સંવત ૧૯૮૩ના ફાગણ વદ-૬ને રોજ સવારમાં નિત્યવિધિ કરી બાપાશ્રી સૌ હરિભક્તોને મળ્યા. પછી કૃપા કરીને વાત કરી જે, “ધામરૂપ થઈને શ્રીજીમહારાજની મૂર્તિને વિષે જોડાવું તે એકાંતિકપણું ને શ્રીજીરૂપ થઈને શ્રીજીના રોમ રોમનું અત્યંત સુખ તેના ભોક્તા રૂપે થઈ ગુલતાન રહેવું તે પરમ એકાંતિકપણું.”

પછી લક્ષ્મીચંદભાઈએ પૂછ્યું જે, “આસ્તિકભાવ દૃઢ રાખવો એમ કહેવાય છે તે આસ્તિકભાવનું લક્ષણ શું હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મહારાજને અને મોટા અનાદિને ક્યારેય પણ છેટા ન જાણવા ને પોતાને પણ છેટે ન રહેવું. આપણને કોઈ દોષ નડતા હોય કે કાંઈક જ્ઞાનવાર્તા સમજાતી ન હોય તો મહારાજને અને મોટાને સંભારીને નિરંતર પ્રાર્થના કરવી એટલે તમામ દોષ ટળી જાય અને જે ન સમજાતું હોય તે પણ સમજાય. મહારાજ ને મોટાનાં વચનમાં જરા પણ સંશય ન કરવો; થાય તો પ્રાર્થના કરી સંશય ટાળવા આગ્રહ કરવો તો તરત ટળી જાય. એવી રીતે મહારાજ ને મોટાને વિષે કોઈ કાળે ક્યારેય પણ મનુષ્યભાવ આવવા દેવો નહિ. સદાય દિવ્યભાવે સહિત દર્શન, સેવા, સમાગમ વગેરે કરવું. તો જ આપણે દિવ્ય થઈએ; માટે નિરંતર તેની સરત રાખવી ને તેનું મનન કરવું તો તમામ નાસ્તિકભાવ ટળી જાય અને આસ્તિકભાવ આવે.”

આ રીતે બાપાશ્રી વાતો કરતા હતા ત્યાં લખમશી ભક્ત દર્શને આવ્યા ને દંડવત કરી ચાલ્યા, તેમને સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું કે, “કેમ ચાલ્યા?” ત્યારે હાથ જોડીને કહે કે, “સ્વામી! પ્રવૃત્તિ નડે છે ખરી.” તે સાંભળી બાપાશ્રી કહે, “સ્વામી! ગૃહસ્થને વ્યાવહારિક પ્રવૃત્તિના કૂટારા બહુ.”

એમ કહીને વાત કરવા લાગ્યા જે, “ગૃહસ્થ હરિભક્તોને વ્યવહાર કરવો પડે, પણ તે વ્યવહાર કેવો કરવો? તો વ્યવહાર કરતાં થકા શ્રીજીમહારાજ સુખે કરીને સંભારાય અને કથા, વાર્તા, ધ્યાન, ભજન, માળા, માનસી પૂજા એ આદિ નિયમો બરાબર સચવાય; એવી રીતે પોતાના જીવાત્માને પરલોક સંબંધી સુખ થવાનું મુખ્ય સાધન છે. વ્યવહાર દેહનિર્વાહને અર્થે કરવો, તે પણ શ્રીજીમહારાજ અને મોટાની આજ્ઞા પ્રમાણે જ કરવો; પણ જે વ્યવહાર કરતે થકે મહારાજની મૂર્તિને ભુલાય તેવો વ્યવહાર ભગવાનના ભક્તને કોઈ દહાડે કરવો નહિ અને વ્યવહારરૂપ થઈ જવાય એવા વેગે સહિત પણ વ્યવહાર કરવો નહિ. પોતાના આત્યંતિક મોક્ષને માટે પોતાની કોઈ પ્રકૃતિ નડતી હોય તે મોટાના જોગમાં રહીને ટાળવી, પણ મોટા ને મહારાજની આજ્ઞામાં લેશમાત્ર ફેર આવવા દેવો નહિ.”

