(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૧૦) બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “મહારાજ તથા તેમના અનાદિમુક્તને વિષે દિવ્યપણું સમજવું અને દિવ્યપણામાં મનુષ્યપણું જાણવું, તે શું? તો તેમના દુઃખે દુઃખી અને તેમના સુખે સુખી થાવું, પણ મોટાને દુઃખ થતું હોય તો જાણે કે એમને શું ફિકર છે? એવું નિર્દયપણું ન રાખવું. એમ મોટા મુક્તના દુઃખમાં ભાગ રાખવો.”

પછી એમ કહ્યું જે, “મોટા અનાદિના જે શબ્દ છે તે ઇંદ્રિયો-અંતઃકરણ ઝીલી શકતાં નથી. એ શબ્દને તો જીવ ઝીલવા સમર્થ છે. માટે જે જે શબ્દ મોટા અનાદિ થકી નીકળે તેને શ્રવણ, મનન, નિદિધ્યાસ કરી જીવમાં ઉતારી દેવા; તો જેમ કીટ મટીને ભમરી થઈ જાય છે તેમ તત્કાળ મોટાના જેવું થઈ જવાય છે. પણ જો ગાફલાઈ હોય તો શબ્દ જતા રહે.”

પછી એમ બોલ્યા જે, “એક હરિભક્તે ચરણારવિંદનું માહાત્મ્ય જાણીને સંત પાસેથી ચોરી લીધાં. તે સારા હરિભક્ત ગણાતા હતા, પણ એમ વિચાર ન થયો જે હું ચરણારવિંદનું માહાત્મ્ય જાણું છું; પણ જેનાં આ ચરણારવિંદ પાડેલાં છે તેનું તો માહાત્મ્ય કાંઈ સમજાણું નહિ અને ઊલટું કુરાજી થાય એવું ચોરીનું કર્મ કર્યું, માટે એમ કોઈએ ન કરવું. મહારાજ તથા મોટા અનાદિમુક્તનો મહિમા અતિશે જાણવો. જો રાત હોય ત્યારે એ દિવસ કહે તો દિવસ જ છે, અને દિવસ હોય ત્યારે કહે કે અડધી રાત છે તો રાત જ છે એમ બરાબર નિઃસંશયપણે માને; કેમ કે એમને દિવસ કે રાત્રિ એવું આવરણ નથી; એમ સમજે તો તે ખરેખરો વિશ્વાસી કહેવાય. પછી તેને મહારાજનું અને મોટાનું સુખ જેમ છે તેમ સમજાય.”

એ ઉપર શ્રીજીમહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહેવરાવ્યું હતું એ વાત કહીને બોલ્યા જે, “મહારાજ અને મોટા મુક્ત કહેતા હોય તે તો બરાબર હોય, સત્ય હોય, પણ તે જીવ જાણી શકે નહિ; કેમ કે મહારાજ અને મોટાની અલૌકિક દૃષ્ટિ અને જીવની માયિક દૃષ્ટિ તેથી તેને તે વાતમાં ગમ પડે નહિ ને મોટાની વાતમાં ચાંચ ખૂંચે નહિ. જો તે એમ જાણે જે મોટા અનાદિ અને મહારાજ તો કેવળ જીવના રૂડા માટે જ પધાર્યા છે, તેથી કોઈ જીવનું બગડે નહિ એવું જ તે કહે. વળી તેમને જીવ થકી કાંઈ બીજો સ્વાર્થ સાધવો નથી ને જીવ ઉપર તેમને કાંઈ વેર નથી જે અવળે રસ્તે ચડાવે. એવી સમજણ ન આવે ત્યાં સુધી દુખિયો મટે નહિ. મહારાજ ને મોટા મુક્ત તો કેવળ જીવોનાં કલ્યાણ માટે પ્રવર્તેલા છે એમ સર્વે વાતમાં સમજે તો તેને કોઈ વચન માનવું કઠણ ન પડે, પણ પોતા જેવા જ મોટા મુક્તને સમજીને અજ્ઞાન દૃષ્ટિએ સોતો એમનો જોગ કરે, તો તેને જે વાત સમજવાની છે તેની ઘેડ્ય ક્યાંથી બેસે! ન જ બેસે. માટે અનાદિને અને મહારાજને દિવ્ય જાણીને પોતાના અજ્ઞાનપણાને મૂકીને દર્શન, સ્પર્શ, જોગ, સમાગમ કરે તો તે ઠીક ગણાય. મોટા અનાદિ ને મહારાજ તે તો કૃપાસાધ્ય છે. તેમની અપાર દયા છે, કરુણાના સાગર છે.” એમ કૃપા કરીને વાત કરી. ।।૭૯।।