાઈ! તમે સ્વામીશ્રીને ફેર દાખડો કરાવ્યો ને!” એમ કહીને મળ્યા. પછી પાસે બેસારીને કહ્યું જે, “તમે તો અમારા જૂના સેવક છો.” એમ કહીને પૂર્વની સ્મૃતિ કરાવી એટલે રામજીભાઈને બાપાશ્રી સાથે એકતા થઈ ગઈ. પછી રામજીભાઈએ જે જે વર માગ્યા તે પ્રમાણે સર્વે આપ્યા.

એવી રીતે થોડા દિવસ રહી જ્યારે પાછા દેશ તરફ જવા નીકળ્યા ત્યારે બાપાશ્રીએ મહારાજના અલૌકિક પ્રતાપની વાતો કરી સુખ આપેલાં તેનું ચિંતવન કરતાં આનંદમાં ને આનંદમાં ચાલ્યા જતા હતા. ત્યાં બાપાશ્રીએ આપેલાં વચનોની પરીક્ષા કરવાનો સંકલ્પ થયો એટલામાં તો તેજનો મોટો સમૂહ પોતા પાસે હમહમાટ શબ્દ કરતો ચાલ્યો આવે. તે જોઈને રામજીભાઈ ઝબક્યા ને બેસી ગયા. ત્યાં તો એ તેજ નજીક આવ્યું ને એમના દેહ સોંસરું થઈને વૃષપુર તરફ ચાલ્યું ગયું ને પોતે તો બાપાશ્રીનો પ્રતાપ જાણી રાજી થયા થકા ઘેર ગયા. પછી રામજીભાઈ ઘણીવાર કચ્છમાં જઈને બાપાશ્રીનો સમાગમ કરતા, અને કેટલાક સાધુઓને પણ પોતાનું ભાડું આપીને કચ્છમાં તેડી જતા. એમ ઘણા સંત-હરિભક્તોને બાપાશ્રીની ઓળખાણ પડાવીને શ્રીજીમહારાજના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું. ।।૫।।