સંવત ૧૯૮૩ના ફાગણ વદ-૩ને રોજ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકાવાળાં વચનામૃતની પારાયણ હીરાભાઈ, સાંવલદાસભાઈ તથા હરિભાઈ તરફથી બેસવાની હતી. તેથી સંતો-હરિભક્તો સહુ તૈયારી કરતા હતા. બાપાશ્રી પણ નિત્યવિધિ કરી સભામાં પધાર્યા. સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી એ બન્ને સદ્‌ગુરુઓ પારાયણ વાંચવાના હતા તેથી સૌના હૃદયમાં આનંદ ઊભરાતો હતો. મંડપની તૈયારી સંપૂર્ણ થઈ રહી, મહાપ્રભુની સ્થાપના થઈ, વિધિ પૂરો થઈ રહ્યો. ત્યારે બન્ને સદ્‌ગુરુઓને પાટ ઉપર બેસારી બાપાશ્રીએ આરતી ઉતારી, વચનામૃતની પૂજા કરી; સંતોને ચંદન ચર્ચી હાર પહેરાવ્યા. પછી લાલુભાઈ, મહાદેવભાઈ, હીરાભાઈ, હરિભાઈ, આદિક સહુએ પૂજા કરી. વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકાના મૂળ કર્તા બાપાશ્રી તથા સંગ્રહ કરનાર અને સર્વે પ્રશ્નોત્તર રૂપે યથાર્થ જ્ઞાન પ્રવર્તાવવા ઇચ્છનાર સદ્‌ગુરુઓ હોવાથી એ પારાયણનો અતિ ચમત્કારિક દિવ્યભાવ જણાતો હતો. કથા ચાલતી થઈ, વચનામૃત પૂરાં થતાં જય બોલાતી અને સમાપ્તિ થયે કીર્તન બોલાતું.

એ રીતે જ્યારે કથાની સમાપ્તિ થઈ ત્યારે સ્વામી વૃંદાવનદાસજીએ બાપાશ્રીને કહ્યું જે, “બાપા! આ સંત-હરિભક્તોને દિવ્ય ભોજન જમાડો.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું કે, “ભલે સ્વામી! આપણે તો એ જ કરવાનું છે. શ્રીજીમહારાજ સૌને અભયદાન આપે છે તેથી સત્સંગમાં સર્વે સુખિયા છે. ક્યાં મહારાજ! ને ક્યાં તેમના અનાદિમુક્ત! આ તો બહુ મોટી પ્રાપ્તિ થઈ છે. પુરુષોત્તમના મહાઅનાદિનો જોગ મળવો ઘણો દુર્લભ છે, એ જોગ આ ટાણે મળ્યો છે. માટે કોઈ વાતનો ખાંગો ન રાખવો ને કોઈને વિષે ખામી ન સમજવી. જીવ અવળે રસ્તે ચડી જાય તો ‘અઠે દ્વારકા’ કરી બેસે. તે ઉપર મુમનાનું દૃષ્ટાંત આપ્યું. એમ આપણે ‘અઠે દ્વારકા’ ન કરવું. આવા જોગનો તપાસ કરવો. બીજે ખોળવા જાય અને ચમત્કાર ઇચ્છે, પણ તેમાં શું માલ છે! આ જોગ ને આ પ્રસાદી મળવી દુર્લભ છે, માટે મહિમામાં સુખ છે. ઉપરદળના રામજીભાઈ અમારી પાસે દર્શને આવે ત્યારે ફળીમાં જામફળી, લીંબુડીને દંડવત કરે, બાથમાં લઈને મળે ને રોતા જાય અને એમ બોલે જે, ‘અહો! તમે મોટાં ભાગ્યવાળાં અહીં પ્રગટ થઈને રહ્યાં ને મારે તો જવું પડે છે.’”

તે ઉપર બ્રહ્માએ વૃક્ષ-વેલીનો અવતાર માગ્યો એ વાત કરીને કહ્યું જે, “મહારાજ અને તેમના અનાદિમુક્તનો મહિમા બહુ જબરો છે.”

પછી એમ બોલ્યા જે, “ઉપાસનાની વાત સર્વેથી જબરી છે. ઉપાસના દૃઢ હોય તો ધણીના ખોળામાં બેઠો, અને તેમાં કાચું હોય તો કાળ, કર્મ તથા બીજા અદેવમાં વળગે. જો પાકી ઉપાસના હોય તો સેવા-ભક્તિ કરાય. તેમાં જો કાચું હોય તો જાણે કે, ‘સેવા-ભક્તિ અધિકારી કરશે.’ પણ જો ઉપાસના દૃઢ હોય તો સેવા-ભક્તિ, મંદિર આદિ કરવામાં અટકે નહિ; અધિકારી કરશે એમ વાટ ન જુએ.”

“જો અનુભવજ્ઞાન હોય તો વાંધો જ નહિ. બીજું તો ખોટું છે તેને ખોટું કરવું તેમાં શું વળે? આપણે તો સાચી વસ્તુ જે મહારાજની મૂર્તિ તે રાખવી. બહુ કટ કટ વાતો કરે તોય શું! ખરેખરું અનુભવજ્ઞાન થાય અને મૂર્તિમાં જોડાય તો જ કામ આવે. મહારાજની મૂર્તિમાં દૃષ્ટિ પહોંચી તો ગૌલોક, બ્રહ્મપુર, અક્ષર ને અક્ષરધામ એ સર્વે આવી ગયું. બીજે ક્યાં ખોળવું? મૂર્તિમાં સર્વે છે.”

