સંવત ૧૯૭૩ના વૈશાખ સુદ-૧૩ને રોજ સવારે સભામાં છેલ્લા પ્રકરણનું ૩૫મું વચનામૃત વંચાતું હતું. તેમાં સંતના દ્રોહનું પાપ ભગવાનનો દ્રોહ કર્યા સરખું અને સંતની સેવાનું ફળ ભગવાનની સેવા કર્યા સરખું થાય છે એમ આવ્યું.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “બીજા અવતારાદિકના તથા તેમના ભક્તના દ્રોહથી ભૂંડું થોડું થાય, ને તેમની ભક્તિથી મોક્ષ પણ અલ્પ થાય. અને આજના ભક્તના અપરાધથી ભૂંડું બહુ થાય, ને પ્રસન્નતાથી કલ્યાણ પણ મોટું થાય; કેમ જે બીજા અવતાર તો કેટલાક માયામાંથી આવ્યા છે ને કેટલાક માયાથી પર જે ઈશ્વરકોટિ તેમાંથી આવ્યા છે, અને કેટલાક બ્રહ્મકોટિમાંથી આવ્યા છે. અને આ તો બ્રહ્મકોટિથી પર અક્ષરકોટિ અને તેથી પણ પરના જે પરમ એકાંતિક ને અનાદિ તે આવ્યા છે. અને શ્રીજીમહારાજ તો તેથી પણ પરના આવ્યા છે. બીજા અવતારોનાં ઐશ્વર્ય તો શ્રીજીમહારાજ લઈ લે છે ને પોતે તો સ્વતંત્ર છે. જેમ આકડાનું ફળ ને આંબાનું ફળ તે સરખાં નથી, તેમ મહાપ્રભુજી અને બીજા મૂળ અક્ષરાદિક તે સરખા નથી.”

“જો આ મહારાજનો મહિમા સમજાય તો કામ, ક્રોધ, લોભ, માન, એ સર્વે દોષ જતા રહે ને દેહ ખોખું થઈ જાય. જેમ સદાનંદ સ્વામીએ કહ્યું જે, ‘ગુરુભાઈકી લકડી ભાગ ગઈ’, અને શ્રી ગોપાળાનંદ સ્વામીને નાગડા વૈરાગીએ માર્યા ત્યારે તેમને પૂછ્યું જે, ‘સ્વામી, તમને બહુ માર્યા’, ત્યારે સ્વામી બોલ્યા જે, ‘લાકડાને લાકડે માર્યા એમાં તે શું?’ એવા સાધુ થાવું.”

“મહારાજની નાની-મોટી આજ્ઞા સર્વે યથાર્થ પાળીને ધ્યાન કરવું. તે આજ કરો કે લાખ-કરોડ જન્મે કરો, પણ તે કર્યા વિના મહારાજ કે મોટા પ્રસન્ન થાય નહિ. આ જોગ કરો છો, પણ જો ફણા અધર રાખી તો માયાનું ઝેર ઊતરશે નહિ ને કોઈના પ્રાણ લેશો. તે શું? તો કોઈક જાણે જે આ મોટાના જોગવાળા છે, એમ જાણીને સેવા કરે તે પ્રાણ લીધા કહેવાય; માટે એમ ન કરવું. અને સિદ્ધિઓ જે ઘી, સાકર, ફળ, ફૂલ, મેવા આવે તે સાધુને દઈ દેવાં; જેમ સદ્‌ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી દઈ દેતા તેમ ગરીબ સાધુને દઈ દેવું. આ મહારાજ ને આ મહારાજના સંત કેવડા મોટા છે? તો દેહ મૂકતી વખતે આ સભા સાંભરે તો કાંઈ વાંધો રહે નહિ ને પૂરું થઈ જાય. જો મહારાજ ને મોટા કૃપા કરે તો ઝાડને પણ જ્ઞાન થાય ને મોક્ષ થાય છે. જો દ્વેષી જીવ પણ પ્રાર્થના કરે તો તેનું કલ્યાણ થાય છે, એવો મોટાનો પ્રતાપ છે.” ।।૧૬૯।।