(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૫) બાપાશ્રી કૃપા કરીને બોલ્યા જે, “જેને મૂર્તિમાં જોડાઈ રહેવું હોય તેને એમ જાણવું જે, “આ કલેવરનું ગમે તે થાય. દેહને દુઃખ થાય કે સુખ થાય, તેમાં આપણે શું! કોઈનો અભાવ ન આવે તેમ વર્તવું. મહારાજ અને મોટા વિચરતા હોય તેને નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું; સ્થિરવૃત્તિ ત્યાં થાય. જેમ જેમ મૂર્તિમાં જોડાતું જવાય તેમ તેમ અનુભવજ્ઞાન આવતું જાય. ગૃહસ્થ અને ત્યાગીને એ કરવાનું છે. આપણે કળિયુગમાં સતયુગ સ્થાપી દેવો, તો સદાય આનંદ વર્તે અને અપારપણું રહે. અનંત મુક્ત મહારાજની મૂર્તિમાં સુખ લે છે, એ સર્વે મુક્તને મહારાજનું અપારપણું રહે છે. સાધનવાળાને મતે જવું-આવવું છે, પણ સિદ્ધદશાવાળાને મતે જવું-આવવું નથી.”

“જીવને તો પ્રસન્નતાનાં સાધન કરવાનાં છે અને પુરુષપ્રયત્ન પણ જોઈએ. તે પુરુષપ્રયત્ન શું? તો મહારાજનાં અને મોટાનાં વચનમાં ખરેખરો વિશ્વાસ. એ દિવસ કહે તો દિવસ ને રાત કહે તો રાત એમ સમજવું. અ.મુ. ગોપાળાનંદ સ્વામીએ એમના સંતને અડધી રાત્રિએ પૂછ્યું ત્યારે સંતે કહ્યું જે, ‘આપ રાત કહો તો રાત અને દિવસ કહો તો દિવસ.’ એવો વિશ્વાસ હોય ત્યારે મહિમા જાણ્યો કહેવાય. મોટા આગળ પોતાનું મનગમતું કરાવવું નહિ. આંખો મીંચો એટલે અંધારું અને આંખ ઊઘડે એટલે અજવાળું એટલી જ વાર છે.”

“પરોક્ષ શાસ્ત્ર વૈરાજથી થયાં છે, પણ આપણે સ્વામિનારાયણ જોઈએ છીએ. અજ એટલે અનાદિ; એ તો કોઈ દિવસ માયામાં આવતા જ નથી. અનાદિમુક્ત તો મૂર્તિમાં રહ્યા થકા ખંપાળી નાખીને જીવને ઢસરડી લે છે. તે ખંપાળી એટલે કૃપાસાધ્ય. મોટાની પાસે ને મહારાજની પાસે ધાર્યું ન કરાવવું, તે કહે તેમ કરવું તે મન સોંપ્યું કહેવાય. મોટા જ્યાં જોઈએ ત્યાં હાજર જ છે, પણ તેટલો વિશ્વાસ નથી. ‘સૂના સર્વે લોક ચડે મારી નજરે’ તેમ કાંઈ પણ અનાદિની દૃષ્ટિએ છે? નથી.”

“આ નૈમિષારણ્યમાં આવ્યા છીએ તે શું દોષ રહેશે? ઘસાઈને બુઠા થઈ જશે. અહીં જે વાવશે તે ઊગશે. અપરાધ કરશો તો તે ઊગશે અને સેવા કરશો તો તે ઊગશે. મોટાનાં વચનમાં તો તન કુરબાન કરી નાખીએ. પરોક્ષના કાર્યમાં તમોગુણ અને રજોગુણ છે, પણ અહીં તો નૈમિષારણ્યમાં એવું એકે નથી. ભગવાનને તથા મોટા મુક્તને મનુષ્ય જેવા જાણે તેને ભગવાનમાં ને મોટામાં દોષ જણાય છે. તેવા દોષથી જીવ માંસના પિંડા ખણે છે (દેહ ધરે છે). દેહના રૂપમાં મોહે કરીને જીવને આનંદ મનાય છે, પણ આનંદ નથી; કેવળ દુઃખ જ છે. જો વિચાર ન હોય તો મન આવી સભા મૂકીને ક્યાંય જતું રહે; માટે આ સભા ને મૂર્તિ તે ન મૂકવી. આપણે તો એક છોગલાવાળા સ્વામિનારાયણને રાખવા. જો એ આપણી ભેળા હોય તો હય્યો. અમારે ઘેર એ જ વેપાર છે, બીજો વેપાર કોઈ કરશો નહિ. આવું અનુભવજ્ઞાન સાક્ષાત્કાર થાય ત્યારે કોઈ વિઘ્ન ન થાય.”