“અને એમ જાણવું જે, ‘આપણે જે જે ક્રિયાઓ તથા સંકલ્પ કરીએ છીએ તેને મહારાજ તથા મોટા મુક્ત સદાય દેખે છે ને જાણે છે.’ વળી એમ વિચારવું જે, ‘તેમની મરજી તથા આજ્ઞા વિરુદ્ધ કાંઈ કરશું તો તે કુરાજી થશે તો આપણું બગડી જશે અને આપણે નિર્લજ્જ કહેવાશું.’ એમ નિરંતર તપાસ રાખીને શ્રીજીમહારાજ અને મોટા મુક્ત જેમ પ્રસન્ન થાય તેમ આપણે વર્તવાનો આગ્રહ રાખવો.”

“ભગવાનના ભક્તને મુખ્ય તો એ કરવાનું જે મહારાજનું ધ્યાન અને પોતાના દેહના ભાવ વિસારી દઈને બ્રહ્મરૂપ-અક્ષરધામરૂપ થાવું ને શ્રીજીમહારાજની મૂર્તિમાં વળગી જવું. તેજ દેખાય તેમાં પણ અટકી જવું નહિ. એક મહારાજની મૂર્તિ વિના બીજું જોવાનો ઠરાવ રાખવો નહિ. મૂર્તિમાં ચોંટવાથી અત્યંત સુખ આવે છે, પણ તેજ સામું જોવાથી ધીરજ રહે નહિ અને મૂર્તિમાં ચોંટ્યા પછી તેજ વગેરે અનંત ઐશ્વર્ય દેખાય, પણ હરકત પડે નહિ; કેમ કે મૂર્તિમાં જોડાવાથી સામર્થી વધે છે.”

“અમે એક હરિભક્તને ધ્યાનમાં બેસાર્યા તેને તેજ બહુ દેખાણું. પછી તેણે બોલવા માંડ્યું અને ભભકારા કરી બહાર નીકળી જવા માંડ્યું. પછી અમે કહ્યું જે, ‘દેહના ભાવ છોડી દો અને મૂર્તિમાં વળગો.’ પછી દેહના ભાવ ટાળી તેજમાં શ્રીજીમહારાજની મૂર્તિમાં ચોંટ્યા ત્યારે શાંતિ, શાંતિ, સુખ, સુખ અને આનંદ, આનંદ થઈ ગયો. બહાર નીકળી જવાપણું અને અકળાવાપણું વગેરે હતું તે મટી ગયું. માટે તેજનો સમૂહ દેખાય તો તેમાં શ્રીજીમહારાજની મૂર્તિ જોવી ને તેમાં વળગી જાવું; પણ તેજ દેખાય તે તેજમાં સુખ માનીને મૂર્તિ વિના એને જોવું નહિ; નહિ તો ઠીક ન રહે.”

પછી વાંટાવદરવાળા ત્રિભુવનભાઈએ પૂછ્યું જે, “બાપા! વચનામૃતમાં પ્રગટ ભગવાન ને પ્રગટ સંત મળે ત્યારે કલ્યાણ થાય એમ લખ્યું છે તે કઈ રીતે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આજ સંત છે તે પ્રગટ છે, મહારાજ પણ પ્રગટ છે. મોટા મુક્ત બોલે તે મહારાજ પોતે બોલે છે. માટે ભાવ તથા મહિમા જોઈએ. તળાવ, ડુંગર કે ટેકરી ઉપર જઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહીએ તો ત્યાં પણ બોલે. જ્યાં મહારાજની મરજી હોય ત્યાં બોલે. ત્યારે કોઈ કહે જે, ‘તમને કોણ કહી જાય છે?’ તો અમને તો સ્વામિનારાયણ બોલાવે છે, અમે કાંઈ દેખતા-ભાળતા નથી, પણ એ બોલાવે છે; બોલનારા શ્રીજીમહારાજ છે. આવી મહારાજે દિવ્ય સ્મૃતિ આપી હોય તોપણ તેનો ભાર આવવા દેવો નહિ. દેહ તો મરો કે જીવો, પણ પોતાપણાનો ભાવ લાવવો નહિ. એવો મોટાનો સિદ્ધાંત છે તેને જાણવો જોઈએ તો સર્વે વાત હાથ આવે.” ।।૫૧।।