(સંવત ૧૯૮૩, ફાગણ વદ અમાસ) બાપાશ્રી આજે પધારવાના હોવાથી એક પછી એક હરિભક્તો બાપાશ્રીની તથા સંતોની ચંદન-પુષ્પહારથી પૂજા કરવા લાગ્યા. ફળ, મેવા આદિ ભેટ મૂકે, હાથ જોડે, દંડવત કરે. બાપાશ્રી સૌને બેઠા થઈ મળે, માથે હાથ મૂકે, કોઈને રમૂજ કરી હસાવે, કોઈને વ્યાવહારિક દુઃખ હોય તેને ‘મહારાજ સારું કરશે’ એમ આશીર્વાદ આપે. એવી રીતે ઘણાક હરિભક્તો વારાફરતી દર્શનનો લહાવો લેતા તેથી સભામંડપ હરિભક્તોથી ઊભરાઈ જતો હતો. સૌને હજી એ જ તાણ કે બાપાશ્રી તથા સંતો રોકાય તો ઠીક, પણ કોઈ બોલી શકે નહિ. બાપાશ્રી તેમનો આવો સ્નેહભાવ જોઈ અતિશે રાજી થઈ સૌને મૂર્તિમાં રાખવાનાં વરદાન આપી પ્રસન્ન કરતાં, મધુર વચને બોલાવતાં, સર્વ હરિભક્તો પર અમૃત નજર કરી આશીર્વાદ આપતાં, બ્રહ્મચારી તથા હરિભક્ત નાના-મોટા સર્વને મળ્યા ને સૌને જય સ્વામિનારાયણ કહી આગબોટ પર જવા ગાડીમાં બેઠા.

હરિભક્તોની ભીડ તથા મંદિર બહાર બાઈઓનો સમૂહ તે સર્વે બાપાશ્રીનાં ચાલવા સમયનાં દર્શન કરતાં હતાં. સૌને જય સ્વામિનારાયણ કહી, કિયામાડી પર હરિભક્તો રહેતા હતા તેમની તાણે તેમને ઘેર દર્શન દઈ સર્વેને રાજી કરી બાપાશ્રી બંદર પર પધાર્યા.

સમુદ્ર કિનારે હજારો મુમુક્ષુ તથા સંત-હરિભક્તો આવેલાં. નાજુભાઈ પ્રેમભર્યાં કીર્તન બોલાવે, હરિભક્તો ઝીલે. નારાયણપુરના ખીમજીભાઈ આગબોટમાં ઊભા રહી કીર્તન બોલતા હતા. એવી રીતે બાપાશ્રીને સૌએ પ્રસન્ન કર્યા. હરિભક્તો આગબોટ પર જઈ ચંદન-હારથી પૂજા કરતા, પ્રાર્થના કરતા. કેટલાક તો આગબોટ પાસે હરિભક્તો ઊભા રહેલા તે દર્શનની તાણે આઘા ખસે નહિ. બાપાશ્રીને રાજી કરવા કેટલાક નીચે હાથ જોડી ઊભા રહેલા. તે વખતે બાપાશ્રીને હરિભક્તો હાર પહેરાવતા તે પાઘડીમાં અટકી રહેતા હોવાથી માથા પરની પાઘડી ઉતારી એક ટૂંકું ધોતિયું માથે બાંધ્યું. જાડા કેડિયાએ સહિત ધોતિયું પહેરેલ, ભાલમાં હરિભક્તોએ ચંદન ઝાઝું ચરચેલ અને કંઠમાં ઘણાક હારે સહિત એવા બાપાશ્રીનાં અલૌકિક દર્શન કાંઠે ઊભા રહેલા સર્વને થતાં હતાં.

પછી સૌને જય સ્વામિનારાયણ કરી આગબોટ પર ઊભા રહેલા પરમ કૃપાળુ બાપાશ્રીએ પોતાને ભેટ આવેલાં ફળોમાંથી અતિ ભીડને લીધે નીચે ઊભેલા સદ્‌ગુરુ સ્વામી આદિ સંતોને આપવા એક પછી એક ફળ નાંખવા માંડ્યાં. ‘લ્યો! સ્વામી વૃંદાવનદાસજી, લ્યો! સ્વામી ઈશ્વરચરણદાસજી, પુરાણી હરિપ્રસાદદાસજી, દેવજીવનદાસજી, મુક્તવલ્લભદાસજી, આ પુરાણી ધર્મકિશોરદાસજી, આ આશાભાઈ’; એમ કહી ફળ આપવા માંડ્યાં. તે જેને આપે તેના જ હાથમાં આવે. એ જોઈ ઘણાક મુમુક્ષુજનો આશ્ચર્ય પામ્યા. એમ એ વખતે અદ્‌ભુત પ્રતાપ જણાવ્યો.

