(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૭) રાત્રે મેડા ઉપર આસને બાપાશ્રી વાતો કરતા હતા.

તે વખતે મનફરાવાળા માનસંગ ભક્તે પૂછ્યું જે, “બાપા! સત્સંગમાં મહારાજના મહિમાની વાતો બહુ થાય છે તે સાંભળીએ છીએ તોપણ ઘાટ-સંકલ્પ કેમ ટળતા નહિ હોય? ને માનસી પૂજા કરવા ટાણે, માળા ફેરવવા ટાણે ને ધ્યાન કરવા ટાણે કંઈક ઘાટ-સંકલ્પ આડા આવીને ઊભા રહે છે તે કેમ ટળે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજીમહારાજના આશ્રિતને એ મૂર્તિનું બળ રાખવું ને મોટા સંતનો મહિમા સમજવો એટલે એ ઘાટ નડી ન શકે. આ ટાણે બહુ ભારે કામ થાય છે, માટે ઢીલા-પોચા ન રહેવું. અને દેહમાં ટોળું ભરાઈ ગયું છે તે બહુ જબરું છે. એના જ્યારે ઘાટ થાય ને મનન કરે ત્યારે એનો સાક્ષાત્કાર થાય; માટે થતા ઘાટને જ દંડ દઈને કાઢી મૂકવો. અને જેમ વિદ્યાર્થી ભણે છે ને ગોખે છે તે પાકું થઈ જાય છે, તેમ મનન કરવાથી પાકા ઘાટ થઈ જાય છે, માટે ઘાટનું મનન કરવું નહિ. આપણને નબળા ઘાટનો અભાવ હોય તો મરેલા જાણવા અને હેત હોય તો જીવતા જાણવા. માટે ખબડદારી રાખવી અને પોતાને પાપી ન માનવું.

“આપણે ગૃહસ્થને શિક્ષાપત્રી પ્રમાણે વર્તવાનું છે, તેથી આઘું-પાછું વર્તવાનું કદી કરવું નહિ. અને કોઈ શિક્ષાપત્રી પ્રમાણે વર્તે નહિ તેનાં વચનમાં વિશ્વાસ કરવો નહિ.”

“મોટાનો મહિમા બરાબર સમજે તેનું તરત કામ થઈ જાય છે તે જ્યારથી જોડાય ત્યારથી તેનું કલ્યાણ થાય. સાધનવાળાને દેહને અંતે કલ્યાણ છે. જેમ એકને રોકડા રૂપિયા ને એકને હૂંડી વટાવવી બાકી છે તેમ.”

“મહારાજની મૂર્તિનું અનુસંધાન સર્વે ક્રિયામાં રાખવું. મહારાજના સંત સર્વેને દિવ્ય જાણવા, તેનું મનન કરવું, પણ એથી પરવારવું નહિ. પાંચ વખત માનસી પૂજા કરવી અને તેનો કેફ પંદર કલાક એટલે આખો દિવસ રહે. વ્યવહાર કરવામાં એક વરસ આગળથી ઠરાવ કરે છે. તો માનસી પૂજા કરતાં એક એક કલાક ઠરાવ થાય અને એક એક કલાક પછી સાંભર્યા કરે એમ કરતાં કરતાં અખંડ થઈ જાય. બહારની સેવા-ભક્તિ થાય, પણ ટાણું આવે ત્યારે માનસી પૂજા ભૂલી જવાય. આગળ-પાછળ થઈ જાય તો તે કેવું થયું કે જેમ કોઈકને નોતરું દઈને પછી ટાણે જમાડે નહિ, તો કચવાઈ જાય; તેમ નિયમ વિનાની માનસી પૂજા પણ એવી છે. એક વખત ભૂલી જવાય તો બે વખતની ભેગી કરે એમ કાંધા કરે, એમ કાંધા કરતાં પણ પૂરું થાય નહિ ત્યારે દેવાદાર થઈ જવાય. માટે નિયમસર માનસી પૂજા કરવી, પણ કાંધા કરવા નહિ. ધણીના ઘરમાં આવ્યા પછી ધણીની મરજી પ્રમાણે વર્તવું જોઈએ, નહિ તો કાઢી મૂકે. મહારાજે એક સાધુને ચોંટી ભરી તેથી જતા રહ્યા. દેહનું કામ એવું છે.” ।।૬૧।।