સંવત ૧૯૮૪ના જેઠ માસમાં બાપાશ્રી માધાપુરના યજ્ઞમાં પધાર્યા હતા. તે ગામના કલ્યાણ ભક્તને ઘેર બાપાશ્રી પધાર્યા તે સમયે તેના ઘરમાં બાપાશ્રીની છબી જોઈને પોતે બોલ્યા જે, “ઓ છબી લાવો.” પછી તે ભક્તે આપી ત્યારે બાપાશ્રી તે છબી ઉપર ત્રણ વાર હાથ ફેરવીને બોલ્યા જે, “હવે આનાં દર્શન કરજો, પણ આ મૂર્તિનાં નહિ થાય.” એમ ત્રણ વાર બોલ્યા. એવી રીતે મર્મમાં અતિ પ્રેમી ભક્તોને કોઈ કોઈવાર પોતાનું અંતર્ધાનપણું અગાઉથી સૂચવી દેતા. ।।૯૭।।