સંવત ૧૯૭૧ના ચૈત્ર સુદ-૯ને રોજ બપોરે સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “સ્વામી અચ્યુતદાસજીના જેવી સ્થિતિ થવાનો શો ઉપાય હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજીમહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખે તો એવી સ્થિતિ થાય, અથવા અતિશય મોટા સંતની પ્રસન્નતા મેળવે તો એવી સ્થિતિ થાય. એક સમયે સંતદાસજી તથા સ્વરૂપાનંદ સ્વામી ફરતાં ફરતાં ગામ ધ્રુફી અચ્યુતદાસજીને ઘેર ગયા. તે બે દિવસથી ભૂખ્યા હતા ને અચ્યુતદાસજીના પિતા ઘેર નહોતા, તેથી અચ્યુતદાસજીએ સીધું, પાણી, બળતણ વગેરે સામાન તેમને લાવી આપ્યો. તેમણે થાળ કરીને ઠાકોરજીને જમાડ્યા અને પ્રસાદી જમ્યા. પછી તેમના ઉપર રાજી થયા ને કહ્યું જે, ‘છોકરા માગ, જે માગે તે આપીએ.’ ત્યારે અચ્યુતદાસજીએ માગ્યું જે, ‘જે તમને વહાલું હોય તે મને આપો.’ ત્યારે તે બે મુક્ત બોલ્યા જે, ‘તારી પણ અમારા જેવી સ્થિતિ થશે.’ તે જ વખતે અચ્યુતદાસજીની નિરાવરણ દૃષ્ટિ થઈ ગઈ.”

“એક વખતે એમનાં મા-બાપે ગઢડે શ્રીજીમહારાજને દર્શને જતાં એમને સાથે લીધા. પંદરેક ગાઉ ગયા ત્યારે વિચાર થયો જે આ છોકરો ચાલી શકશે નહિ માટે તેને પાછો વાળીએ. પછી ઘસિયો આપીને કહ્યું જે, ‘તારાથી ચાલી શકાશે નહિ, માટે આ ટીમણ મારગમાં ખાજે ને પાછો ઘેર જા.’ પછી તે ઘેર આવ્યા, પણ સાથે જવાની આતુરતા ન બતાવી; કેમ જે મહારાજને સદા અખંડ દેખતા. એવી સ્થિતિ મોટાની કૃપાએ થાય.”

પછી સ્વામીએ કહ્યું જે, “સંવત ૧૯૨૯ની સાલમાં અચ્યુતદાસજી સ્વામી અમદાવાદ આવ્યા હતા તે સભામંડપને ત્રીજે માળ ઊતર્યા હતા. ત્યાં સદ્‌ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ એમને પૂછ્યું જે, ‘તમે કેટલાં વર્ષે સમૈયે આવ્યા?’ ત્યારે તેમણે કહ્યું જે, ‘તેર વર્ષ થયાં.’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘ઘણે વર્ષે આવ્યા.’ ત્યારે સ્વામી અચ્યુતદાસજી બોલ્યા જે, ‘સ્વામી, તમારા જેવા મોટાના પ્રતાપે કરીને નાનપણથી મારે આવરણ ટળી ગયાં છે. બધાં મંદિરોમાં સભાઓ થાય છે ને વાતોચીતો થાય છે તે સર્વે હું દેખું છું ને સાંભળું છું; તેથી આવતો નથી.’ એમ પોતાની સ્થિતિ કહી હતી.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “મોટાની કૃપાએ એવું થવાય.”

પછી વાર્તાની સમાપ્તિ કરીને ‘શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય અને આ સભાની માયાનો ક્ષય’ એમ બોલ્યા. ।।૧૪૪।।