સંવત ૧૯૬૭ના ફાગણ વદ-૧૦ને રોજ બપોરે સભામાં સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, “જ્યારે જીવને વ્યતિરેક મૂર્તિનો સાક્ષાત્કાર થાય છે ત્યારે જીવ ભગવાનની સમીપે જતો હશે કે મહારાજ જીવની સમીપે આવતા હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જ્યારે જીવને અનાદિમુક્તનો જોગ થાય છે અને જીવ પોતાના મનનું ગમતું મૂકીને અને કામ, ક્રોધ, લોભ, માન, અહંકાર, મોહ આદિક સર્વે દોષ ટાળીને મોટાને જીવ સોંપી દે અને આત્મબુદ્ધિ ને દૃઢ પ્રીતિ કરે અને અનુવૃત્તિમાં રહે ને ખરો ગરજવાન અને દીન થાય ત્યારે મોટા પ્રસન્ન થઈને એના પડદા ટાળી નાખે ને મૂર્તિ દેખાય. એવી રીતે અનાદિમુક્ત પમાડે છે, પણ મહારાજને કે જીવને આવવું-જવું પડતું નથી. જેમ કોઈકને ઘેર મહેમાન આવે તેને ઘરધણી જે જમે તે જમાડે, તેમ મોટા પાસે મહારાજની મૂર્તિ છે, તે જે આશરે થાય તેને આપે છે.”

“આજ અમૃતનું નોતરું આવ્યું છે. જેમ વરસાદ વરસે છે ત્યારે ઘણા પ્રકારના રસ, મેવા આદિક થાય છે; તેમ આજ મહારાજ ને મુક્ત પ્રગટ થયા છીએ, તે સર્વે જીવોને મુક્ત કરીને મહારાજની મૂર્તિનું સુખ જેવું છે એવું જ આપવું છે. અમારે પારકા-પોતાના કોઈ નથી. મોટાનો જોગ કરીને મહિમા જાણ્યો હોય તેને કદાપિ માયિક સંકલ્પ થાય તે વખતે જો આવા મોટાને સંભારે તો એના સંકલ્પનો નાશ કરે. વળી ગમે એવો વિષમ દેશકાળ હોય, પણ જો શ્રીજીમહારાજને અને મુક્તને સાથે રાખે તો એનો ભાર નહિ જે એ નડી શકે.”

“મહારાજનો મહિમા યથાર્થ જાણ્યો હોય તેને બહુ સુખ આવે. જેમ ભોજન એક હોય ને પીરસનાર પણ એક હોય, પણ જમનારની રુચિ પ્રમાણે જમાય છે; તેમ મહારાજનું સુખ મુક્ત આપે છે, પણ જેટલો મહિમા ને જેટલો વિશ્વાસ ને જેટલી શ્રદ્ધા તે પ્રમાણે લેવાય છે. જેમ સાજો જમે તેટલું માંદાથી ન જમાય તેમ. આ સત્સંગમાં ઘાટ ન થાય એવા મુક્ત ઘણા હોય, પણ બીજાના ઘાટને ટાળી નાખે એવા મુક્તની સાથે દૃઢ પ્રીતિ ને આત્મબુદ્ધિ કરવી; ને એવા સમર્થનો જ જોગ કરવો.”

“આજ મહાપ્રભુજી તથા મુક્ત કૃપાસાધ્ય છે, તે જેમ રાજાને એક એરંડાકાકડી (પોપૈયો) આપે તેમાં રાજ્ય આપી દે; તેમ આપણે આજ્ઞા પાળીએ તે એરંડાકાકડી આપ્યા જેટલું છે તેમાં મૂર્તિનું સુખ આપી દે. મહારાજની મૂર્તિનો જેટલો મહિમા જાણે છે તે પ્રમાણે સુખ આવે છે તે ત્યાં સર્વે બતાવશું.” એ વર દીધો. ।।૯૭।।