સંવત ૧૯૮૩ના આસો સુદ-૫ને રોજ સવારમાં શ્રી રામપુરના મંદિરમાં બાપાશ્રી તથા સંત-હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. તે વખતે જેતલપુરનું ૧લું વચનામૃત વંચાતું હતું. તેમાં ભગવાનને મળેલા મુક્તની વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આજ મહારાજને મળેલા હોય કે નહિ?” એમ કહીને પોતે જ બોલ્યા જે, “મૂર્તિમાં રહેતા હોય તે મળેલા કહેવાય. કેટલાક ત્યાગી તથા ગૃહસ્થ બહારદૃષ્ટિએ જોઈને એમ કહે છે કે આજ મહારાજને મળેલ ક્યાંથી હોય? પણ આજ તો મળેલા ઘણા છે. મહારાજ અને મુક્ત સદા સત્સંગમાં છે, છે ને છે જ. આજ સાક્ષાત્ શ્રીજીમહારાજ મધ્યસ્થ બિરાજે છે અને મુક્ત ફરતા બેઠા છે, માટે સદાય પ્રત્યક્ષ છે. તે અંતરદૃષ્ટિએ કરીને જુએ અને મહારાજનો ને મોટાનો વિશ્વાસ લાવે, તો આ ફેરે જ છેલ્લો જન્મ થઈ જાય એવો જોગ ને વખત છે. આ વાતો આ ગૌમુખીમાંથી આવે છે.”

તે જ દિવસે બપોરના કૃપા કરીને વાત કરી જે, “આ ઠેકાણે તો અક્ષરધામ, મહારાજ અને તેમને મળેલા છે તોપણ કેટલાકને સઈના શેભામાં જાય છે. તે શું? તો આવું ધામ, આવા મુક્ત, આવા મહારાજ તે સાક્ષાત્કાર બિરાજે છે, તોપણ પૂરું ન થાય તો તેનું સઈના શેભામાં ગયા જેવું થયું. આવા જોગ વિના એકલાં શાસ્ત્ર વાંચે કાંઈ નહિ વળે; આ ભણતર ભણાય તો પાકું થાય. આવા પરભાવના અર્થ મોટા મોટા વેદિયા પંડિતો આવે તોય ન કરી શકે; આ અનુભવી સંત કરી શકે ખરા.”

એટલી વાત કરીને પછી વચનામૃત વાંચવા માંડ્યું. તેમાં ગાલવ રાજાની વાત આવી. ત્યારે બાપાશ્રીએ સંતોને પૂછ્યું જે, “શ્યામકરણ ઘોડા ને ગાલવ રાજા તે કોને જાણવા?”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા! આ વચનામૃત તે વરુણ, જ્ઞાન તે ઘોડા, જીવ તે ગાલવ રાજા, અને ગુરુ તે ગરુડ; તે ગુરુ મળે ત્યારે આ વચનામૃતરૂપી વરુણમાંથી જ્ઞાન સમજાવે અને મોક્ષ કરે.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “ખરો ઉત્તર લાધ્યો. આ સભામાં આવા ઉત્તર ન થાય તો પછી બીજે ક્યાં થાય!” પછી બોલ્યા જે, “આજ પ્રગટના સુખના આહારી છે તેને પ્રગટ છે, અને જે એ સુખના આહારી નથી તેને પરોક્ષ છે. આ બદરિકાશ્રમ, આ શ્વેતદ્વીપ, આ અક્ષરધામ, આ બધા અવતાર બેઠા. આમાં માયાનો અંશ નથી. શુકદેવજી બહુ મોટા કહેવાતા, પણ સત્સંગમાં આવ્યા ત્યારે મુક્ત થયા. આજ કેટલાક ઈશ્વરકોટિમાંથી, કેટલાક બ્રહ્મકોટિમાંથી, કેટલાક અક્ષરકોટિમાંથી એમ આવ્યા છે. તે આજ અક્ષરધામની સભામાં આવી બેઠા છે. જે સ્વામિનારાયણના થાય તેની સ્વામિનારાયણ ખબર રાખે છે.”

એ સમયે લાલશંકરભાઈ આવ્યા. તેમની બાપાશ્રીએ પ્રશંસા કરી માથે હાથ ફેરવી કહ્યું કે, “આ તો અમારા સિપાઈ છે.” પછી ગોડપુરના હરિજનોએ પ્રાર્થના કરવાથી બાપાશ્રી સંતોએ સહિત ગોડપુર પધાર્યા. ।।૨૨।।