સંવત ૧૯૬૨ના વૈશાખ વદિ-૯ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “ધ્યાન કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે અને બેય હોય તો વિશેષ શ્રેષ્ઠ છે.”

તે ઉપર શ્રી સચ્ચિદાનંદ સ્વામીની વાત કરી જે, “એક દિવસે શ્રીજીમહારાજ ગઢાળી પધાર્યા હતા ત્યાં તેમને તેડી ગયા નહિ તેથી નવ દ્વારે રુધિર નીકળ્યું ને માંદા થઈ ગયા. ત્યારે શ્રી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું જે, ‘આત્માને વિષે શ્રીજીમહારાજને ધારીને મૂર્તિનો સાક્ષાત્કાર કરો તો વિયોગ ન થાય, ને સદાય સુખિયા રહેવાય.’ ત્યારે સચ્ચિદાનંદ સ્વામી બોલ્યા જે, ‘સ્વામી! આપે દયા કરીને આજ મારી ખોટ ઓળખાવી.’ એમ જ્ઞાન શ્રેષ્ઠ છે.”

“સમાધિ કરતાં અખંડ સ્મૃતિ વિશેષ છે. અખંડ સ્મૃતિ તે સરવાણી પાણી જેવી છે અને સમાધિ તો એકદમ તળાવ ભરાઈ જાય ને પછી સુકાઈ જાય એવી છે, માટે અખંડ સ્મૃતિ તે વિશેષ છે. અને અખંડ સ્મૃતિવાળાથી ઉપશમદશાવાળો વિશેષ છે. અને તેથી અખંડ મૂર્તિ દેખે તે સ્વરૂપનિષ્ઠાવાળો કહેવાય તે શ્રેષ્ઠ છે, અને તે સિદ્ધદશાવાળો કહેવાય.”

“સિદ્ધદશાવાળો જંગમ તીર્થનું કામ કરે, એટલે જ્ઞાન આપીને મોક્ષ કરે, પણ બીજો દેહ ધારવાનું બાકી ન રાખે. માટે એવાનો જોગ કરવો. ઉપશમદશાવાળો તો અખંડ મૂર્તિમાં રહે ને એને આ લોકની સ્મૃતિ કે આ લોકમાં પ્રીતિ ન રહે ને નિઃસ્પૃહ હોય તેથી સર્વે એમ જાણે જે, ‘અહો! આ તો ભગવાન વિના બીજું સંભારતા જ નથી. અખંડ મૂર્તિમાં જોડાઈ રહે છે; માટે આપણે પણ એ જ કરવાનું છે.’ એમ જાણીને ઘણાક જીવ મોક્ષને માર્ગે ચાલે. માટે તે સ્થાવર તીર્થ જેટલું કામ કર્યું કહેવાય.”

“ઉપશમદશાવાળાનો ઉદ્‌ઘોષ ઉપરથી બહુ જણાય અને જે સિદ્ધદશાવાળા હોય તેનો ઉદ્‌ઘોષ જણાય નહિ. જેમ કૂવો ખોદાતો હોય ત્યારે માણસ, પશુ તથા બીજો સામાન કૂવા ઉપર ઘણો હોય; પણ તેનું પાણી પીવાના કામમાં આવે નહિ. જે કૂવામાં અલંચ પાણી હોય તેના ઉપર કાંઈ સામાન હોય નહિ, પણ તેનું પાણી પિવાય ને તૃષાની નિવૃત્તિ પમાડે. તેમ સિદ્ધદશાવાળા મોક્ષ કરે. એવા મોટા મુક્ત મૂર્તિનું સુખ જીવને આપે તો ખરા, પણ એ સુખ ઝીલનાર શુદ્ધ પાત્ર ન હોય તો પાછું મૂર્તિમાં જતું રહે. જેમ સમુદ્રનું જળ વરસે તે તલાવડામાં માય એટલું રહે, ને વધારે હોય તે સમુદ્રમાં પાછું જાય છે તેમ.”

“શ્રીજીમહારાજની મૂર્તિમાં અનંત પ્રકારનાં સુખ, અનંત પ્રકારનાં ઐશ્વર્ય રહ્યાં છે તે સિદ્ધદશાવાળાને સર્વે ભેળાં આવે છે. જેમ પાકમાં ઘી, ગોળ, સાકર, એલચી, તજ, લવિંગ, જળ, અગ્નિ, સરપટા એ સર્વેનો જુદે જુદે પ્રકારે ભેળો સુગંધ આવે છે; તેમ સાધનદશાવાળાને મૂર્તિનું અને મુક્તનું (કારણનું) તથા સાધુ, બ્રહ્મચારી, આચાર્ય, સત્સંગી, ઉત્સવ, સમૈયા, ઘોડા, હાથી, રથ, વિમાન, પાલખી, બાગ, બગીચા, એ સર્વે કાર્ય છે તે સર્વેનું નોખું નોખું સુખ આવે છે.” ।।૧૬।।