“બ્રહ્મા-નારદને આવી પ્રાપ્તિ નહોતી. આજનો પ્રતાપ બહુ મોટો છે. બ્રહ્મા, વિષ્ણુ, શિવ ત્રણે મળીને પોતાનું ચલાવે છે. આ તો અનંત કોટિ બ્રહ્માંડના રાજાધિરાજ છે, એવું જ્ઞાન ખરેખરું સિદ્ધ કર્યું હોય તો એ તો ભિક્ષુક જણાય. સ્વામિનારાયણને ઘેર જવું તેમાં ઘણાં આવરણ છે. તે ન જાણ્યાં હોય તો ક્યાંય બંધાઈ જાય. જુઓને! શિવ, બ્રહ્મા, નારદ, સનકાદિક બંધાઈ ગયા. એ કાંઈ સ્થિતિ કહેવાય?”

પછી બ્રહ્મચારી નિર્ગુણાનંદજીના દેહ મૂકવા સમયની વાત કરીને કહ્યું જે, “એમના જેવા આ ચોવીશ મંદિરમાંથી એક તો કોઈ ગોતી લાવે! ભગવાનના ભક્તને સરત રાખવી. આવા સંતના સમાગમ કરવા, દર્શન કરવાં, પણ જ્યારે આપણને કોઈ કૂદકા મરાવે ત્યારે ઊભા થઈ રહેવું એટલે કે અવગુણ ઘાલે ત્યારે અટકવું. જડ-ચૈતન્યનો ત્યાગ કરે તેને ગુરુ કહેવાય. ગુરુનાં લક્ષણ બહાર જાય તે ગુરુ શેનો? ભીમસેન જેવા હોય તે ગુરુ નહિ. સનાતન હોય તો ગુરુ. વચ્ચે આવે એ ગુરુ નહિ, સનાતન માર્ગ રાખવો. સનાતન એટલે અનાદિ; ધામમાંથી ને મૂર્તિમાંથી આવેલા હોય તે. સંત એટલે સંતના લક્ષણે યુક્ત.”

“સત્સંગમાં તો ભગવાન બિરાજે છે; પાપી અને અધર્મીને મતે નથી, તે તો ‘આગળ હતા’ એમ જાણે છે તેથી સત્સંગની શૈલી રાખતા નથી. એવા શું મૂંડાવા સાધુ થયા હશે? જેને પ્રત્યક્ષ ભગવાન મળ્યા હોય તે ધ્યાન કરે, સેવા કરે, પાંચ વખત માનસી પૂજા કરે, એમ ને એમ મૂર્તિથી જુદા ન પડે. એવા સંત દર્શન, સેવા ને સમાગમ કરવા જેવા છે. પણ જેને મહિમા નથી તેની બુદ્ધિ ઓછી સમજવી.”

“પુરુષોત્તમનારાયણની મૂર્તિમાંથી ખુશબો ઊઠે છે તે ખુશબો મુક્તોને ખેંચે છે અને મૂર્તિ સાથે રસબસ કરે છે, તે અનુભવજ્ઞાન. આપણને જ્યાં સુધી પુરુષોત્તમનારાયણનું એવું જ્ઞાન નથી થયું ત્યાં સુધી જ્યાં ત્યાં વલખાં કરીએ છીએ. સ્વામિનારાયણને ઘેર બધી વસ્તુ છે.”

“મહારાજ કહે, ‘અમારા સંતને ને અમને જેવડા જાણશો તેવડા તમે થશો.’ મહારાજે બે કલમ મૂકી છે. તે અક્ષરધામની સભા તથા મૂર્તિને વિષે ધાતુ કે પાષાણાદિકનો ભાવ નહિ. અમારો તો સિદ્ધાંત એક જ છે; તમે મરડી-મચરડીને ક્યાંય લઈ જાઓ તો ભલે. મોટાને એમાંથી કોઈ સાથે ન ગણીએ તો સમજનારો કયે ઠેકાણે જાય! મહારાજે આ સભાને અક્ષરધામનો દરવાજો કહ્યો છે. પૂરું તો સાક્ષાત્કાર અનુભજ્ઞાન થાય અને મહારાજની મૂર્તિમાં જોડાઈ જવાય ત્યારે જ થાય.” ।।૪૯।।