(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૨) રાત્રે સભામાં પ્રસન્નતાનાં સાધન કરવા વિષે વાત ચાલતી હતી. ત્યારે બાપાશ્રી કૃપા કરીને બોલ્યા જે, “સાધન સર્વે ઉપકારી છે, પણ મૂર્તિને સન્મુખ થયા વિના સુખ નથી એમ જાણે ત્યારે દોષ ટળે. મહારાજનો મહિમા યથાર્થ હોય તેને બહુ સુખ આવે છે. એ ભગવાનની મૂર્તિ વિના બીજા માયિક આકાર છે, એટલે કે પુરુષોત્તમ ભગવાન અને તેમના મુક્ત એ બે વિના સર્વે માયિક આકાર છે. તે કહ્યું છે જે, ‘મુજ વિના જાણજો રે બીજા માયિક સૌ આકાર’ એવા મહારાજ અને મહામુક્ત તે આજ કૃપાસાધ્ય છે. એટલો દૃઢ નિશ્ચય કરી રાખવો.”

“નિશ્ચયની વાત બહુ અટપટી છે, તે કોઈ ચમત્કાર દેખાડે તો વળગી જાય ને કેનીક ખાઈમાં પડે કહેતાં કામ, ક્રોધ, લોભમાં લેવાઈ જાય. ભગવાનની ચૂંદડી ઓઢી બેઠા છો, પણ કાળ, કર્મ, માયામાં લોભાઈ જવાય તો વાંધો રહી જાય. સુખમાત્ર મહારાજની મૂર્તિમાં છે. જીવ માયિક પદાર્થમાં ઝાંવા નાખે અને ઐશ્વર્ય આદિકમાં ઝાંવા નાખે, એ નિશ્ચયમાં ખામી કહેવાય. ચમક દેખી લોહા ચળે, તેમ પરિપક્વ નિશ્ચય હોય તો મૂર્તિમાં ખેંચાઈ જાય. એવો દૃઢ નિશ્ચય જેને થયો તે કોઈની ખાડમાં ન પડે. બ્રહ્મા જેવો આવે અને તે મહારાજ રૂપે દેખાય તોય લોભાય નહિ. ‘મોટા સંત સ્વરૂપાનંદ સ્વામી આદિક બેઠા છે ત્યાં હું છું, આ સભા અક્ષરધામની છે, આપણે અક્ષરધામની મધ્યે જ બેઠા છીએ, આ પ્રતિમા સાક્ષાત્ અક્ષરધામમાં મૂર્તિ છે તે જ છે’ એમ નિશ્ચય થઈ જાય તો સાક્ષાત્કાર સુખ આવે.”

“‘નરનારાયણ દિવ્ય મૂર્તિ સંતનકો વિશ્રામ’ એટલે પુરુષાકાર શ્રીજીમહારાજ દિવ્ય મૂર્તિ છે અને સંતનકો વિશ્રામ એટલે સંત જે મુક્ત તેમને મૂર્તિમાં રાખી સુખ આપનારા એવા મહારાજ તેનો સાક્ષાત્કાર થાય તો સુખ આવે.”

“આ જીવને જ્યાં સુધી મહારાજનો પરિપક્વ નિશ્ચય થતો નથી, ત્યાં સુધી બાળકિયા સ્વભાવ ટળતા નથી. માટે મહારાજ તથા મોટાને ઓળખી તેમનો મન, કર્મ, વચને, સંગ કરે તો તે ખરેખરો બાળકમાંથી વૃદ્ધ થાય ને વચલા ઝોબા ન આવે. દેહ માટે અને સગાં માટે કંઈક કૂટારા કરવા પડે છે તે ભગવાનને મેલીને ન કરવા પડે, જો નિશ્ચય પરિપક્વ રાખે તો.”

એમ હરિભક્તોને કહીને સંતોને કહ્યું જે, “વાતો કરો. અમે તો તૂટક તૂટક વાતો કરીએ છીએ. અમારા છે તે તો જાણે કે ‘ઘરકી બાત’; એમ ન કરવું. હમણાં દ્રોહની નદીયું વહે છે તેમાં ભગવાનના ભક્તને જાળવવું. કોઈને ખોટું ખોટું ભરાવીને અવગુણ લેવા નહિ. આપણા સારુ સંત દાખડા કરે છે. માટે કામ ક્રોધ, જુવાની કે રાજ, ધન આદિક કોઈનો કેફ ન રાખવો. આપણે પોતાનું ખાવું અને કમાવું તેમાં સુખ છે.”

પછી બોલ્યા જે, “આ જીવને ઉગારવા સંત ભાતાં બાંધી બાંધીને ફરે છે, ભૂલ્યાને વાટે કરવા ફરે છે તેથી એમના થઈ રહેવું. મોટાઈ, અધિકાર કાંઈ કામ નહિ આવે. ‘દાસ તમારા દાસનો મને રાખો નાથ હજૂર.’ એમ દાસના દાસ થઈ રહેવું. અહીંના હરિજનોનાં તપ જબરાં તેથી આવા મોટા ચાલી ચાલીને દર્શન દેવા આવે છે.”

