એક સમયે રાત્રિએ બાપાશ્રી વાડીએ ન ગયા અને સંતો પાસે પોઢી રહ્યા. તે રાત્રિના દોઢ વાગે સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “વાડીમાં સૂવર પેસી ગયાં છે તે બાજરામાં ભંજવાડ કરે છે અને છોકરાઓ ઊંઘી ગયા છે ને રખવાળ બીજે ગયો છે, માટે અમારે જાવું પડશે.”

ત્યારે સ્વામી કહે જે, “ભલે, પધારો.”

પછી બાપાશ્રી વાડીએ જતા હતા ત્યાં ડાબા હાથ તરફ એક ઓટો છે તેમાં જન રહેતો હતો તે વળગવા આવ્યો. તેને પોતાની મૂર્તિમાંથી તેજ દેખાડ્યું તેથી તેજમાં અંજાઈ ગયો ને ઊભો થઈ રહ્યો. પછી બાપાશ્રી તો ચાલ્યા ગયા ને તેજ જોઈને સૂવર પણ ભાગી ગયાં ને પછી તેજ સંકેલી લીધું. તે જોઈને જનને આશ્ચર્ય થયું જે આ તો બહુ સમર્થ લાગે છે. પછી તે બાપાશ્રીનાં પગલાં પડેલાં હતાં તેમાં આળોટ્યો તેથી તેની બુદ્ધિ નિર્મળ થઈ એટલે ત્યાં ને ત્યાં ઊભો રહ્યો.

પછી બાપાશ્રી જ્યારે વાડીએથી પાછા મંદિર જતા હતા ત્યારે તેમના પગમાં પડ્યો ને પ્રાર્થના કરવા મંડ્યો જે, “તમે તો મહા સમર્થ છો તે તમારા પ્રતાપે મારું કલ્યાણ કરો. મેં તો બહુ જીવ લીધા છે ને અત્યંત પાપી છું, પણ તમારાં દર્શન નિત્ય થાય છે એટલું પુણ્ય છે. હું તમારે શરણે આવ્યો છું ને તમે તો મોક્ષદાતા છો માટે મારો મોક્ષ કરો.” ત્યારે બાપાશ્રીએ તેને કહ્યું જે, “જા બદરિકાશ્રમમાં.” પછી તે બોલ્યો જે, “જ્યાં તમારાં દર્શન થતાં હોય ત્યાં મૂકો.” પછી બાપાશ્રીએ તેના ઉપર દયા લાવી પોતાની ઓઢેલી પછેડી હતી તેનો છેડો મારીને કહ્યું જે, “જા અક્ષરધામમાં.” એમ તે જનનો મોક્ષ કર્યો. પછી આ વાત બાપાશ્રીએ મંદિરમાં જઈને સ્વામી ઈશ્વરચરણદાસજીને કહી. ।।૪૯।।