લુણસરમાં જેઠા ભક્ત માંદા હતા. તેમને તેડવા મહારાજ તથા બાપાશ્રી આવ્યા. પછી તેમણે હરિભક્તોને વાત કરી જે, “મને મહારાજ તથા બાપાશ્રી તેડવા આવ્યા છે તે હું જાઉ છું.” એમ કહી દેહત્યાગ કર્યો. વળી એક સમયે લુણસરના મંદિરમાં સ્વામી શ્વેતવૈકુંઠદાસજી બાપાશ્રીની વાતો વાંચતા હતા. તે વખતે ભગવાન ભક્તને બાપાશ્રીનાં તેજોમય દર્શન થયાં. પછી તેણે વાત કરી જે, “આ કથા વાંચવા માંડી ત્યારથી વાંચી રહ્યા ત્યાં સુધી મને બાપાશ્રીનાં તેજોમય દર્શન થયાં.” ।।૧૨૦।।