સંવત ૧૯૫૫ના અષાઢ માસમાં બાપાશ્રી તથા દહીંસરાના ખીમજીભાઈ આદિ સૌ ઉપરદળ રામજીભાઈને મંદવાડ વધુ હતો, તેમને દર્શન દેવા જતાં દરિયામાં તોફાન થયું. તેથી ખીમજીભાઈ આદિ સૌ હરિભક્તો બીવા અને ધ્રૂજવા લાગ્યા જે આ વહાણ ડૂબશે ને આપણે મરી જઈશું.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “કોઈ ફિકર રાખશો નહિ. વહાણ ડૂબશે તો તમારું અધૂરું રહેવા દેશું નહિ; ઠેઠ મહારાજના સુખમાં મૂકી દઈશું.” એમ કહી સૌને ધીરજ આપી. પછી વહાણનો કાંઠો ઝાલીને બાપાશ્રી ઊભા થયા ને સમુદ્રને કહ્યું જે, “આ ટાણે તોફાન હોય કે?” એટલે તરત પવન બંધ થઈ ગયો ને સમુદ્ર સ્થિર થઈ ગયો. પછી વહાણમાં બેઠેલા સર્વે મનુષ્યો તથા ખેવટિયા રાજી થયા ને બાપાશ્રીની પ્રાર્થના કરી જે, “તમે સર્વને ઉગાર્યા, નહિ તો આજ કોઈ ઉગરવાના નહોતા.”

પછી બાપાશ્રી ઉપરદળ આવ્યા, ત્યારે રામજીભાઈએ બાપાશ્રીને કહ્યું જે, “બાપા! ત્રણ મહિના સુધી અહીં રહીને દર્શન આપો.” ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “ત્રણ દિવસમાં તમે અમને રજા આપશો અને અમે જઈશું.” પછી તો બાપાશ્રીનાં દર્શને ઘણા સંત-હરિભક્તો આવ્યા તેથી ઉતારાની, વાસણની, સીધાની સગવડ થઈ શકી નહિ. પછી રામજીભાઈએ રજા આપી જે હવે પધારો. પછી બાપાશ્રી ત્યાંથી ચાલ્યા તે ભાયલા, ધોળકા, ભાત થઈને જેતલપુર આવ્યા અને જેતલપુરથી અમદાવાદ આવ્યા. પછી છપૈયે પધાર્યા. ।।૧૦।।