સંવત ૧૯૬૫ના ચૈત્ર સુદ-૩ને રોજ રાત્રિએ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “જો શ્રીજીમહારાજને અને મોટાને અંતર્યામી જાણે તો એકેય ક્રિયા સત્સંગથી વિરુદ્ધ થાય નહિ, ને આજ્ઞા પાળવામાં તથા જપ-તપ કરવામાં શ્રદ્ધા આવે, ને મહારાજને સજાતિ પણ ત્યારે જ થવાય. પણ અંતર્યામીપણું જણાતું નથી તે નિશ્ચયમાં અને મહિમામાં ખામી છે. એ જ્ઞાનરૂપી યજ્ઞ થયો, તેનું પ્રમાણ થાય નહિ એવો દિવ્ય યજ્ઞ થયો છે. મોટા પુરુષની અને મહારાજની કૃપા થાય તો જન્માંતરે કસર ટળવાની હોય તે આ જન્મે જ ટળી જાય ને પૂરું થઈ જાય. જો મહારાજનાં વચનથી બહાર પડે એટલે નિષ્કામ, નિર્લોભ એ વર્તમાનમાં ફેર પાડે, તો મોટો વિમુખ કહેવાય; ને તેનો તો વિશ્વાસ થાય જ નહિ. ક્રિયા એટલે વર્તમાન એકેય પાળવું નહિ અને બેસવું મહારાજના ઘરમાં, તે તો બહુ કઠણ છે. માટે મહારાજનાં વચન પાળીને મહારાજને વશ કરવા. ‘મેં વ્હાલો વશ કીધા, વ્હાલે મુજને વશ કીધી, સામાસામી પાન બીડી દીધી ને લીધી.’” એમ બોલ્યા.

પછી બોલ્યા જે, “જેમ કોઈક અવળી ક્રિયા કરે તેને કેદમાં પડવું પડે, તેમ આજ્ઞા લોપે તેને આગળ દુઃખ આવે; પણ જીવે આગળ જે જે વિષય ભોગવ્યા છે ને દીઠા છે તે ટળતા નથી. એ મલિન સ્વભાવ છે, તે જતા નથી. આ લોકમાં દ્રવ્ય ઝાઝું મળે તો ગાંડુ થઈ જવાય; તો શ્રીજીમહારાજનું દિવ્ય સુખ આવે તો કેટલો બધો આનંદ થવો જોઈએ! પણ જીવને મહારાજનું સુખ ઓળખાતું નથી અને સત્સંગમાં સેવા કરવા યોગ્ય ને ન કરવા યોગ્ય એવા સંત-હરિજનો તે પણ ઓળખાતા નથી. જો સમાગમ કરવા યોગ્ય અને સેવા કરવા યોગ્ય એવા સંત-હરિજનોને ઓળખીને તેમનો સમાગમ કરીને, અવતાર-અવતારીનો ભેદ સમજીને, અવતારી એવા જે શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમનો દૃઢ આશ્રય કરીને, તેમની મૂર્તિમાં જોડાઈ જાય તો સુખિયો થાય.” ।।૮૮।।