સંવત ૧૯૮૪ના વૈશાખ સુદ-૬ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આવો સમય ફેર ફેર નહિ મળે, માટે બીજાં બધાંય કામ ખોટી કરીને આ જોગ કરી લેજો. આ લાભ અક્ષરધામમાં છે કે અહીં છે.”

એમ કહીને પ્રસન્નતા જણાવી સૌ સંતોને બોલાવીને કહ્યું જે, “આવો સંતો! આજ બ્રહ્મરસ વરસે છે. આ દિવ્ય સભામાં શ્રીજીમહારાજ તેજોમય બિરાજે છે. મૂર્તિમાંથી સુખની ધારાઓ છૂટે છે. આપણે એ દિવ્ય સુખનો આહાર કરવો.

“સંતો! તમે અમારા માટે દરિયામાં આગબોટ તથા વહાણનાં દુઃખ વેઠો છો ને અહીં આવી જોગ-સમાગમ કરો છો તેથી તમને સમાસ ઘણો થાય છે અને અહીંના છે તે લાભ લઈ શકતા નથી. કેટલાક તો ‘હમારા ઘરકી બાત હે’ એમ જાણતા હશે, પણ તમારા પર શ્રીજીમહારાજની તથા મોટાની દયા છે તેથી મહિમા જાણી જોગ-સમાગમ કરો છો. અમારે તો સૌને મૂર્તિમાં રાખવાનો જ ઠરાવ છે, બીજું કાંઈ કામ નથી. તેથી ઘેર ઘેર જઈએ, ગામ-પરગામ જઈએ, પણ ઠરાવ એ એક જ. આ વાત જે જાણતા હોય તે જાણે. સત્સંગમાં બધાય પોતાના મોક્ષ માટે આવ્યા છે તે ગરજું તો હોય, પણ નબળાના સંગદોષે મહિમા જાણી ન શકે. કેટલાક તો સમજ્યા વિના ખોટનો વેપાર કરી બેસે એવાય હોય. એવા જીવનું પણ આપણે તો સારું થાય એવો સંકલ્પ કરવો.”

“મહારાજ તથા મોટા મુક્તને તો સૌ જીવને સુખિયા કરવા છે એવી જ એમની દયા છે. તેથી મોટા સંતો એમ કહે છે કે, ‘જીવને કલ્યાણ માટે મહારાજ તથા મોટા મુક્તના વેચાણ થઈ રહેવું’, પણ જીવમાં અનાદિકાળનું અજ્ઞાન ભર્યું છે તેથી એવો મહિમા જાણી ન શકે. શ્રીજીમહારાજ સર્વત્ર છે, તેમ આ સભા પણ એ પુરુષોત્તમ ભગવાનની છે તેથી સર્વત્ર છે. કયા ઠેકાણે ન હોય? માટે સંતો! મહારાજ તથા આવી દિવ્ય સભાને ભેગી ને ભેગી રાખજો. આ સભા છેટી છે કે બીજે છે એમ જાણશે તેને ખોટ જશે. પછી દાખડો ઘણો પડશે, પણ આવું સુગમ નહિ થાય. માટે મહારાજની મૂર્તિમાં અખંડ જોડાઈ રહેવું ને સદાય એમ જ વર્તવું અને વાતો પણ એવી જ કરવી, પણ મૂર્તિ ભૂલીને વાતોને નોરે ચડી જવું નહિ. મૂર્તિ વિનાની બીજી વાતો કરવી તે તો ખોટી થવા જેવું છે, માટે ખરા અનુભવી થવું. આવો અવસર ફેર આવવો બહુ દુર્લભ છે.”

એમ વાતો કરી સૌ સંતોને રાજી કર્યા. પછી નારાયણપુરથી ધનજીભાઈના ત્રણે દીકરા વૃષપુર આવ્યા ને બાપાશ્રીનાં દર્શન કરીને પ્રાર્થના કરી જે, “બાપા! સંતો અહીં ખપે એટલા દિવસ રહે, પણ જ્યારે દેશમાં પધારે ત્યારે તમો આ સદ્‌ગુરુ તથા સંતોને સાથે લઈને નારાયણપુરમાં સૌને દર્શન દઈ જજો.”

ત્યારે બાપાશ્રીએ તેમને કહ્યું જે, “સંતો દેશમાં જવાની ઉતાવળ કરે છે; કેમ જે તેમને માથે મંદિરના વ્યવહાર, તેથી કથા-વાર્તા કરવા ગામડાંમાં જવું પડે, ધર્માદા પણ ઉઘરાવવા હોય; એવાં કામ તેમને ઘણાં તેથી તાણ કરીને રોકીએ તો રાજી ન થાય; નહિ તો એક-બે મહિના હજી રાખીએ.”

પછી સંતોને પૂછતાં એકાદ માસ રહેવામાં તાણ પડશે એમ માંહોમાંહી વાત કરતા હતા ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “તમારે કામ હોય તો સુખે જાઓ. જો રહો તો રાજી છીએ અને જાઓ તો સદાય ભેગા છીએ.” એમ કહી પુરાણી કેશવપ્રિયદાસજીને ભુજ જવાની આજ્ઞા કરીને કહ્યું જે, “તમે ત્યાં જઈને કથા-વાર્તા કરજો ને સૌને મૂર્તિને સુખે સુખિયા કરજો. આ સદ્‌ગુરુઓ સંતોએ સહિત નારાયણપુર થઈને ભુજ આવશે તે ત્યાં ચાર દિવસ રોકાશે.”

એમ કહી તેમને વિદાય કર્યા. પછી પોતે પણ સંતોએ સહિત નારાયણપુર પધાર્યા. ત્યાં સૌ હરિભક્તોને દર્શન દઈ, વાતે-ચીતે સુખિયા કરી ધનજીભાઈને ઘેર ઠાકોરજી જમાડ્યા.

પછી સંતોને દેશમાં જવાની આજ્ઞા કરી સર્વેને મળ્યા ને કહ્યું જે, “તમો ચાર દિવસ ભુજમાં રોકાજો.” ત્યારે સંતોએ પ્રાર્થના કરી જે, “બાપા! અમારા ઉપર આપ રાજી છો તેવા ને તેવા સદાય રાજી રહેજો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અમે તમારા ઉપર સદાય રાજી છીએ. તમો પણ સદાય મૂર્તિમાં રહી મૂર્તિનાં સુખ ભોગવજો.” એમ આશીર્વાદ આપી બાપાશ્રી વૃષપુર પધાર્યા અને સંતો ભુજ ગયા. ।।૧૪૫।।