સંવત ૧૯૭૩ના જેઠ વદ-૫ને રોજ સવારે સભામાં સાધુ ભક્તિતનયદાસજીએ પૂછ્યું જે, “કેટલાક પ્રતિમાથી સંતને અધિક કહે છે તે કેમ સમજવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજીમહારાજનો સિદ્ધાંત એના જાણ્યામાં આવ્યો નથી; કેમ જે એને સિદ્ધ મુક્ત મળ્યા નથી; માટે તેની માયિક બુદ્ધિથી જેવું સમજાણું હશે તેવું કહેતા હશે, પણ પ્રતિમા તો સાક્ષાત્ શ્રીજીમહારાજ છે. જેને મોટા મુક્ત ન મળ્યા હોય તે પોતાની આધુનિક બુદ્ધિએ શાસ્ત્ર સમજવા જાય તેને શાસ્ત્રનું રહસ્ય હાથ આવે નહિ ને પોતે ભગવાન થઈ પડે.”

એમ કહીને પછી બોલ્યા જે, “સત્સંગમાં કેટલાક ‘હું ભગવાન છું’ એમ કહેતા હોય તે ન માનવું. ભગવાન તો એક શ્રીજીમહારાજ જ છે. વળી કેટલાક વીર સાધે છે તે થોડુંક તેજ ને માંહે વીરની મૂર્તિ લોકોને બતાવે છે. તેથી અજ્ઞાની બિચારા ‘આ મહારાજ બતાવ્યા’, એમ જાણીને કેટલાક વિશ્વાસ લાવીને ફસાય છે; માટે એવા કપટીનો વિશ્વાસ ન રાખવો.”

“વળી ગુજરાતમાંથી એક જણે અમને તથા સ્વામી અક્ષરજીવનદાસજીને કાગળ લખ્યો હતો જે, ‘તમે મારું ભજન કરો, અને કદાપિ મારું ભજન ન કરો તો તમારા ભુજના મંદિરમાં જીવી ડોશી છે તે મારી ચેલી છે તેનું ભજન કરશો તોપણ તમારું કલ્યાણ થાશે.’ એ ડોશી વીરવિદ્યાવાળી હતી તે થોડુંક તેજ ને વીરની મૂર્તિ બતાવતી તેથી લોક છેતરાતા. તેને અમે તથા સ્વામીએ સત્સંગ બહાર કરી હતી, તે ચોસઠની સાલમાં રામપરામાં ધનબાએ પારાયણ કરાવી ત્યારે પ્રાયશ્ચિત્ત કરાવીને સત્સંગમાં લીધી.”

એમ કહીને પછી બોલ્યા જે, “આજ કેટલાક સત્સંગમાં સ્ત્રીઓની સભા કરીને બેસે છે અને સ્ત્રીઓ પગચંપી કરે છે એવો ભ્રષ્ટાચાર કરે છે. તેમને કારણ જે મહારાજ ને મુક્ત ઓળખાણા નથી. તેથી કામ, ક્રોધ, લોભ, માનાદિક દોષ ટળ્યા નથી ને પોતે મોટા બનીને સત્સંગનું ધોરણ ન જાણનારા એવા અજ્ઞાની લોકોને છેતરે છે; માટે એવા કપટીનો સંગ ન કરવો.”

“માનકુવામાં દમો બ્રાહ્મણ ભગવાન થઈ પડ્યો હતો, તેનો સંગ કેટલાક રાખતા તેમને અયોધ્યાપ્રસાદજી મહારાજે કહ્યું જે, ‘એમનો સંગ છોડી દો’; પણ તે લોકોએ ન માન્યું. પછી મહારાજશ્રી બોલ્યા જે, ‘આ માનનો કૂવો આપણું નહિ માને’ એમ કહીને જમ્યા વિના ચાલી નીકળ્યા ને ભારાસરમાં પધાર્યા. ત્યાં રસોઈનો સામાન મળે નહિ તેથી ત્યાં એક સુરદાસ અને ગરીબ ખોડા ભક્ત નામે હતા તેમણે કહ્યું જે, ‘હે મહારાજ, આ ગામડા ગામમાં તો કાંઈ સામાન નથી માટે માનવકુવેથી સામાન લઈ આવું ને રસોઈ કરાવો.’ ત્યારે મહારાજશ્રીએ કહ્યું જે, ‘માનકુવાનું અનાજ તો અમે નહિ જમીએ.’ પછી સામત્રામાં દેવજીનો દાદો રૂડો ભક્ત શ્રીજીમહારાજને મળેલા હતા, તેમણે લોટ, ગોળ, ઘી, ખીચડી લાવીને ભારાસરમાં મહારાજને ને સંતને જમાડ્યા. અને સુરદાસને ગરીબ જાણીને તેમની રસોઈ ન લીધી. માટે ઝેરની પરીક્ષા ન લેવી. ‘મેરે તો તુમ એક આધારા’ એક શ્રીજીમહારાજનો જ આશરો રાખવો.”

એટલી વાત કરીને પછી સમાપ્તિ કરી. ।।૧૯૦।।