જ્યારે સમય થયો ત્યારે આગબોટ ચાલી. સૌ નીચે ઊભેલા હરિભક્તો દંડવત કરવા લાગ્યા. આગબોટમાં બાપાશ્રી પોતાના બેય હાથ ઊંચા કરી અભયદાનરૂપ આશીર્વાદ આપતાં ‘રાખો, રાખો’ એમ કહેવા લાગ્યા. સૌ હાથ જોડી જય સ્વામિનારાયણ કરતા હતા. આગબોટમાં ઊભેલા બાપાશ્રીની સાથે આવેલા હરિભક્તો પણ સૌને જય સ્વામિનારાયણ કરતા હતા. તે વખતે એ દિવ્ય સમૂહ પર સર્વત્ર ચંદનનાં છાંટણાં પડ્યાં તેથી સૌને આનંદ આનંદ થઈ રહ્યો. એ પ્રકારે બાપાશ્રીનાં અલૌકિક દર્શન આગબોટ ચાલતાં સૌને થયાં. આવી રીતે બાપાશ્રી સૌને આત્યંતિક મોક્ષના આશીર્વાદ આપી કચ્છમાં પધાર્યા.

આ વખતે બાપાશ્રી કૃપા કરી પંદર દિવસ કરાંચીમાં રહ્યા તેમાં અનેક મુમુક્ષુજનો ન્યાલ થયા. સવારે જાગતા ત્યારથી સંત-હરિભક્તોનો સમૂહ પાસે બેઠેલ હોય તે રાત્રે સૂએ ત્યાં સુધી એક પછી એક હરિભક્ત આવ્યા જ કરે. કેટલાક તો વ્યવહારનાં કામ મૂકી પાસે રહી દર્શન-સેવાનો લાભ લીધા જ કરતા.

સવારે મંગળા આરતી થાય તે પહેલાં તો બાપાશ્રી નિત્યવિધિ પૂજા આદિક કરી લે. હરિભક્તો એ ટાણે પ્રભાતિયાં બોલે, પુષ્પહારથી પૂજા કરે, મળે, ચંદન ચર્ચે. તે વખતે વાતોનો પ્રસંગ નીકળે અથવા તો પોતે કૃપા કરીને વાતો કરવા માંડે તે કલાક-બે કલાક થઈ જાય. વાતોમાં મહારાજની મૂર્તિનું જ વર્ણન, દિવ્ય મૂર્તિ, દિવ્ય સભા, દિવ્ય મુક્ત, દિવ્ય ધામ, દિવ્ય પુષ્પ, દિવ્ય પૂજા, દિવ્ય ક્રિયા એમ સર્વત્ર દિવ્યભાવ રાખવાની ચમત્કારી વાતો થાય. પછી ઠાકોરજીની શણગાર આરતી થયા પછી રાજભોગ આરતી સુધી સભામાં, વળી બપોરે મેડા પર કથા-વાર્તા થતી. સાંજે સંધ્યા આરતી પછીથી રાત્રે ૧૨ વાગ્યા સુધી સભામાં તથા આસને હરિભક્તો બેઠા જ હોય.

બાપાશ્રી જ્યારે વાતો કરવા માંડે ત્યારે સંત-હરિભક્તોને શાંતિ શાંતિ થઈ જાય. મૂર્તિના સુખની, રસબસ રાખ્યાની, મહારસનું પાન કર્યાની, અઢળક ઢળ્યાની, દિવ્યભાવની, માહાત્મ્યજ્ઞાનની, એવી વારંવાર નવીન નવીન વાતો થાય. વળી કેટલાક રોગે કરીને પીડાતા મુમુક્ષુ દર્શને આવતા તે પ્રાર્થના કરી આશીર્વાદ લઈ સાજા થતા, તો કોઈ ભૂત-પ્રેતના વળગાડવાળા દર્શને આવી દુઃખથી નિવૃત્ત થતા. આવી રીતે અનેક પ્રકારે હરિભક્તોને બાપાશ્રીએ કરાંચીમાં પધારી શ્રીજીમહારાજનું અલૌકિક સુખ આપવાની સાથે દૈહિક દુઃખ ટાળી સુખિયા કરી મૂક્યા.