પછી લાલુભાઈએ કહ્યું કે, “બાપા! એ તો તમારો પ્રતાપ અને દયા તેથી અમારાં મોટાં ભાગ્ય. આ મુળી ને અમદાવાદથી સંત આવ્યા છે તે પણ આપની કૃપાનો લાભ લે છે.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “કલ્યાણ સ્વામિનારાયણને ઘેર છે, બીજે ક્યાંય નથી. એવા નિશ્ચયમાં કસર એટલી મહિમામાં કસર અને મહિમામાં કસર હોય તો શ્રદ્ધા ન આવે. જો શ્રદ્ધા આવે તો પ્રેમલક્ષણા ભક્તિ આવે. ‘પતિવ્રતાનો ધર્મ અચળ કરી પાળજો.’ તે જેટલી આજ્ઞા છે તેટલી પાળે તો પતિવ્રતા કહેવાય. વર્તમાન ધારી સગપણ કર્યું એટલે ચૂંદડી ઓઢાડી. હવે આજ્ઞા યથાર્થ પળે તો પરણાય, પણ ગમે તેમ વરતે તો ક્યાં પતિવ્રતાપણું રહ્યું? આપણા પ્રારબ્ધ શ્રીજીમહારાજ છે. જેમ છોકરાંનું પ્રારબ્ધ તેનાં મા-બાપ, તેમ શ્રીજીમહારાજ આપણા પ્રારબ્ધ છે. છોકરાને અગ્નિ-જળાદિકથી તેનાં મા-બાપ જાળવે છે તેમ શ્રીજીમહારાજ કાળ, કર્મ, માયાથી જાળવે છે. દંડ દેવો હોય તો શ્રીજીમહારાજ પોતે દે. માટે એ જ આપણું પ્રારબ્ધ છે. આપણે શા સારુ બીજું પ્રારબ્ધ કહીએ?”

પછી બાપાશ્રી એમ બોલ્યા જે, “શ્રીજીમહારાજનો પ્રતાપ બહુ જબરો છે. જ્યારે સ્વયંપ્રકાશાનંદ સ્વામી પરોક્ષના દ્વારામાં હતા, ત્યારે કોઈક વૈરાગી મહારાજને ગાળો દેવા લાગ્યો. તે જેમ જેમ ગાળો દે તેમ તેમ મહારાજનું નામ આવવાથી તે સ્થાનમાં પ્રકાશ પ્રકાશ થઈ ગયો. તે જોઈ સ્વયંપ્રકાશાનંદ સ્વામીને એમ વિચાર થયો જે જેનું નામ લેતાં આવો પ્રકાશ થઈ ગયો તો તે પોતે તો સાક્ષાત્ ભગવાન હોવા જોઈએ. એમ નિશ્ચય કરી મહારાજ પાસે સોરઠમાં આવ્યા. તેમને મહારાજે મુક્તાનંદ સ્વામી પાસે સાધુ કરાવ્યા. તે સ્વામીએ સ્વયંપ્રકાશાનંદ સ્વામી એવું નામ રાખ્યું. ત્યારે મહારાજ કહે, ‘સ્વામી! તમે જાણો છો ને શું!’ પછી સભા સામું જોઈને કહ્યું જે, ‘આ સંત તમારા પાસે છે તેમને એવી રીતે નિશ્ચય થયો હશે, પણ કહે નહિ.’ મૂર્તિનું તેજ ભડાક ભડાક દેખ્યું તેથી સ્વયંપ્રકાશાનંદ સ્વામીને તરત નિશ્ચય થઈ ગયો. માટે સૌ ખૂબ ભગવાન ભજજો.”

“હમણાં પાણી ટોનારા સારા આવ્યા છે, માટે વ્યવહારમાં પડી ન રહેવું. સંત શત્રુને ખોદે ત્યારે શત્રુની વહારે ચડે તો કેવો જાણવો? તે તો પાકો મૂર્ખ કહેવાય. સામો શત્રુ ભલે નગારું દેતો ચડે તોય શત્રુને ઓળખે નહિ. રાજાની સવારી ચાલે ત્યારે નાગો બાવો ધજાગરો લઈ ચડે તેમ આ પણ હાથમાં ધજાગરો આગળ કરે છે; તે તો સાયદી રાખી શત્રુની સહાય કરે એવો છે. સંત તો તેનું સારું કરે, પણ તે સ્વભાવને ન મૂકવાના ઉપાય કરે. જેને સત્સંગની લટક ખરેખરી આવી હોય તે કામ, ક્રોધ, રસના આદિકના પેચમાં ન આવે ને મૂર્તિ સન્મુખ રહે. માટે આશ્રમનું, સ્થાનનું એમ કોઈનું માન ન રાખવું. અમદાવાદનું વૃત્તાંત કાંઈ નહિ, મુળીનું સારું; મુળીનું કાંઈ નહિ, ભુજનું સારું, એવું કાંઈ માન ન રાખવું. બધેય મહામણિઓ પડી છે. મહારાજે અક્ષરધામની સભા કહી છે તે બધાય એવા હશે.” ।।૩૮।।