સંતની પંક્તિ થઈ ત્યારે બાપાશ્રી દંડવત કરવા લાગ્યા ત્યારે સંતોએ કહ્યું જે, “બાપા! તમે દંડવત ન કરો.”

ત્યારે પોતે એમ બોલ્યા જે, “શ્રીજીમહારાજ સંતની પંક્તિમાં દિવ્ય રૂપે દર્શન દેવા પધાર્યા છે. અમે એમને દંડવત કરીએ છીએ, તમે ફિકર ન કરો. મહારાજે આ યજ્ઞમાં પ્રસન્નતા બહુ જણાવી છે. આજે સભામાં પણ દિવ્ય તેજોમય દર્શન આપી સંત-હરિભક્ત સામું અમૃતનજરે જોઈ પ્રસન્નતા જણાવી મંદમંદ હસતા હતા.”

એમ કહી પીરસનારા સંતોને કહ્યું જે, “તમારે મહારાજને રાજી કરવા હોય તો સંતોને સિંહગર્જના કરે ત્યાં સુધી પીરસજો. આ બ્રહ્મયજ્ઞમાં તો જમવું, રમવું ને આત્યંતિક મુક્તિના કોલ લેવા એટલું કરવાનું છે. અમારે તો સર્વેને મૂર્તિને સુખે સુખિયા કરવા છે. આ યજ્ઞમાં શ્રીજીમહારાજનો રાજીપો ઘણો જણાય છે.”

એમ વાત કરીને પછી વચનામૃતની કથા પ્રસંગે બાપાશ્રી બોલ્યા જે, “આ ફેરે કોઈને તાણ રહેવા દેવી નથી.” સ્વામી ઈશ્વરચરણદાસજીને કહે, “સ્વામી! તમે ત્રણે સદ્‌ગુરુઓ સૌને કથા-વાર્તારૂપી બ્રહ્મયજ્ઞથી આનંદનો સાગર ઉલટાવજો. આ તો કપિલા છઠ ને મહોદય પર્વ આવ્યું છે, આવો સમૈયો વારે વારે થવો દુર્લભ છે.”

આવી રીતે સવારે, બપોરે, સાંજે, રાત્રે કથામાં તથા પંક્તિમાં દર્શન દેવા પધારે ત્યારે વાતો કરી બાપાશ્રી અત્યંત પ્રસન્નતા જણાવતા હતા.

એક વખત સવારે સભામાં અતિ હેત જણાવીને બાપાશ્રીએ પુરાણી કેશવપ્રિયદાસજીને ચંદન ચર્ચતાં કહ્યું જે, “પુરાણી મહારાજ! તમે તો ભારે કામ કરી લીધું. મૂર્તિમાં રહ્યા થકા કથા કરો છો તેથી મહારાજ તથા સંત-હરિભક્ત સર્વે ઘણા રાજી થાય છે. આ સભામાં મધ્યસ્થ મહારાજ તેજોમય બિરાજે છે, મૂર્તિ ફરતા અનંત મુક્ત બેઠા છે. અનાદિ તો રસબસ ભાવે સુખ લીધા જ કરે છે. સર્વે તેજોમય છે, તેજ ઝળળ ઝળળ થાય છે. જેને એવો અલૌકિક ભાવ આવે તે તો દીવાના (મસ્તાના) થઈ જાય. ક્યાં અનંત કોટિ બ્રહ્માંડના પતિ! ને ક્યાં પામર જેવા જીવ! આ તો ન બનવાની વાત બની ગઈ છે.” એમ કહીને સભામાં બેઠા.”

પછી કથાની સમાપ્તિ થઈ ત્યારે સહુ સંતો પાસે આવીને બેઠા. તે વખતે હરિભક્તોને જમવાનો સાદ થયો એટલે સર્વે ગયા. ત્યારે બાપાશ્રીએ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી સામું જોઈને બીજા સંતોને કહ્યું જે, “આ અમારા મોટા સંત. જુઓને! મૂર્તિમાં સદાય ગુલતાન રહે છે. તમો સર્વે આવા થજો. મૂર્તિ વિના બીજે ક્યાંય અક્ષરકોટિ આદિમાં ભાગ-લાગ રાખવો નહિ. આપણે એ એક જ કામ કરવા આવ્યા છીએ. કેટલાકને વ્યવહારમાં ડહાપણ ઘણું હોય તેથી મૂર્તિને ભૂલીને કાર્યમાં હણોહણ કરે, તો તે શું કમાણા? આપણે તો પુરુષોત્તમનારાયણના થયા છીએ, માટે એ મૂર્તિનો સદાય કેફ રાખવો.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું, “આવો સ્વામી! સંત-હરિભક્તોને ખૂબ સુખિયા કરજો. આ બધાય હરિભક્તો દરિયા ઊતરી ઊતરીને તમને રાજી કરવા આવ્યા છે.”