ઘણાંક બાળકોને તેનાં સગાં-વહાલાંઓ શરણે લાવી અનેક જન્મનાં કર્મથી રહિત કરી શ્રીજીમહારાજના કૃપાપાત્ર ને મોક્ષના અધિકારી કરી ગયા. કેટલાક પોતાના ભૂલથી થયેલ દોષોની માફી માગી શુદ્ધ થયા. એમ અનેક જીવોનાં આત્યંતિક મોક્ષનું દ્વાર ઉઘાડતાં બાપાશ્રીએ કરાંચીમાં આ વખતે બહુ પ્રતાપ જણાવ્યો. સભામાં મહારાજના અલૌકિક પ્રતાપની એવી ચમત્કારી વાતો કરતા કે જે હરિભક્ત દર્શને આવે તે ત્યાંથી જઈ શકે જ નહિ. કેટલાય હરિભક્તો પુષ્પના હાર લાવી સભામાં પૂજા કરતા. એમ અનેક રીતે પોતાને વિષે હેતવાળા તથા ગુણબુદ્ધિવાળા હરિભક્તોને તથા મુમુક્ષુઓને સુખિયા કર્યા.

વળી સભામાં હરિભક્તોને ઘેર અથવા બીજે જે જે સ્થળે બાપાશ્રી જતા ત્યાં વારંવાર એવાં વચનો બોલતા જે, “આ બધું અક્ષરધામરૂપ છે, આ સર્વે તેજોમય છે. મહારાજની મૂર્તિમાં અનંત મુક્ત રસબસભાવે સુખ લીધા કરે છે, સભા ભેળી જ છે, આપણને આ દિવ્ય પ્રાપ્તિ થઈ છે, માટે હલરવલર ન કરવું. પ્રકૃતિનાં કાર્યમાં ક્યાંય ખોટી ન થાવું. આ સભાના સંકલ્પ ચાલે છે, આ સભા સનાતન છે, આ સભામાં મહારાજ પ્રત્યક્ષ બિરાજે છે, જમે છે, રમે છે, દર્શન દે છે, પોતાના આશ્રિતોની રક્ષા કરે છે, આપણા ઉપર મહારાજની અમૃતનજર છે. અમે તો સૌને એ મૂર્તિમાં રાખીએ છીએ. અમારું કામ ને અમારો વેપાર એ જ છે. કોઈ લો! કોઈ લો! આ સમે મહારાજ અઢળક ઢળ્યા છે. એમના અનાદિમુક્ત પણ એ મૂર્તિની પ્રાપ્તિ કરાવવા આવ્યા છે. આવો અવસર કોઈ વંજાવશો નહિ. આ ટાણું બહુ દુર્લભ છે. આ સમે કાંઈના કાંઈ કામ થઈ જાય છે. પુરુષકોટિ, બ્રહ્મકોટિ તથા અક્ષરકોટિ આદિને મહાપ્રભુ શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અગમ છે, તે આપણને દયા કરી શ્રીજીમહારાજના લાડીલા અનાદિમુક્તોએ સુગમ કરી છે. આ અવસરે બહુ ભારે કામ થાય છે.”