“દિવ્યભાવ પામે તો મૂર્તિઓ દિવ્ય અને મુક્ત પણ દિવ્ય ભાસે. આ વાતમાં જીવ ખોટ કાઢે ને મોટા મુક્તમાં પણ ખોટ કાઢે એ દિવ્યભાવ અને મનુષ્યભાવમાં શું જાણે! દિવ્ય મુક્તની કિંમત કેમ કરી શકાય! એ વાત ન સમજાય ત્યારે ‘આ તો આમ ખાય છે, આમ બોલે છે, આમ ભોગવે છે, આમ જુએ છે’ એવા ભાવ પરઠે. એવા અવગુણ પ્રકૃતિના કાર્યને લઈને દેખાય છે. દિવ્યભાવ આવે તો અવગુણ ન આવે, પણ જીવને અજ્ઞાન બહુ છે. જો મહારાજ તથા સંત ઢસરડીને લઈ જાય તો જાય. સાધુ તો અક્ષરધામનો દરવાજો છે તે દ્વારા મહારાજ સુખ આપે છે, એમ જાણે તેને સંત વઢે તો તપે નહિ, ક્યાંઈક મોકલે તો રાજી થકો જાય. જેમ મહારાજ સૂઝે તે કામ બતાવે પણ તે રાજી થકો કરે, તેમ જેને પરિપક્વ સમજણ હોય તેને આ વાત સમજાય. પરિપક્વ સમજણવાળો તો સર્વે કર્તા મહારાજને જાણે. એવી દૃઢતા ન હોય તો અત્યારે મંદિરનો ખજાનો કોઈ લેવા આવે તો હાયવોય થાય. પણ મૂર્તિને કોઈ લઈ જાય છે?”

“આપણે તો એક સ્વામિનારાયણ રાખવા. ધણી સત્સંગમાં અખંડ બિરાજે છે તેને કેટલાક સંભારતા નથી ને ધૂળબલાને સંભારે છે. મહારાજ કહે, ‘એવા દૃઢ સમજણવાળા તો ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી છે. તેમની પેઠે દાસપણું આવવું કઠણ.’ મહારાજ તો જેમ છે તેમ કહેતા આવે છે, પણ આપણે પૂર્ણકામપણું માની બેઠા છીએ; એટલે આશ્ચર્ય મનાતું નથી. ‘મેં હું આદિ અનાદિ, મીટ ગઈ સર્વે ઉપાધિ.’ આદિ તો આ બેઠા, તે જ અનાદિ છે. આ તો કઈ જગ્યામાં હોય ને આપણે શુંયે સમજતા હોઈએ.”

“મોટાને તો ત્રણે અવસ્થામાં સદા મૂર્તિ જ છે. આ સત્સંગમાં એવી વસ્તુ છે, પણ ઓળખે નહિ ને મોટા અનાદિમાં મનુષ્યભાવ પરઠે તો કામ માર્યું જાય; કેમ જે એ તો સદાય મૂર્તિમાં જ છે ને મહારાજની ઇચ્છાથી દેખાય છે.”

“એક હરિભક્તે સદ્‌. નિર્ગુણદાસજી સ્વામીને પૂછ્યું જે, ‘શ્વેતદ્વીપ ને બદરિકાશ્રમમાં કોણ રહે છે?’ ત્યારે એ બોલ્યા જે, ‘અમે એવું જાણતા નથી. ચક્રવર્તી રાજા બીજાનું જોવા ન જાય, તેમ મૂર્તિ વિના અમે બીજું જોતા નથી.’ પુરુષોત્તમનારાયણની મૂર્તિમાં જોડાઈ રહ્યા એને બીજું કાંઈ છે? એવું જોયાનું શું કામ છે! માયિક વસ્તુથી શું જોવાય! તેથી તો માયામય જ જોવાય ને દિવ્ય વસ્તુ રહી જાય. સુરત રાખો! ઘણાં સુખ મળ્યાં છે, સ્વામિનારાયણ આજ તો અઢળક ઢળ્યા છે. આ લોકમાં ચાર દહાડા રહેવાનું એટલામાં આપણે ખરો સિદ્ધાંત સમજી લેવો.”

“મોટા તો મૂર્તિથી નોખા જ ન પડે, એવી સ્થિતિવાળાને માળા પૂરી ન થાય, માનસી પૂજા પણ પૂરી ન થાય, તેને તો આકાશ-પાતાળમાં મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહિ. સ્વામી નિર્ગુણદાસજીને મેં પૂછ્યું જે, ‘સુખમાં જોડાઈ જવાય છે તેથી માળા પૂરી નથી થાતી.’ ત્યારે સ્વામીશ્રી કહે, ‘હવે તેનું કાંઈ નહિ; સર્વે થઈ રહ્યું છે.’ એવા સંત અદૃશ્ય થઈ ગયા. એવા ક્યાંથી મળે! આજ પણ મોટા સોંઘા થઈને દર્શન દેવા આવ્યા છે, પણ જીવ સૂનકાર થઈ ગયો છે તેથી લાભ લેતા આવડતું નથી.” ।।૩૯।।