સંવત ૧૯૬૮ના ભાદરવા વદ-૫ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આપણે ધ્યાન, ભજન, કથા, વાર્તા, ભક્તિ ઝાઝી કરતા હોઈએ ને બીજા સંત કે હરિભક્ત સૂતા હોય તે મોડા ઊઠે કે ધ્યાન-ભજન ઓછું કરે, કે ન કરે તો આપણે એમ જાણવું જે, ‘એ પૂર્વે કરીને બેઠા છે ને મારે હજી કરવાનું છે’, એમ પોતાને વિષે ન્યૂનપણું માનવું. પોતે તો સ્નેહે સહિત સાધન કરવાં ને બીજાનો દોષ આવવા દેવો નહિ; ગુણ જ લેવો. તેમ કરતાં જો કોઈને વિષે દોષ જેવું જણાય તો એમ વિચાર કરવો જે, ‘તેની ખોટ તેને નડશે. શ્રીજીમહારાજ દંડ દેનારા છે’ એમ સમજવું. જો આપણું માને એમ હોય તો તેને સાધારણ રીતે કહેવું ને કોઈ સત્સંગના ધોરણ બહાર વર્તે તેને તો ધમકાવીને કહેવું. જો ન માને તો બીજા પાસે કહેવરાવવું ને તેનું રૂડું થાય તેમ પ્રાયશ્ચિત્ત કરાવીને શુદ્ધ કરીને નોરે કરવો; છતાં ન માને તો સત્સંગ બહાર કરવાનું મોટેરાને કહેવું. પોતે તેનો સંગ તજી દેવો, પણ દૈહિક પ્રકૃતિ જોઈને દોષ લેવો નહિ.”

“અને પોતાને વિષે રૂડા ગુણ હોય તેનો ખખા રાખવો નહિ. દાસપણાનો, નિર્માનીપણાનો, નિર્ગુણપણાનો એ સર્વેનો ભાવ ટાળવો; એટલે એના સામી વૃત્તિ ન રાખવી. એક મૂર્તિમાં જ રાખવી તો મૂર્તિ રહે. જો ધ્યાનમાં મૂર્તિનું સુખ લઈને પાછો બહાર આવે ને જાણે જે હું કેવું સારું ધ્યાન કરું છું! હું કેવો દાસ છું! કેવો નિર્માની છું! એમ જાણે તો જેમ ચાંપાં(ભેંસો) વગડે જઈને લીલું ખડ ચરીને પાછા ઘેર આવતા રહે એવું છે; માટે સંભારવું નહિ.”

“એ તો ગુણનો ભાવ છે તે જેમ દેહનો પડછાયો દેહથી જુદો પડતો નથી તેમ મૂર્તિ મૂકે તો એ સર્વે સાધન પડછાયા જેવાં છે તે ટળે નહિ. જેને મૂર્તિ સદાય રહે તેને તે સાધન સાંભરે નહિ. જેમ સૂર્યને પાછળ રાખીને કોઈક પડછાયો તગડવા જાય તો પડછાયો જાય નહિ, પણ જો સૂર્યને સામો રાખે તો પડછાયો આગળથી તૂટી જાય; તેમ મહારાજને સન્મુખ રાખે તો સાધનની મહત્તા ટળી જાય. ઠરાવવાળો દુઃખિયો અને અંત અવસ્થાવાળો સુખિયો; માટે જાણપણારૂપ દરવાજે ઊભા રહીને મહારાજને સંભારવા. જો એકલું સેવાભક્તિરૂપ થઈ જવાય તોપણ બંધન કરે.”

“અધિકારવાળો પણ દુઃખિયો. સાધુતાની, અધિકારની, ક્રિયા આવડે તેની, વાણીની, ચાપલ્યતાની, ભણતરની, દ્રવ્યની, એવી અનંત પ્રકારની મોટપો જીવે માની છે તે સર્વે દુઃખદાયી ને બંધનકારી છે. જ્યાં સુધી માયાનો ગુણ હોય ત્યાં સુધી દુઃખિયો. જ્યારે માયા છે જ નહિ એવું સમજાય ત્યારે તે સુખિયો. સાધન સર્વે ઉપકારી છે, પણ મૂર્તિ સન્મુખ થયા વિના સુખ નથી એમ જાણે ત્યારે દોષ ટળે. માટે જેને મહારાજનું સુખ વહેલું લેવું હોય તેણે કામ, ક્રોધ, ઐશ્વર્ય, પ્રસિદ્ધિ, યશ, કીર્તિ તેમને ભાગિયા રહેવા દેવાં નહિ; તો મહારાજનું સુખ આવે. જો એ કદી ભાગિયાં થવા આવે તો મોટાની પ્રાર્થના કરવી; એટલે મોટા એ પાપને નાશ કરી નાખે.”

“લાખ વર્ષ જોગ કરો ને કામ ન થાય તે કામ દર્શનમાત્રમાં કરી દે. અને લાખો-કરોડો જન્મનાં કર્મ તે પણ દર્શનમાત્રમાં નાશ કરી નાખે, એવો મોટાનો પ્રતાપ છે.” ।।૧૦૪।।