સંવત ૧૯૮૪ના કારતક વદ-૬ને રોજ રાત્રે કથા પ્રસંગે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “‘સત્સંગમાં આગળ મોટા મોટા મુક્ત હતા તે હવે જતા રહ્યા’, એમ કેટલાક બોલે છે. તેને તો શ્રીજીમહારાજના પ્રતાપની ને મહિમાની ખબર નથી. કેમ જે મહારાજ તથા મોટા તો સદાય પ્રગટ પ્રમાણ છે, તેજોમય છે, દિવ્ય છે એવો દિવ્યભાવ આવવો જોઈએ. દિવ્યભાવ આવ્યા પછી આનંદ સમાય નહિ.”

“અમારે અહીં એક સંતને છેલ્લી અવસ્થાએ દિવ્યભાવ આવી ગયો એટલે આ ઓસરી, ઓરડા, ડેલી, મંદિર, ચારે તરફ તેજના ફુવારા છૂટ્યા ને તેજ તેજ થઈ રહ્યું. એ તેજમાં કુંડાળા જેવો ચક થયો તે વચમાં શ્રીજીમહારાજ બિરાજેલા એવું દેખાણું. તે જોઈને તેમની સર્વે વૃત્તિઓ તદાકાર થઈ ગઈ તેથી મૂર્તિમાં જોડાઈ ગયા એટલે દિવ્ય દેહ થઈ ગયો. પછી હેતે કરીને મહારાજને મળ્યા. બીજા સાધુએ પૂછ્યું તો કહે, ‘અહો! શું મૂર્તિનું તેજ! દેહધારી એ તેજ ઝીલી ન શકે. મૂર્તિમાં અનંત મુક્ત રહ્યા છે તથા મૂર્તિને ફરતા મુક્તની ઠઠ છે. તેજ શીતળ ને શાંત છે તેનું વર્ણન કેવું કરવું!’ એમ બોલ્યા. એવા તેજોમય શ્રીજીમહારાજ આપણને મળ્યા છે તોપણ રાખનાં પડીકાં જેવા માયિક પદાર્થ માટે મારું-તારું થાય એ કેવું અજ્ઞાન કહેવાય!”

“મહારાજની મૂર્તિમાંથી તેજના અંબાર છૂટે છે. અનંત બ્રહ્માંડમાં જે જે તેજોમય છે, તે મહારાજના તેજ વડે છે. એવા શ્રીજીમહારાજ આ લોકમાં પોતાનું તેજ-ઐશ્વર્ય ઢાંકી મનુષ્ય જેવા દર્શન આપે છે તોપણ તે તો જેમ છે તેમ ને તેમ જ છે. સાકરના નાળિયેરની પેઠે ત્યાગ-ભાગ નથી.”

“મોટા મુક્તોએ એ મૂર્તિનો મહિમા જીવોને સમજાવવા અંગોઅંગની ઉપમા આપી તે મુખારવિંદ સૂર્ય-ચંદ્ર જેવું, નાસિકા પોપટની ચાંચ કે દીપકની સગ જેવી, હોઠ પરવાળા સમાન, દાંત દાડમના બીજની શોભા હરે તેવા, કંઠ કંબુ જેવો, ઉદર પીપળ પાન સમું, હાથ હાથીની સૂંઢ જેવા, નાભિ નૌતમ, કેડ કેસરી સિંહને મોહ પમાડનારી, સાથળ કેળના સ્થંભ જેવા, આંગળીઓના નખ લાલ મણિ જેવા, એમ ઉપમા આપી એ મૂર્તિનો મહિમા વર્ણવ્યો; કેમ કે જીવને ઝાઝું સમજવાની ગતિ નહિ તેથી એવી રીતે કહ્યું.”

“શ્રીજીમહારાજે એક વખત સભામાં રમૂજ કરી કહ્યું કે, ‘આવી ઉપમાથી તો અમારો મહિમા ન કહેવાણો, પણ જીવોને સમજાવવા અમને વગોવ્યા જેવું થયું. અને અમારા સંતને પણ નારદ, શુક, સનકાદિક, જડભરતની ઉપમા કેમ અપાય! પણ મોટા મુક્તને એમ જે, જે તે પ્રકારે જીવને મૂર્તિમાં હેત થાય ને દેહ તથા માયિક પદાર્થમાંથી વૃત્તિઓ ઊખડે.’”

“તેમાં પણ જીવને મોટો કુસંગ તો આ દેહનો છે તે દેહભાવ ટળવો કઠણ છે; એ તો કર્મની કોટડી છે. તે દેહને લઈને જીવને ઘણા જન્મ ધરવા પડ્યા છે, પણ તેનો ઊંડો અભાવ થતો નથી ને મોઢેથી ‘દેહ નાશવંત છે, અસત્ય છે, દુઃખરૂપ છે’ એમ કહેવાય છે ને બીજાને સમજાવાય છે, પણ પોતાને એ વાત પૂરી સમજાણી ન હોય. તેની ખબર કેમ પડે? તો હમણાં પડખેથી સર્પ નીકળે તથા ઘર સળગ્યું હોય ને ફરતી ઝાળું નીકળતી દેખાય તે વચમાં પોતે રહી ગયો હોય અથવા પોતે વહાણમાં બેઠો હોય ને દરિયામાં સઢ ભાંગે ને વહાણમાં પાણી ભરાવા માંડે તે વખતે સમજણની ખબર પડી જાય.”

પછી બોલ્યા જે, “આપણે તો એક મૂર્તિનું જ અનુસંધાન રાખવું, નહિ તો દેહનો મમત્વ મટે તેવો નથી. માટે દેહ, લોક, ભોગ, વિષય એ બધાંમાંથી વૃત્તિઓ ઉખાડી એક મૂર્તિ આકારે રહેવું. શ્રીજીમહારાજ સુખના નિધિ છે, જીવનદોરી છે. એ મૂર્તિને ચિંતામણિ, પારસમણિ, કલ્પતરુ એવી ઉપમા અપાય છે એ પણ ઘટતું નથી. તોપણ એથી વધુ શું કહેવું? પરભાવમાં તો બોલવાનું રહેતું નથી. સિદ્ધદશાવાળાને તો મૂર્તિ જ દેખાય એટલે સર્વત્ર સુખ, સુખ ને સુખ જ છે.” એમ વાતો કરતાં સમાપ્તિ કરી, હરિભક્તોને કેળાંની પ્રસાદી વહેંચી. ।।૧૨૨।।