સંવત ૧૯૬૩ના વૈશાખ સુદ-૭ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “મોટાનાં કરેલાં શાસ્ત્રમાં અથવા મોટાની કરેલી વાતોમાં તર્ક થાય તો પાપ લાગે. એક તો મહારાજના સ્વરૂપમાં રહેતા હોય તેણે કરીને મોટા હોય, અને એક તો શાસ્ત્ર ભણવે કરીને મોટા હોય. શાસ્ત્ર ભણેલાના શબ્દ શાસ્ત્ર પ્રમાણે બરાબર હોય ને લોકને મળતા હોય. અને મુક્તના શબ્દ લોકમાં કે શાસ્ત્રમાં મળતા ન આવે, પણ એ શબ્દ મુદ્દાના હોય. માટે શાસ્ત્રની સાખ ન લેવી; કેમ કે શ્રીજીમહારાજ એમાં રહીને પોતે બોલે છે. માટે એ શબ્દ અમૂલ્ય છે. મોટાના શબ્દમાં શંકા કરીને એ શબ્દને ફેરવે તો મોટો બાધ આવે અને મોટાના શબ્દનો મહિમા જાણે તો બહુ કામ થાય. જેને મોટાનાં વચનનો વિશ્વાસ નહિ તેને કાંઈ લાભ થાય નહિ. મોટાના સમાગમે કરીને સાંખ્ય અને યોગ એ બે સિદ્ધ થાય છે. સાંખ્ય એટલે દેહને ખોટો કરાવે છે અને યોગ એટલે મૂર્તિ સિદ્ધ કરાવે છે. તે મોટા કરાવે તો તુરત થાય.”

“પરોક્ષ શાસ્ત્ર ખડને ઠેકાણે છે ને પ્રત્યક્ષનાં શાસ્ત્ર કણને ઠેકાણે છે. વચનામૃત ભોજનને ઠેકાણે છે; કેમ જે શ્રીજીમહારાજના મુખમાંથી નીકળ્યાં છે. માટે તે નિત્ય વાંચવાં; કેમ કે આત્યંતિક કલ્યાણ કરવા એ એક જ શાસ્ત્ર સમર્થ છે. એ સીધે મારગે જવા જેવું છે અને બીજાં શાસ્ત્ર તો ઉભાંગડ ચાલવા જેવાં છે તે ક્યાંયે લઈ જઈને ફગાવે.”

“જેમ મણ પાણીમાં પાશેર દૂધ હોય તેને હંસ જુદું પાડી આપે, તેમ શાસ્ત્રમાંથી સાર કાઢતાં મોટા મુક્તને આવડે. વિદ્યાની શુદ્ધિ પણ મોટાનો જોગ હોય તો થાય.”

“શાસ્ત્રમાં બ્રહ્મ તથા સંત તથા અવતાર એવા શબ્દ આવે ત્યારે બ્રહ્મ તે ધામ સમજવું અને સંત તે મુક્ત સમજવા અને અવતાર તે મહારાજ સમજવા. એમ એવા શબ્દ મૂર્તિમાં, ધામમાં ને મુક્તમાં વળગાડવા; પણ ઓરા રાખવા નહિ. તેમાં જે સંશય કરે તેને સત્સંગની સમજણ નથી.”

“શાસ્ત્રીય દૃષ્ટિ તે બહારદૃષ્ટિ છે. માટે તેનું વર્ણન કોઈ કરનાર હોય તો આપણે ન કરવું; કેમ જે એ મૂર્તિ ભુલાવનાર છે; શાથી જે એમાં મૂર્તિનું બીજ નથી. કોઈ કરનાર ન હોય અને આપણે જ માથે આવી પડે તો અવશ્યનું કરવું.”

“અને સત્સંગનો વ્યવહાર પણ મૂર્તિ ભુલાવનાર છે. મહારાજની મૂર્તિ વિના બીજું વર્ણન છે તે તો નાવ વિના સમુદ્રમાં પડ્યા જેવું છે. એ તો મરી જવાય એટલે કરનારનો કે સાંભળનારનો મોક્ષ ન થાય.”

“માટે પ્રગટ શ્રી હરિજીના ઉપાસકને તો પ્રગટના પ્રસંગની વાતો કરવી. જ્યારે મહારાજની વાતો કે કથા થાતી હોય ત્યારે મહારાજ અને મુક્ત આવીને વિરાજમાન થાય છે ને બહુ રાજી થાય છે. અને મહારાજ વિના બીજો પ્રસંગ આવે તો બહુ કુરાજી થાય છે જે આવા મોટા આપણ તે જીવોને મળ્યા તોપણ માયિક આકારને સંભારે છે. તે કેવું કરે છે? તો જેમ ચક્રવર્તી રાજા આગળ પટેલની મોટપ વર્ણવે તેમ કરે છે.”

“માટે મહારાજની કથા-વાર્તા થાતી હોય ત્યાં બીજી પરોક્ષ વાત ન કરવી. જ્યારે અજ્ઞાની જીવ બેઠા હોય ને ઉપાધિ થાય એવું હોય ત્યાં કરવી પડે તો તેમાં મહારાજ ને મોટા કચવાતા નથી; પણ આપત્કાળ વિના જો મહારાજના પ્રસંગ વિના બીજો પ્રસંગ કાઢે તો જેમ કોઈકને જમવા બેસારીને પીરસે નહિ તો તે નિરાશ થઈને ઊઠી જાય ને તેને જેવું વસમું લાગે તેવું મહારાજને તથા મુક્તને વસમું લાગે છે. એવા લૂખા શબ્દ કોઈ જીવને સમાસ ન કરે. અને મહારાજના સ્વરૂપનું જેને યથાર્થ જ્ઞાન હોય ને તે મૂર્તિને દેખતા ન હોય, પણ તેના શબ્દ મહાપ્રભુજીના સંબંધના હોય તે જીવને સમાસ બહુ કરે છે. એ શબ્દ જેના જીવમાં ઊતરે તેને બ્રહ્મરૂપ કરે ને મુક્ત કરી મૂકે છે. અને તેના ઉપર મહારાજ ને મુક્ત બહુ પ્રસન્ન થાય છે.” ।।૫૧।।