સંવત ૧૯૭૯ની સાલમાં ધ્રાંગધ્રાના સોની લીલાધર કુટુંબે સહિત વૃષપુર ગયા હતા. પછી પોતાના ગામ પાછા આવતી વખતે બાપાશ્રીએ એમના ત્રણ દીકરાનાં કાંડાં ઝાલ્યાં, તે બે ભાઈનાં મૂકી દીધાં ને નાના ભાઈ મોહનનું કાંડું ઝાલી રાખ્યું ને કહ્યું જે, “તને તો સેવામાં રાખવો છે.” એમ કહીને એનું કાંડું પણ મૂકી દીધું. પછી તે ધ્રાંગધ્રે ગયા. ત્યાં મોહનને મંદવાડ થઈ ગયો તેને બાપાશ્રીએ દર્શન આપીને કહ્યું જે, “તને પૂનમના રોજ બપોરે બાર વાગે તેડી જઈશું.” એમ કહીને અદૃશ્ય થઈ ગયા.

પછી આ વાત તેના બાપને કરી તેથી તેના બાપે બાપાશ્રીને તાર કર્યો જે, “મોહનને સાટે મને લઈ જાઓ, પણ એને રાખો.” પછી બાપાશ્રીએ તારનો જવાબ આપ્યો જે, “તમારી પ્રાર્થના મંજૂર.” તે જોઈને તાર માસ્તર મણિલાલભાઈ સત્સંગી થયા અને મોહનને મંદવાડ મટી ગયો. ।।૮૬।।