ત્યારે સ્વામી ઘનશ્યામજીવનદાસજી કહે, “બાપા! ચમકરૂપ તો આપ છો, અમે તો તમારા વાંસે છીએ.”

ત્યારે બાપાશ્રી કહે, “સ્વામી! તમે તમારું સામર્થ્ય ઢાંકો છો, પણ હમ સબ જાનતા હે. તમે તો મહાનુભાવાનંદ સ્વામીનો ચીલો રાખ્યો છે. તમે મૂર્તિ વિના કાંઈ વહાલું રાખ્યું નથી.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “આ સ્વામી આજ્ઞા પાળવામાં શૂરવીર ખરા. તેમની પાસે કોઈ મોળી વાત કરી શકે નહિ. મહાનુભાવાનંદ સ્વામીની પ્રસાદી એવી જ હોય. મોટા મોટા નંદ સદ્‌ગુરુ શ્રીજીમહારાજ વિના ઘડીયે રહેતા નહિ; તેથી એ સભાનો અલૌકિક પ્રતાપ સહેજે જણાતો. એ સર્વે મહારાજના સંકલ્પથી દેખાતા. એમની ગતિ જીવ શું જાણી શકે! મુક્તાનંદ સ્વામી કહે છે કે, ‘હરિ હરિજનની ગતિ છે ન્યારી, એને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી’ એમ દિવ્યભાવ થયા વિના જેવા છે તેવા ઓળખાય નહિ. આ સભા અલૌકિક છે, દિવ્ય તેજોમય છે, નિર્ગુણ છે. આ સભાના સંકલ્પ ચાલે છે. આ ટાણે કંઈક ન્યાલ થાય છે. આવા સંતની સર્વે ક્રિયા કલ્યાણકારી જાણવી. સભામાં સંતો બેસે છે તે જાણે સૂર્યમુખી કમળનાં વન ખીલ્યાં હોયને શું! તેમ મૂર્તિ સન્મુખ સૌની નજર હોય છે. આવા મોટા સદ્‌ગુરુ આગળ બેઠા હોય તેથી આ દિવ્ય સભા ચમત્કારી લાગે છે. શ્રીજીમહારાજ સર્વેને અમૃત નજરે હેરે છે.”

રાત્રે સભામાં વચનામૃતની કથા થતી હતી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આમાં મહારાજે બધુંય સમજાવ્યું છે; કાંઈ કહેવાનું ને સમજાવવાનું બાકી રાખ્યું નથી. પણ જીવની વૃત્તિ અધર-પધર રહે છે તેથી આ વાતની ખબર પડતી નથી. આ અધ્યાત્મ વાતો કેટલાક બુદ્ધિબળે સમજવા જાય તે ક્યાંથી સમજી શકે? મહારાજ કહે છે કે શાસ્ત્રમાં લખ્યું તો હોય, પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય ત્યારે તેના મુખ થકી સમજાય. તે રીતે આવા સંત રાત-દિવસ સમજાવે છે, પણ જીવને માયાના ફેર બહુ ચડી ગયા છે તેથી જેમ મહારાજ કહે છે તેમ સમજાતું નથી. કેટલાક તો મહારાજને બીજા અવતાર જેવા સમજી બેઠા છે. કેટલાક અક્ષરાદિકમાં અટકી રહે છે. પણ મહારાજ વિના બીજું બધુંય કાર્ય છે. કારણ વિના આત્યંતિક મોક્ષ ન થાય. આ તો અતિ અગમ વાત, તે મહારાજ તથા મોટાએ સુગમ કરી દીધી છે, તેથી કલ્યાણ સોંઘું થયું છે. અનાદિ થકી અનાદિની સ્થિતિ થાય, પણ તે વિના ન થાય. સાધને કરીને કેટલુંક થાય? મૂર્તિમાં તો મહારાજ કેવળ કૃપાએ કરીને રાખે છે. માટે મહાપ્રભુના અનન્ય આશ્રિતને એ મૂર્તિના બળની ખુમારી રાખવી.” ।।૧૩૬।।