સંવત ૧૯૬૩ના વૈશાખ સુદ-૧૧ને રોજ રાત્રે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “જીવુબા, લાડુબા અને રાજબાઈએ શું કર્યું તે કૃપા કરીને કહો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અનંત જીવોના ઉદ્ધાર કરવાને અર્થે શ્રીજીમહારાજે અહીં પ્રગટ મનુષ્યરૂપે દેખાવાનો સંકલ્પ કર્યો ત્યારે ઘણાક મુક્તોને આજ્ઞા કરી જે, ‘તમે સર્વે કોઈક સ્ત્રીરૂપે અને કોઈક પુરુષરૂપે દેખાઈને જીવનો ઉદ્ધાર કરો.’ તે આજ્ઞા મુક્તોએ માથે ચઢાવી ને તે પ્રમાણે જુદા જુદા વર્ણમાં દર્શન આપ્યાં.”

“જીવુબા, લાડુબા અને રાજબાઈને કહ્યું જે, ‘તમે કાઠીની નાતમાં સ્ત્રીરૂપે દેખાઓ.’ તેમણે મહારાજની પ્રાર્થના કરી જે, ‘હે મહારાજ! અમે સ્ત્રી આકારે દેખાઈએ તો લોકની રીતિ પ્રમાણે સભામાં આપની પાસે સંત તથા પુરુષો બેઠા હોય ત્યાં અમારાથી બેસાય નહિ. બીજું અમારાં મા-બાપ અમને જીવ સાથે પરણાવે તે અમારે મોટું લાંછન આવે. તમે જે વાર્તા કરો અને પ્રશ્ન-ઉત્તર થાય તે અમારા સાંભળ્યામાં આવે નહિ. વળી આપ દેશ-વિદેશ વિચરો ત્યાં અમારાથી સાથે અવાય નહિ અને તમે જે જે લીલા કરો તે અમારા જોયામાં આવે નહિ. માટે અમે સ્ત્રી આકારે દેખાવામાં ખુશી નથી.’ ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, ‘મર્ત્યલોકમાં તમે ને અમે ભેળાં એક સ્થાનમાં રહીશું. તમને નિરાવરણ રાખશું તે અમારી સર્વે લીલા ઘેર બેઠાં થકાં દેખશો અને તમને પુરુષનો સ્પર્શ થવા નહિ દઈએ.’ પછી તેમણે તે આજ્ઞા માથે ચઢાવીને સ્ત્રી આકારે દેખાયાં અને મહારાજ પણ એમને ઘેર પોતાનું ઘર કરીને રહ્યા.”

“રાજબાઈને એમનાં પિયરિયાંએ પરાણે પરણાવવાનું કર્યું ને ખાંડું પણ તેડવા આવ્યું. ને તેડીને સાસરે વહેલ પહોંચી ત્યાં તો રાજબાઈનું સ્વરૂપ સિંહના જેવું દેખીને પાછાં વાળી મૂક્યાં. એમણે સર્વ સંબંધીનો તથા દેહનો અનાદર કરીને શ્રીજીમહારાજની પ્રસન્નતાનાં ઘણાં સાધન કર્યાં. પાશેર અનાજ ખાવું, પૃથ્વી ઉપર સૂવું, પાંચસો માળા ફેરવવી અને પુરુષથી વીશ હાથ છેટે ચાલવું; એવા નિયમ રાખીને શ્રીજીમહારાજને પ્રસન્ન કર્યા હતા.”

“જીવુબાનું પણ કુંડળમાં મામૈયા પટગર સાથે સગપણ કર્યું હતું. પછી જીવુબાએ મામૈયા પટગરની માતુશ્રી રાઈબાઈને કહ્યું જે, ‘મારે તો વ્યવહાર કરવો નથી; ભગવાન ભજવા છે.’ પછી રાઈબાઈએ રાજી થઈને રજા આપીને ગઢડે મોકલી દીધાં.”

“લાડુબાઈનું ખાંડું એમને સાસરે જતું હતું. તે ગામમાં ધાડું પડ્યું હતું તેની કેડે વ્હાર ચઢી હતી. તેમાં જે છોકરા સાથે લાડુબાઈનું સગપણ કર્યું હતું તે છોકરો વ્હારે ગયેલો તે મરાણો; તેથી લાડુબાઈ ગઢડે આવતાં રહ્યાં.”

“એવી રીતે એ ત્રણેની શ્રીજીમહારાજે રક્ષા કરી અને એ ત્રણેએ શ્રીજીમહારાજના ભેળાં રહીને શ્રીજીમહારાજની પ્રસન્નતાનાં સાધન કર્યાં.” ।।૫૮।।