એવાં દિવ્યભાવનાં વચનોથી સંત-હરિભક્તો ઘણા જ રાજી થતા. હંમેશાં નવીન પ્રસાદીઓ વહેંચાય, આશીર્વાદ લેવાય, દર્શન-સેવા થાય, તેથી હરિભક્તો હેતમાં ગરકાવ થઈ રહેતા. એમ કરાંચીમાં પંદર દિવસ સુધી બાપાશ્રીએ અનેક પ્રકારે મૂર્તિનાં સુખ પમાડ્યાં. ચમત્કારી વાતો કરી તેથી સૌ સંત-હરિભક્તો બાઈ-ભાઈ દિવ્યભાવે એ મહારસનું પાન કરે ને જેમ શ્રીજીમહારાજનું દિવ્ય સુખ, દિવ્ય સ્વરૂપ, દિવ્ય સામર્થી વર્ણવી છે તેમ હૃદયમાં ઉતારી તથા મહાપ્રભુના લાડીલા અનાદિ મહામુક્ત જે અહોનિશ મૂર્તિના સુખરૂપ અમૃતરસ પાન કરનારા છે, તેમનો અલૌકિક પ્રતાપ વિચારી આ લૌકિક સુખને અસાર જાણી દિવ્ય સુખની ત્વરા કરી પોતાનો મોક્ષ સાધી લેશે, તેના પર શ્રીજીમહારાજ તથા અનાદિ મહામુક્તરાજ બાપાશ્રીની પ્રસન્નતા થશે.

આથી પહેલાં ત્રણ વખત બાપાશ્રી કરાંચીમાં પધારેલા તે વખતે પણ આવી જ રીતે નવાં નવાં સુખ આપેલાં. તેનું યથાર્થ વર્ણન જો લખાયું હોત તો બાપાશ્રીના અધ્યાત્મજ્ઞાનની વાતોનું પુસ્તક ફક્ત આ શહેરમાં આઠ દિવસ, દસ દિવસ કે પંદર દિવસ રહ્યા તેટલામાં જ લખાત. પણ જ્યારે અનરાધાર વરસાદ વરસે ત્યારે તે વરસાદનું માહાત્મ્ય એટલું બધું જાણી શકાય નહિ. પણ જ્યારે વરસાદની તાણ હોય છે ત્યારે તેનો મહિમા સમજાય છે.

તેમ શ્રીજીમહારાજની સાથે આવેલા અને મૂર્તિમાં રસબસ રહેનારા અનાદિ મુક્તરાજ સદ્‌. શ્રી ગોપાળાનંદ સ્વામી આદિ સંતો તથા અ.મુ. પર્વતભાઈ જેવા મહાસમર્થ મુક્તોએ અનંત શરણાગતને મૂર્તિનો સાક્ષાત્કાર કરાવી અનંત અદ્‌ભુત કાર્યો કર્યાં. તે વખતે શ્રીજીમહારાજે પરચા, ચમત્કાર, ઐશ્વર્ય, સામર્થી પોતે તથા પોતાના આવા મહાપ્રતાપી મુક્તો દ્વારાએ દેખાડવા સંકલ્પ કરેલો તેથી અનંત જીવને સહેજે કારણ મૂર્તિની સાક્ષાત્કાર પ્રાપ્તિ થઈ. તોપણ આવા અધ્યાત્મ લખાણથી શ્રીજીમહારાજનો અલૌકિક દિવ્યભાવ, સર્વોપરી મહિમા તથા કારણપણું, આધારપણું, અનવધિકાતિશયપણું, નિયામકપણું, એ આદિક અનેક રીતે એ મૂર્તિનો મહિમા સમજાવવાને અર્થે જો અનાદિ મુક્તરાજ પર્વતભાઈ જેવા શ્રીજીમહારાજના હૃદયગત અભિપ્રાયને જાણનાર મોટા પાસેથી તેમની વાતોરૂપ લખાણ સંપ્રદાયને મળ્યું હોત તો સૌ વધુ ભાગ્યશાળી થાત.

શ્રીજીમહારાજનાં ચરિત્ર-પ્રતાપનાં અદ્‌ભુત વર્ણનો લખવામાં અનાદિ મુક્તરાજ સદ્‌ગુરુઓએ જરાયે ઓછપ રાખી નથી. તોપણ એ સાથે જો પર્વતભાઈ જેવા અનાદિ મહામુક્તોનાં અમૃતવચનો આપણને પ્રાપ્ત થયાં હોત તો વધુ આનંદ થાત. પણ એ તો જેવી શ્રીજીમહારાજની તથા તેવા મહાપ્રતાપી મુક્તોની મરજી. આપણે તો આ સ્થળે બાપાશ્રીએ કરેલા ઉપકારથી પણ એ લાભ મળ્યો જાણીએ તોપણ શ્રીજીમહારાજની તથા તેમની અત્યંત પ્રસન્નતા થાય. ।।૧૦૯।।